‘‘વિશ્વ મેલેરિયા દિવસ’’ : રાજકોટમાં 1 વર્ષમાં 50 કેસ નોંધાયા

  • April 25, 2023 08:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દર વર્ષે ૨૫મી એપ્રિલે ‘‘વિશ્વ મેલેરિયા દિવસ’’ ઉજવવામાં આવે છે. જેની આ વર્ષની ઉજવણીનું થીમ છે.- ‘‘શૂન્ય મેલેરિયા સુધી પહોંચવા રોકાણ, નવીનતા, અમલીકરણ’’ મેલેરિયા અંગે લોકજાગૃતિ કેળવી મેલેરિયામુક્ત ગુજરાતના નિર્માણના લક્ષ્યને પાર પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે.



વિશ્વમાં ૧૦૬ દેશોમાં દર વર્ષે ૩.૩ અબજ લોકો મેલેરિયાના જોખમ હેઠળ છે. દર વર્ષે ૨૫ એપ્રિલના રોજ ‘‘વિશ્વ મેલેરિયા દિવસ’’ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લાખો લોકોના જીવ લેનાર મેલેરિયા રોગ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસે મેલેરિયાને કેવી રીતે અટકાવવો, દૂર કરવો અને નિયંત્રણમાં રાખવો તે અંગે લોકોમાં જનજાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બીજા વિશ્વયુદ્ધ પછી જાહેર આરોગ્ય સેવાઓમાં મેલેરિયા નિયંત્રણ માટે ડી.ડી.ટી.નો ઉપયોગ થવા લાગ્યો. જેના કારણે મેલેરિયાના કેસોના પ્રમાણમાં પણ ચમત્કારિક રીતે ઘટાડો નોંધાયો તેની સાથે સાથે ભારતમાં કૃષિ અને વિવિધ ક્ષેત્રના ઉત્પાદન વૃદ્ધિ થતી જણાઈ હતી. આ પરિણામને લક્ષમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૧૯પપમાં ભારતમાં મેલેરિયા નાબુદી કાર્યક્રમ માટે ભલામણ કરી હતી.




વિશ્વ મેલેરિયા દિવસ ૨૫ એપ્રિલ ૨૦૨૩ના રોજ રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને તેના કાર્યક્ષેત્રમાં આવતી ગામોમાં હાઉસ ટુ હાઉસ મેલેરિયા સર્વેલન્સ કામગીરી કરી તાવ આવતા દર્દીઓને સ્થળ પર જ લોહીના નમુના લઇ પ્રાથમિક સારવાર આપવામાં આવશે તેમજ જયાં જયાં ગામોમાં નાના ખાડા-ખાબોચિયા ભરેલ હોય તેવા મચ્છર ઉત્પત્તિના સ્થાનોમાં દવા છંટકાવ કામગીરી કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઈન્ટ્રા અને પેરિડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ અને IPC દ્વારા લાર્વાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે. બાંધકામ સાઈટની તપાસ, મજૂરોનું બ્લડ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે.




‘વિશ્વ મેલેરિયા દિવસે' ગામોમાં લોકોના ઘરે-ઘરે જઇને વાપવાના પાણીના ટાંકા વગેરે ઢાંકીને રાખવા માર્ગદર્શન આપવામાં આવશે અને દૈનિક વપરાશના પાણીમાં મચ્છર ઉત્પન ન થાય તેના માટે તે પાણીમાં એબેટની દવા નાખવાની કામગીરી કરવામાં આવશે. સાથે જ મોટા ટાંકાઓ અને મોટા ખાડાઓ, નદીઓ વગેરે મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકવામાં આવશે.




મેલેરિયા માટેના સંવેદનશીલ ગામોમાં મચ્છરદાનીઓ સરકારના નિયમાનુસાર વિતરણ કરવામાં આવશે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ વાહકજન્ય રોગો માટે જોખમી ગૃપમાં આવતી હોઈ રાજ્ય સરકારના નિર્ણય મુજબ જિલ્લાની તમામ સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાની આપી વાહકજન્ય રોગો સામે રક્ષિત કરવામાં આવશે તેમજ જરૂર જણાય ત્યાં કીટનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે.




મેલેરિયાની અટકાયત માટે આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ માટે જાહેર સ્થળોએ હોર્ડિંગ બેનર, પોસ્ટર પ્રદર્શિત તથા પત્રિકા વિતરણ, જૂથ ચર્ચા, ગ્રુપ મીટીંગ કરવામાં આવશે. સ્થાનિક વિસ્તારોમાં સમુદાય આધારિત મેલેરિયા નિવારણ અને સારવાર કરવામાં આવશે. મેલેરિયા અટકાવવા માટે નવા વેક્ટર નિયંત્રણ અભિગમો, ડાયગ્નોસ્ટિક્સ, મલેરિયા વિરોધી દવાઓ અને અન્ય સાધનો સરકારશ્રી દ્વારા પુરા પાડવામાં આવેલ છે, જેની મદદ દ્વારા રોગ અટકાયતના પૂરતા પગલા લેવામાં આવશે.




મેલેરિયાના મચ્છરોની ઉત્પતિ


મેલેરિયાના મચ્છરો જમા થયેલા ચોખ્ખાં પાણી કે ધીમે ધીમે વહેતાં પાણી, તળાવોના કિનારે, નદીના કિનારે, સિંચાઈના સ્રોતો, અનાજના ખેતરો, કુવાઓ, વહેતી નદીઓના રેતાળ કિનારાઓ વગેરેમાં પેદા થાય છે. ઘરમાં કે ઘરની આજુબાજુ જ્યાં પણ પાણી ભરાતું હોય જેમ કે કુલડીઓ, છત પરની ખુલ્લી ટાંકીઓ, પશુઓ માટે પાણી પીવાના હવાડા, વગેરેમાં પણ મેલેરિયા ફેલાવતા મચ્છરો પેદા થાય છે. યાદ રાખો કે, ચોમાસામાં વરસાદ પછી મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં વૃદ્ધિ થતા મચ્છરની સંખ્યામાં વધારો થાય છે.

માદા એનોફિલિસ મચ્છર ચોખ્ખા પાણીમાં અને ગંદા પાણીમાં પણ પેદા થાય છે. મચ્છર પાણીમાં ઈંડા મૂકે છે. ઈંડામાંથી પોરા થાય છે. પોરામાં બનતા કોશેટોમાંથી મચ્છર બહાર આવે છે. મચ્છરના જીવનચક્રના ચાર તબક્કાઓ- ઈંડા-પોરા-કોશેટો-પુખ્ત મચ્છર છે.


મેલેરિયાના મચ્છરો ક્યાં રહે છે?

મેલેરિયાના મચ્છરો ઘરો અને પશુઓના તબેલામાં રહે છે. આ મચ્છરો અંધારી અને છાંયો આપતી જગ્યાઓ, જેમ કે ટેબલની નીચે, પડદાની પાછળ વગેરેને પસંદ કરે છે. મેલેરિયાના મચ્છરો મોટા ભાગે સાંજે કરડવાનું શરૂ કરે છે, અને આખી રાત કરડતા રહે છે.




મચ્છર ચેપગ્રસ્ત કઈ રીતે બને છે?   

મચ્છર જ્યારે ચેપી રોગથી ગ્રસ્ત દર્દીને કરડે છે, ત્યારે તે પોતે ચેપગ્રસ્ત થઈ જાય છે અને આવા મચ્છરો પછી આખી જિંદગી ચેપગ્રસ્ત જ રહે છે. મેલેરિયાના મૃત્યુના મહત્તમ કેસોમાં પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ (P.F) નામના ખતરનાક મેલેરિયા હોવાનું જણાયું છે. એટલે કે મેલેરિયામાં મોટાભાગના મૃત્યુ આ પ્રકારના કારણે થાય છે.



મેલેરિયાના લક્ષણો

મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક ચાલે છે, ત્યારરબાદ ૮ થી ૧૨ કલાક તીવ્ર તાવ આવે છે. તાવ એક દિવસના આંતરે અથવા દરરોજ આવે. માથું અને શરીર દુઃખે, કળતર, ઉલટી-ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે.



સારવાર

શંકાસ્પદ તમામ મેલેરિયા કેસો જેનું નિદાન ૨૪ કલાકમાં ન થાય તો મેલેરિયાના નિદાન માટે રેપિડ ડાયગ્નોસ્ટીક કિટથી પણ કરી શકાય છે. માઈક્રોસ્કોકપી પરિક્ષણમાં મેલેરિયા માલુમ પડે તો આરોગ્યડ કાર્યકરની સલાહ મુજબ મેલેરિયાની સારવાર લેવી. વાયવેક્ષ પ્રકારના મેલેરિયાની સારવાર માટે ઉંમર પ્રમાણે કલોરોક્વિન અને પ્રિમાક્વિન ૧૪ દિવસ સુધી જ્યારે ફાલ્સિપેરમ પ્રકારના મેલેરિયા માટે ACT અને પ્રીમાકિવન આપવામાં આવે છે.  

રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો, સબ સેન્ટરો અને તેના સેજાના ગામોમાં આ અંગે પ્રચાર-પ્રસાર કરી લોકોમાં જન જાગૃતિ લાવવા માટે સઘન કામગીરી કરી ઉજવણી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application