‘વિક્રમ’ ચંદ્ર પર, જામનગરની ખુશી આસમાને

  • August 24, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૨૩-૮-૨૦૨૩, બુધવાર, સમય સાંજના ૬:૦૫ કલાક.... આ દિવસ, આ તારીખ, આ વાર અને આ સમય આજે હૈયાત છે એ દેશના ૧૪૦ કરોડ લોકોમાંથી કોઇ ભુલી શકશે નહીં, કારણ કે ચંદ્ર પર વિક્રમ લેન્ડરના સફળ લેન્ડીંગની ઐતિહાસિક, અવિસ્મરણીય અને અદભૂત ઘડીના તમામ લોકો આય વિટનેસ બન્યા, દેશભરમાં ખુશીનું એવું મોજુ છવાયું કે, હજુ દિવાળીને ૮૧ દિવસની વાર છે છતાં દિવાળી જેવો માહોલ સર્જાઇ ગયો, ચારેકોર તિરંગો લહેરાયો, અસાધારણ ઉન્માદ અને ઉત્સાહ સાથે લોકોએ ઢોલ-નગારા વગાડીને નાચ-ગાન કરીને વિશ્ર્વ કક્ષાની ખુશીને વધાવી જેમાં જામનગર પણ પુરેપુરો ઓતપ્રોત જોવા મળ્યો હતો, ઠેકઠેકાણે ચંદ્રયાનના સફળ લેન્ડીંગની ખુશીનો માહોલ છવાઇ ગયો હતો, લોકોએ જયાં ઉપસ્થિત હતાં ત્યાં આ પળને માણી હતી અને ગર્વની લાગણી અનુભવી હતી. 


ગઇકાલ સાંજના ૫:૩૦ કલાક બાદ જ ઠેકઠેકાણે લોકો ટીવીની સામે ગોઠવાઇ ગયા હતાં, નાસાના સહયોગથી દેશ અને વિશ્ર્વમાં ચંદ્રયાનના લેન્ડીંગનું સીધુ પ્રસારણ કરવામાં આવ્યું હતું, એક-એક મીનીટ, એક-એક સેકેન્ડ અભૂતપૂર્વ બની રહી હતી, દીલોની ધડકન વધી રહી હતી, આ પહેલા ભારત બે પ્રયત્ન કરી ચૂકયું હતું પરંતુ સફળતા મળી ન હતી ત્યારે શું થશે તેની ઉત્તેજના અને ચિંતા છવાયેલા હતાં એવામાં ૬:૦૫ કલાક બાદ ઇસરોના ચેરમેન દ્વારા વિક્રમ લેન્ડરની સફળતા સાથે લેન્ડીંગના ન્યુઝ સતાવાર રીતે આપવામાં આવ્યા બાદ દેશ આખાની સાથે જામનગર પણ ઝુમી ઉઠયું હતું, વિક્રમ ચંદ્ર પર હતો અને જામનગર સહિત દેશભરની ખુશી આસમાને પહોંચી ગઇ હતી. 


શહેરમાં જુદા-જુદા રાજકીય પક્ષ, વેપારી સંગઠનો અને જુદા-જુદા ક્ષેત્રના કર્મચારીઓ, બાળકો બધાએ સાથે મળીને ભારતની ઐતિહાસિક સફળતાની શહેરમાં ઉજવણી કરી હતી અને એક યાદગાર માહોલ બની ગયો હતો. 


ગઇકાલે જામનગરનો ૪૮૪મો સ્થાપના દિન હતો અને આ એક સુભગ સમન્વય થયો છે, 
ઐતિહાસિક પળને માણવાનું કોઇ ચૂકે નહીં તે માટે જુદી-જુદી શાળાઓમાં ટયુશન કલાસીસમાં લેન્ડીંગનું લાઇવ પ્રસારણ દેખાડવામાં આવ્યું હતું, આટલું જ નહીં જામનગરની જિલ્લા જેલમાં પણ લેન્ડીંગ દેખાડવામાં આવ્યું હતું, ટુંકમાં ગઇકાલની સાંજ જામનગર સહિત હાલાર અને ગુજરાત સહિત દેશભરના લોકો માટે એવી યાદગાર બની રહી હતી જેને કદાચ કોઇ દેશવાસી કયારેય ભુલી શકશે નહીં અને આવનારા વર્ષોમાં આ દિવસની ઉજવણી પણ થતી રહેશે, કારણ કે ભારતે અવકાશમાં પણ ડંકા વગાડી દીધા છે, ચંદ્ર પર તિરંગો પહોંચી ગયો છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application