મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન, 2 માર્ચે પરિણામ

  • February 27, 2023 07:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બંને રાજ્યોમાં 59-59 બેઠકો પર જ મતદાન : સરહદો સીલ :. મેઘાલયમાં CRPFની 119 અને નાગાલેન્ડમાં 305 કંપનીઓ તહેનાત



મેઘાલય અને નાગાલેન્ડમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બંને રાજ્યોમાં બહુકોણીય હરીફાઈ છે. આજે સવારે 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે. બંને રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સરહદો સીલ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 2 માર્ચે આવશે.અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, બંને રાજ્યોમાં ભાજપની ગઠબંધન સરકાર છે.


મેઘાલયમાં બહુકોણીય હરીફાઈમાં, ચાર રાષ્ટ્રીય દરજ્જાના પક્ષ ચૂંટણી લડી રહ્યું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, નેશનલ પીપલ્સ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત કુલ 13 રાજકીય પક્ષો આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 60 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે તૃણમૂલે 56 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.


મુખ્ય પ્રધાન કોનરાડ કે. સંગમાની આગેવાની હેઠળની NPPએ 57 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં 32 મહિલાઓ સહિત 329 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થવાનો છે. મેઘાલયના મુખ્ય ચૂંટણી અધિકારી એફઆર ખારકોંગરે જણાવ્યું હતું કે, સોહ્યોંગ વિધાનસભા બેઠકના ઉમેદવારનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેથી આ એક બેઠક પર ચૂંટણી નહી યોજાય આ બેઠક પર હવે પછી ચૂંટણી યોજાશે.


રાજ્યના 12 જિલ્લામાં મતદાન માટે 3,482 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ગારો હિલ્સના ફુલબારીમાં બે પક્ષોના સભ્યો વચ્ચે થયેલી અથડામણમાં 31 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેઘાલયમાં 33 કરોડ રૂપિયાના ડ્રગ્સ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચે બાંગ્લાદેશ સાથેની 443 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને આતરરાજ્ય સરહદોને 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી સીલ રાખવાનો આદેશ આપ્યો છે.


ચૂંટણી પંચે મેઘાલયમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPFs)ની 119 કંપનીઓ તૈનાત કરી છે. નાગાલેન્ડમાં પણ સોમવારે 60 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 59 બેઠકો માટે મતદાન થશે. 10 ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસથી કોંગ્રેસના ઉમેદવાર એન. ખેક્ષે સુમીએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ ભાજપના ઉમેદવાર કાઝેતો કિનીમીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. અહીંની મોટાભાગની બેઠકો પર ત્રિકોણીયથી બહુકોણીય હરીફાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application