આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ, રોડ શો સહિતના પ્રચાર-પ્રસાર માટે રૂ. 127 કરોડની ફાળવણી 

  • April 18, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુએસ, યુકે, જાપાન, જર્મની, નેધરલેન્ડ્સ ઉપરાંત ગલ્ફ દેશો અને આફ્રિકન દેશોનો સંપર્ક કરાશે


પાંચ વર્ષના અંતરાલ પછી, ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 11-13 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાવાની છે. આ સમિટનું આયોજન છેલ્લે 2019 માં થયું હતું, જે દરમિયાન લગભગ 28,360 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઓછામાં ઓછા રૂ.1 લાખ કરોડના એમઓયુનો સમાવેશ થાય છે.આ પછી કોરોનાને લીધે આ સમિટ યોજી શકાઈ ન હતી.


સમિટની યજમાની માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, "રાજ્ય વહીવટીતંત્ર દ્વારા વાઈબ્રન્ટ સમિટ 2024 ને પ્રમોટ કરવાની યોજનાની અંતિમ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રમોશન પ્રવૃત્તિ જુલાઈથી શરૂ થવાની ધારણા છે. રાજ્યના મુખ્ય શહેરોમાં રોડ શો પણ યોજશે."


કોવિડ પછી, VGGS જાન્યુઆરી 2022 માં યોજાવાની હતી. જો કે, સત્તાધીશોએ છેલ્લી ઘડીએ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. નોંધનીય છે કે, તે સમયે યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો હતો, જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટ અને COVID-19 કેસ પણ વધી રહ્યા હતા.


જો કે આ વખતે રાજ્ય પ્રશાસન આ કાર્યક્રમ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બે ઉચ્ચ સ્તરીય બેઠકો આ કાર્યક્રમની યોજના બનાવવા માટે થઈ ચૂકી છે. મેગા ઇન્વેસ્ટમેન્ટ સમિટની 10મી આવૃત્તિમાં ભાગ લેવા માટે યુએસ, યુકે, જાપાન, જર્મની, નેધરલેન્ડ્સ ઉપરાંત ગલ્ફ દેશો અને આફ્રિકન દેશો સહિત તમામ મુખ્ય અર્થતંત્રોનો સંપર્ક કરવામાં આવશે.


સૂત્રો મુજબ, રાજ્ય સરકારે VGGS 2024 ના પ્રચાર માટે 127 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. "કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે પણ ઇવેન્ટ માટે ઇનપુટ્સ અને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. બિઝનેસ-ટુ-બિઝનેસ મીટિંગ્સ, કન્ટ્રી સેમિનાર અને ચર્ચાઓનું નિયમિત ફોર્મેટ પણ ચાલુ રહેશે.


રાજ્યના વિભાગો સમિટ દરમિયાન રોકાણને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય વિસ્તારોને ઓળખવા માટે કામ કરી રહ્યા છે. અધિકારીઓ મુજબ રાજ્યના રોકાણને અનુકૂળ બનાવવા માટે નીતિઓમાં વધારાના પગલાં અથવા સુધારા લાવવાની જરૂર છે કે કેમ તે ઓળખી રહ્યા છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે ફોરેન ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસો સાથે પ્રારંભિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અગાઉની સમીટમાં કેટલીક મુખ્ય ભાગીદાર સંસ્થાઓમાં ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (AIBC), કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન, ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, ફિનલેન્ડ ચેમ્બર ઓફ કોમર્સ, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, કોરિયા ટ્રેડ-ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી, નેધરલેન્ડનો સમાવેશ થાય છે. શહેરભરની હોટલોમાંથી પણ પ્રાથમિક પૂછપરછ શરૂ થઈ હોવાનું ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું.
​​​​​​​

VGGS 2019 ની અગાઉની સમીટમાં, 135 દેશોમાંથી લગભગ 42,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વિવિધ રાષ્ટ્રોના સાત મંત્રીઓ અને છ રાષ્ટ્રના વડાઓ સિવાય 30 રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application