રૈયાધારમાં રહેતા યુવાન પર કુહાડા વડે ખૂની હુમલો કરનાર બે ઝડપાયા

  • August 05, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તું હાંડા સાથે કેમ રહે છે? કહી હુમલો કર્યો હતો: પકડાયેલા આરોપીઓ સામે હત્યા સહિતના ગુના : એક આરોપીની શોધ


શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવાન પર આ જ વિસ્તારમાં રહેતા ત્રણ શખસોએ કુહાડા, છરી અને પાઇપ વડે ખૂની હુમલો કર્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય હુમલાખોરો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.દરમિયાન બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતાં.જયારે એકની શોધ યથાવત રાખી છે.


રૈયાધાર વિસ્તારમાં પોપટ ચોક પાસે રહેતો બંટી પ્રતાપભાઈ સોલંકી(ઉ.વ 19) નામનો યુવાન ગુરૂવાર રાત્રિના અહીં ઘર પાસે ભુપતભાઈ ચૌહાણની દુકાને બેઠો હતો અને તેમની સાથે વાતો કરતો હતો ત્યારે અહીં રૈયાધારમાં જ રહેતા રાજેશ બીજલભાઇ ભોણીયા,પંકુડી ઉર્ફે પંકેશ વિનુભાઈ સોલંકી અને વિજય બાબુભાઈ વઢીયારા અહીં ધસી આવ્યા હતા જેમાં રાજેશના હાથમાં કુહાડો પંકુડીના હાથમાં છરી અને વિજયના હાથમાં પાઇપ હતો. તેઓએ યુવાન પર આ હથિયારો વડે હુમલો કરી દેતા તેને માથાનાભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી.

યુવાને ફરિયાદ જણાવ્યું હતું કે,તું હાંડા સાથે કેમ રહે છે અમારે તેની સાથે ઘણા સમયથી ઝઘડો છે. તું દેવીપુજક નથી,રાવળદેવ થઈ ગયો છે જેથી યુવાને કહ્યું હતું કે,હાંડો મારો મિત્ર છે આ સાંભળી આ શખસોએ ઉશ્કેરાઈ તેના પર હુમલો કરી દીધો હતો. આ મામલે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ત્રણેય હુમલાખોરો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


દરમિયાન એલ.સી.બી ઝોન-૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલા અને યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ બી.આર.ભરવાડ તથા ટીમે તપાસ હાથ ધરી હુમલાખોર પંકેશ ઉર્ફે પંકુડી વિનુભાઇ સોલંકી અને રાજેશ બીજલભાઇ ભોણીયા(રહે.બંને રૈયાધાર મફતીયાપરા) ને ઝડપી લીધા હતાં.પકડાયેલા આરોપીઓમાં પંકેશ ઉર્ફે પંકુડી સામે અગાઉ ગાંધીગ્રામમાં મારામારી,ચોરી પ્ર.નગરમાં જેલ અધિનીયમ, યુનિવર્સિટી પોલીસ મથકમાં મારામારીના બે અને દારૂનો ગુનો મળી કુલ છ ગુના નોંધાઇ ચૂકયા છે.જયારે રાજેશ સામે ગાંધીગ્રામમાં મારામારીના બે અને યુનિવર્સિટી પોલીસ મથકમાં જાહેરનામા ભંગ અને દારૂ તથા હત્યાનો ગુનો નોંધાઇ ચૂકયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application