જિલ્લા પંચાયતમાં ૪પ ટકા જગ્યા ખાલીખમ્મ: વહીવટ પર ભારે અસર

  • May 19, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાયબ ડીડીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર, ૧૬ ઇજનેર, ૧૮ મદદનીશ ઇજનેર, પ્રોગ્રામ ઓફિસર, હિસાબનીસ અધિકારી,  વર્ક આસીસ્ટન્ટની ૧રપ અને તલાટી મંત્રીની ર૦૦ જેટલી જગ્યાઓ ખાલી રહેતા વહીવટ ખોરંભે પડ્યો

જામનગર જિલ્લા પંચાયત અનેક વખત વિવાદોમાં સપડાતું રહે છે, કેટલાક કામોમાં ગુણવતા જળવાતી નથી, ડેપ્યુટી ડીડીઓ, હિસાબનીસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતની અનેક જગ્યાઓ ખાલીખમ્મ છે, સરકારમાં જીલ્લા પંચાયતના પ્રમુખનું કંઇ ઉપજતું નથી તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે, ત્યારે જો આ જગ્યા નહીં ભરાય તો વહીવટ ઉપર વધુ ખરાબ અસર પડશે, તલાટી કમ મંત્રીની ર૦૦ જગ્યા ખાલી હતી, જેમાં હાલમાં ઇન્ટરવ્યુ લેવાયા હતા અને ૧૬૧ જગ્યા પર ભરતી થશે એવી વાત બહાર આવી છે, પરંતુ પ૦ ટકા જેટલી જગ્યા ખાલી રહેવાથી લોકોમાં કામ પૂરા કરવામાં જામનગર જિલ્લા પંચાયત ઉણું ઉતર્યું છે તેમ કહીએ તો કંઇ ખોટું નથી.
મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતમાં સાડા આઠ વર્ષથી પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસની જગ્યા ખાલી છે, આ મહત્વની જગ્યા ઉપર શા માટે સરકાર નિમણુંક કરતી નથી, તે પ્રશ્ર્ન કોઇને સમજાતો નથી, બાંધકામ વિભાગ મહત્વનો વિભાગ છે, જામજોધપુરમાં એક જગ્યા અને સિંચાઇમાં બે જગ્યા ખાલી છે ત્યારે ખુદ બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરની જગ્યા સાવ ખાલી છે, તો તે જગ્યા ઉપર તાકીદે નિમણુંક કરવી જોઇએ.
અધિક મદદનીશ ઇજનેરની ૧૮ જગ્યા ખાલી છે, મદદનીશ ઇજનેરની ૧ર જગ્યા પર પણ કોઇની ભરતી થઇ નથી, કલાર્કની ૭૧ જગ્યા પર કોઇની નિમણુંક થઇ નથી, તલાટી મંત્રીની ર૦૦ જગ્યા ખાલી છે, પરંતુ આશ્ર્વાસન એ છે કે નજીકના ભવિષ્યમાં ૧૬૧ જગ્યા પર સરકાર તલાટી મંત્રીની નિમણુંક કરશે, હાલમાં એ હાલત છે કે, કેટલાક ગામોના બે-ત્રણ ગામો દીઠ એક તલાટી મંત્રી ફરજ બજાવે છે અને તેના હિસાબે કામ ઉપર ચોક્કસપણે અસર પડે છે.
જામનગર જિલ્લા પંચાયત જાણે કે બોડીબામણીનું ખેતર હોય, તેમ કોઇ કોઇનું સાંભળતું નથી, અનેક રજૂઆતો સરકારમાં કરી છે, છતાં પણ ખાલીખમ્મ જગ્યાઓ ભરાતી નથી, અગાઉ પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખીને મેઇન પાવરની ઘટને કારણે કામો સમયસર થઇ શક્યા નથી, સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ ટેકનીકલ કર્મચારીઓ હોતા નથી, તાત્કાલિક અસરથી આઠથી દસ વર્ક આસીસ્ટન્ટ, ૧૮ અધિક મદદનીશ ઇજનેર અને બે મદદનીશ ઇજનેરની ભરતી કરવામાં આવે તો તાત્કાલિક કામ થઇ શકે, ઉપરાંત આ પત્રમાં વર્ક આસીસ્ટન્ટની ૧રપ જગ્યા ખાલી છે, જેમાં અત્યારે માત્ર ૭ વર્ક આસીસ્ટન્ટ ફરજ બજાવે છે.
જામનગર જિલ્લા પંચાયતમાં અડધોઅડધ જગ્યા ખાલી હોય, કામ પર ભારે અસર પડી છે, રાજકીય આકાઓ પંચાયતી જગ્યાઓ ભરાવવા માટે કંઇ કરી શક્યા નથી આઇસીડીએસ શાખામાં કામનું વધુ ભારણ હોય છે, ત્યાં સાડા આઠ વર્ષથી પ્રો્રગામ ઓફિસરની જગ્યા ખાલી છે, ખાસ કરીને બાંધકામ વિભાગના કામો વધુ હોય છે, ત્યારે કાર્યપાલક ઇજનેરની જગ્યા પણ ખાલી હોવાથી કામગીરી અટકે છે, ઉપરાંત મહત્વની ગણાતી વહીવટી જગ્યા એટલે કે નાયબ ડીડીઓની એક જગ્યા ખાલી છે ત્યારે આ જગ્યા ક્યારે ભરાશે ? એ પ્રશ્ર્નાર્થ છે, પરંતુ હાલ જિલ્લા પંચાયતનો વહીવટ લોલમલોલ ચાલે છે તેવું સભ્યો કહી રહ્યા છે.
**
જિલ્લા પંચાયતના ઉત્સાહી પ્રમુખનું સરકારમાં ભરતીના મામલે ઉપજતું નથી ?
જામનગર જિલ્લા પંચાયતનો વહીવટ અંધેર રીતે ચાલે છે, નાયબ ડીડીઓ સહિત અનેક મહત્વની જગ્યાઓ ખાલી છે, લખવા ખાતર પત્ર લખીને સસ્તી પ્રસિઘ્ધિ મેળવતા જિલ્લા પંચાયતના પ્રમુખનું શું સરકારમાં ઉપજતું નથી ? તેમ જિલ્લા પંચાયતના સભ્યો કહી રહ્યા છે, પંચાયતનો વહીવટ ખાડે ગયો છે, ઓછો સ્ટાફ હોવાના કારણે સાઇટનું ચેકીંગ પણ થઇ શકતું નથી, કેટલાક કામોની ગુણવતા ઘટી ગઇ છે અને અમુક કાગળો મહિના સુધી નિયત ટેબલે પહોંચી શકતા નથી, ત્યારે ઝડપથી મોટાભાગની જગ્યા ભરાઇ તેવું લોકો પણ ઇચ્છી રહ્યા છે, પરંતુ હાલ તો જામનગર જિલ્લા પંચાયતમાં લોલમલોલ ચાલી રહ્યું છે તેમ સૂત્રોનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application