જેતપુરના દેવકી ગાલોળ ગામે ક્રેન તૂટવાથી મારબલની શિલા હેઠળ દબાતા બે શ્રમિકોના મૃત્યુ

  • February 18, 2023 12:09 AM 

જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામ પાસે યાત્રાળુઓ માટે બની રહેલ ઉતારાના બાંધકામમાં ટ્રકમાંથી ક્રેઇન વડે માર્બલ ઉતારતી વેળાએ માર્બલ તૂટી પડતા ત્રણ મજૂરો તેની નીચે દબાઈ ગયા હતાં. સાથી મજૂરોએ ત્રણેયને મહામહેનતે બહાર કાઢતાં એક મજૂરનું ત્યાંજ મોત નીપજ્યુ હતું. જયારે બીજા બે મજૂરને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં અન્ય એકનું પણ મોત થતાં અકસ્માતમાં બે મજૂરનું મોત નિપજ્યા હતાં. 
​​​​​​​
દેવકીગાલોળ ગામ પાસે પાવર હાઉસ સામે જુદાજુદા યાત્રાધામ જતાં યાત્રાળુઓ તેમજ વટેમાર્ગુ માટે એક વિશાળ ઉતારો બની રહ્યો છે. આ ઉતારો મુંબઇના મોટા ગજાના ઉદ્યોગપતિ મહેશભાઈ વિરાટ બનાવી રહ્યા છે. આ ઉતારાના બાંધકામ માટે રાજસ્થાનથી વિશાળ સાઈઝ ધરાવતા માર્બલનો એક ટ્રક આવ્યો હતો. આ માર્બલ ટ્રકમાંથી નીચે ઉતારવા માટે ક્રેઇન મંગાવવામાં આવેલ. જેમાં માર્બલ ટ્રકમાંથી ક્રેઇન વડે ઉતારતી વેળાએ અકસ્માતે માર્બલ નીચે પટકાતા ત્રણ મજૂરો તેની નીચે દબાઈ ગયાં. જેથી અન્ય મજૂરોમાં રાડારાડ અને હોહો દેકારો બોલી ગયો. આ વિશાળ અને વજનદાર  માર્બલ હેઠળથી દબાયેલ ત્રણેય મજૂરોને કાઢવા કેમ તેમ વિચાર્યા બાદ ઉપસ્થિત સો જેટલા મજૂરોએ અપના હાથ જગન્નાથ માની તમામે એકજોર લગાવી માર્બલ હટાવી દબાય ગયેલ મજૂરોને બહાર કાઢ્યા હતાં.  જેમાં મહંમદ નઈમ (ઉવ ૩૦)-રહે. કટીહાર બિહાર નામના મજૂરનું તો ત્યાંજ પ્રાણ પંખેરુ ઉડી ગયું. જ્યારે બીજા બે ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતાં. જેમાં સારવાર દરમિયાન આદિલ બકીલ બંજારા (ઉવ ૨૦) રહે. બરેલી યુપીના રહેવાસીનું પણ મોત નિપજતા માર્બલ ઉતારતી વેળાએ અકસ્માતમાં બે મજૂરના મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application