સિંધી કોલોની સહિત ૮ એરિયામાં પ્રદુષિત પાણીથી ઝાડા ઉલટી

  • April 12, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇજનેરો ફોલ્ટ શોધી શકતા ન હોય ત્રણ-ત્રણ દિવસથી નળમાંથી મળે છે ગટરનું જળ !

ઝુલેલાલ નગર, હંસરાજ નગર, પરસાણા નગર, તોપખાના, વાલ્મિકી વાડી, સ્લમ કવાર્ટર્સ અને મોચી બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ડ્રેનેજ ગટરની લાઇનનું ગંદુ પાણી ભળી જતા અનેકને ઝાડા-ઉલટી: પ્રદુષિત પાણીથી સ્નાન કર્યા બાદ ખંજવાળ આવવા સહિતની વ્યાપક લોક ફરિયાદ: મામલો મ્યુનિ. કમિશનર સુધી પહોંચ્યો




રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૩માં જામનગર રોડ ઉપરના સિંધી કોલોની, ઝુલેલાલનગર, હંસરાજનગર, પરસાણાનગર, તોપખાના, વાલ્મિકી વાડી, સ્લમ કવાર્ટર્સ અને મોચી બજાર સહિતના આઠ વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન સાથે ડ્રેનેજ ગટરની લાઇનનું ગંદુ પાણી ભળી જતા અનેક રહીશોને ઝાડા-ઉલ્ટી થયાની અને જો હવે તાકિદે પ્રશ્ન નહીં ઉકેલાય તો વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત હોવાની મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજુઆત કરાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ખાસ કરીને પાણી જન્ય રોગચાળાને કારણે કોઈ જીવ ગુમાવે તે પહેલાં પ્રશ્ન ઉકેલવા માંગણી કરાઇ છે.



વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજુઆતમાં

જણાવ્યું છે કે વોર્ડ નં.૩ના ઉપરોકત આઠ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રદૂષિત પાણીનુ વિતરણ થઈ રહયુ હોય તાકીદે યોગ્ય પગલા લેવા અમારી માંગણી છે. વોર્ડ નં.-૩ના ઉપરોકત આઠ વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી પ્રદૂષિત પાણીનુ વિતરણ થઇ રહયાની અમોને અસંખ્ય ફરિયાદો મળી રહે છે. અમોને મળેલી લોક ફરીયાદોમાં રહીશોના જણાવ્યા મુજબ અહી પરસાણાનગર નાલાનુ (સ્લેબ કલવર્ટ)નું બાંધકામ ચાલી રહયુ છે જેના ખોદકામ દરમિયાન લિકેજ થયેલી ડ્રેનેજ લાઇનનુ પાણી પીવાના પાણીની લાઈન સાથે ભળી ગયુ છે. જેના લીધે પીવાના પાણીની લાઈનમાં એટલું ડહોળુ, દુર્ગંધ યુકત અને ફીણ વાળુ પાણી આવે છે કે જે પીવાલાયક હોતુ નથી એટલુ જ નહી કોઈ પણ પંકારના ઉપયોગમાં લેવાના લાયક હોતુ નથી ઉપરોકત આઠ વિસ્તારોમાં અંદાજે ૨૫ થી ૩૦ હજાર નાગરિકો રહે છે અને પ્રદૂષિત પાણી પીવાના કારણે અનેક નાગરિકોને ઝાડા ઉલ્ટી થયા છે. અમુક રહીશોએ ખાનગી હોસ્પિટલમાં ઝાડા-ઉલ્ટીની સારવાર લેવી પડી છે. જો આ સમસ્યા વહેલી તકે નહી ઉકેલાય તો આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે.



વોર્ડ નં.૩ના ઉપરોકત વિસ્તારોના રહીશો દ્વારા પ્રદુષિત પાણીના વિતરણ અંગે ૭૨ કલાકમાં અનેક વખત મૌખિક, ટેલીફોનિક, રૂબરૂ રજુઆત કરવા છતા આજે ચોથા દિવસે પણ પ્રશ્ન ઉકેલાયો નથી. ઈજનેરો ફોલ્ટ શોધી શકયા નથી અને અધિકારીઓ રૂબરૂ સાઈટ વિઝીટ માટે આવતા નથી.વોર્ડ નં.૩ના ઉપરોકત વિસ્તારોમાં દરરોજ નળમાંથી ગટરનુ જળ આવી રહયુ છે. જેના લીધે પ્રદૂષિત પાણીથી સ્નાન કરવાથી અનેક લોકોને શરીર ઉપર ખંજવાળ આવવી, પાણી પીનારને ઝાડા ઉલ્ટી થવા, ટાંકામાં પાણીન સ્ટોરેજ કરનારને ઘરમાં દુર્ગંધ આવવી જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. અનેક રહીશોને આવુ પ્રદુષિત પાણી મળ્યા બાદ ટાંકા સહિતની ઘરની સ્ટોરેજ સિસ્ટમની સફાઈ કરવી પડી છે. અને હાલ પીવાના પાણી માટે પૈસા ચુકવીને ખાનગી ટેન્કર મંગાવવા પડી રહયા છે.



વોર્ડ નં.૩માં પરસાણાનગર વિસ્તાર નજીક આવેલા રેલ્વે ટ્રેક પર ડ્રેનેજ ગટરના ગંદા પાણી ફરી વળ્યા હોય મચ્છરનો ભયંકર ઉપદ્રવ સર્જાયો છે, આ અંગે અમે રેલ્વે તંત્રને પણ રજુઆત કરી છે આ વિસ્તારમાં આવેલી ડ્રેનેજની લાઈનો દાયકાઓ જુની હોય અવાર નવાર લિકેજ થતી હોય નવી લાઈનો નાખવા માંગણી છે. તદઉપરાંત આ વિસ્તારમાં રસ્તા ઉપરના ડ્રેનેજ મેનહોલ અને ઢાંકણાઓનુ લેવલીંગ તાકીદે કરવુ જરૂરી છે.



મ્યુનિસિપલ કમિશનર સંબોધીને કરાયેલી અને ઇનવર્ડ નં.૧૦૬/તા.૧૨-૪-૨૦૨૩થી નોંધાયેલી ઉપરોક્ત લેખિત ફરિયાદ-રજુઆતના અંતમાં વોર્ડ નં.૩ના પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, પૂર્વ વોર્ડ પ્રમુખ ગૌરવભાઇ પૂજારા, વોર્ડ પ્રમુખ વજુભાઇ છૈયા તેમજ જગદીશભાઇ ટેકચંદાણી, સુનિલભાઇ રામચંદાણી, રાજાભાઇ ચૌધરી, જયદીપભાઇ સેજપાલ, કૃષ્ણકાંત ચોકસી, હિતેષભાઇ પૂજારા, નિશાંતભાઇ સોમૈયા તેમજ જીતુભાઇ ચંદાણી સહિતનાઓ દ્વારા પ્રદુષિત પાણી પીવાથી કોઈનુ મૃત્યુ થાય તે પૂર્વે તાકિદે સમસ્યા ઉકેલવા માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application