જંત્રીના નવા દર સામે જામનગરમાં ઉઠ્યો વ્યાપક વિરોધ

  • February 06, 2023 06:37 PM 

આમ પણ ઘરનું ઘર મધ્યમ વર્ગ માટે હાલમાં પણ સપના સમાન છે, ગરીબી રેખા હેઠળ જીવતા લોકો તો કદાચ પોતાના જીવનમાં ઘરના ઘર સુધી પહોંચી શકે કે કેમ? તેનો કોઈ જવાબ નથી, બીજી તરફ બિલ્ડિંગ ક્ષેત્ર પણ મંદી સામે ઝઝૂમી રહ્યું છે એવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં ઝીંકવામાં આવેલાં લગભગ ૧૦૦ ટકા જેટલાં ભારેખમ વધારા સામે રાજ્યના પગલે જામનગરમાં પણ વ્યાપક વિરોધ-રોષ અને અસંતોષ ઉઠ્યો છે. આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે અને એવો સૂર વ્યકત કરવામાં આવી રહ્યો છે કે, જો જંત્રીના દર વિસ્તાર પ્રમાણે નહીં રાખવામાં આવે તો વ્યાપક નુકસાની જશે, જમીન-મકાનના ધંધાર્થીઓ તો નુકસાનીમાં જશે જ પરંતુ સામાન્ય વર્ગના લોકો પોતાનું ઘર બનાવાથી જોજનો દૂર ચાલ્યા જશે! આ બાબત જનતાને સ્પર્શતી હોવાથી તાત્કાલિક અસરે તેમાં ફેરફાર થવો જોઈએ જે ખૂબ જ આવશ્યક છે.


શનિવારે બપોરે જંત્રી અંગેની એક મિટીંગ જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધિએ બોલાવી હતી, જેમાં જામનગર રેવન્યુ પ્રેક્ટિસનર્સ ઍડવોકેટ એસો.ના કરણભાઈ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ફેકટરી ઓનર્સ એસો. લાખાભાઈ કેશવાલા, બાર એસો. વતી ભરતસિંહ હાજર રહ્યાં હતાં.


રેવન્યુ પ્રેક્ટિસનર્સ ઍડવોકેટ એસો. (જામનગર) દ્વારા અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે, સામાન્ય ઍરિયામાં મિલ્કતના ભાવોમાં ઘણી વિસંગતતા જોવા મળે છે. કે.વી. રોડની ઉત્તર-દક્ષિણ બાજુની મિલ્કતમાં ટીપી સ્કીમ નં.૧, ફાઈનલ પ્લોટ નં.ર૧, ૧૯ અને વૉર્ડ નં.૧૧માં ભાવોમાં ખૂબ જ વિસંગતતા છે. ર૦૧૧માં બહાર પડાયેલી જંત્રીમાં પણ કેટલીક વિસંગતતા છે હાલની જંત્રી જેટલી સર્વગ્રાહી નથી. તમામ મિલ્કતોના યોગ્ય અને ખરા નંબર  અને સિટી સર્વે નંબર અને ફાઈનલ પ્લોટ દર્શાવ્યા હોય ટીપી સ્કીમવાળી જગ્યામાં ફાઈનલ પ્લોટ દર્શાવે છે, રેવન્યુ નંબર પણ છે. પરંતુ હાલની જંત્રીમાં ટીપી એરિયામાં પણ પીયત અને બીન પીયતના ભાવો દર્શાવેલ છે. ટીપી એરિયામાં ખેતીની જમીનના દસ્તાવેજના રજિસ્ટ્રેશન વખતે રહેણાંકના ભાવો ધ્યાને લઈને સબ રજિસ્ટ્રાર દ્વારા મૂલ્યાંકન કરાય છે જે વાજબી નથી.


આ આવેદનમાં એવું પણ જણાવાયું છે કે, નવા બીન ખેતી થતાં વિસ્તારો તેમજ તે જગ્યાની હક્ક-ચોકસી થયાં બાદ સિટી સર્વેમાં નંબર અસ્તિત્વમાં હોય જે વિસ્તાર મહાપાલિકામાં ભળે છે આવી મૂલ્યાંકનની હાલની જંત્રીમાં કોઈ જોગવાઈ નથી. એક જ મિલ્કત રેવન્યુ સર્વે નંબર, સિટી સર્વે નંબર પ્રમાણે અલગ-અલગ ભાવો આવે છે જેથી ઊંચા ભાવે મૂલ્યાંકન કરવાની ગેરકાયદે પ્રથા સબ રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે.


જાડાના એરિયામાં સમાવેશ થતાં ગામોને ચોક્કસ ગ્રીડમાં વિભાજિત કરવામાં આવે તે જ‚રી છે જેથી એક ગ્રીડથી બીજી ગ્રીડ સહેલાઈથી અલગ ગણી શકાય અને ઓળખી શકાય. ચોક્કસ ગ્રીડમાં જે વિસ્તારનો સમાવેશ હોય તે પૈકી ચોક્કસ લેન્ડમાર્ક અને ઓળખ આપીને સ્પષ્ટ બાઉન્ડ્રી સાથેના ઝોન નક્કી કરવામાં આવે. સ્પષ્ટ બાઉન્ડ્રીના જે ઝોન નક્કી કરાયા હોય એનો સ્પષ્ટ નકશો તૈયાર કરવામાં આવે તેથી લોકોને સરળતા રહે.


ચોક્કસ ગ્રીડનો સ્પષ્ટ બાઉન્ડ્રી સાથેનો ઝોન વાઈઝ નકશો તૈયાર થાય તો તેમાં રેવન્યુ સર્વે નંબર, સિટ નંબર, સિટી સર્વે નંબર અને ટીપી સ્કીમ ફાઈનલના પ્લોટના અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવે. ઝોનની કોઈપણ જગ્યા બીન ખેતી થાય તો નવી હક્ક ચોકસી થતાં નવો સિટી સર્વે નંબર આપવામાં આવે તેથી ઓટોમેટીક જંત્રીમાં અપગ્રેડેશેન થઈ જાય. બીજુ ટીપી સ્કીમ વિસ્તારમાં માત્ર ફાઈનલ પ્લોટને ધ્યાને રાખી જે ભાવ નક્કી કરાય અને મિલ્કતનું મૂલ્યાંકન કરાય જેમાં રેવન્યુ સિટી સર્વે નંબર પ્રમાણે જ ભાવ દર્શાવવામાં ન આવે.


જંત્રીના વોર્ડ, સિટી સર્વે કચેરીના વોર્ડ, મહાપાલિકા-જામનગરના વોર્ડનો સમાન નંબર આપવામાં આવે, જે તે વોર્ડ ગ્રીડમાં સમાવેશ થતી મિલ્કતમાં પણ શક્ય તેટલાં સિટી નંબરો નાની સંખ્યા લઈ મોટી સંખ્યામાં દર્શાવવામાં આવે અને ઝોન નક્કી થતો હોય તે પ્રમાણે ભાવાંક ગણવામાં આવે. પ્રવર્તમાન જંત્રીમાં કોઈ ચોક્કસ ઝોન, બાઉન્ડ્રી આપી નથી. એકાદ મિલ્કતનું વેલ્યુએશન કરવાનું થતું હોય ત્યારે સિટ નંબર, સર્વે નંબરના ભાવોમાં તફાવત આવે છે. એએસઆર ર૦૦૬ની જંત્રીમાં લેન્ડ માર્ક દર્શાવાયા હતાં પરંતુ આ જંત્રીમાં નથી. મિલ્કત શરત ચૂકથી સિટી સર્વે નંબર અને રેવન્યુ સર્વે નંબર ચૂકી જવાય તો મૂલ્યાંકનમાં પ્રશ્ર્ન થશે.


નગરસીમના રેવન્યુ સર્વે નંબરમાં કેટલાંકમાં મૂળ પ૦ ટકા ભાવ ઘટાડો થયેલ નથી અને જૂના ભાવો અમલમાં છે. વોર્ડ નં.૧૦માં એમ.પી. શાહ ઉદ્યોગનગર, બેડેશ્ર્વર અને બેડી વિસ્તારમાં જંત્રીના ભાવ વધુ છે અને વિસંગતતા જોવા મળે છે. બેડેશ્ર્વરમાં તો ર૦ ગણાં જેટલાં ભાવ છે જ્યારે ઢીંચડા રોડ વિસ્તારમાં વાસ્તવિક બજારભાવ કરતાં જંત્રી ૧૦ ગણી નીચી છે તેમજ લાલપુર રોડ વિસ્તારમાં પશ્ર્ચિમ બાજુએ ૧૦ ગણાં ભાવ નીચા છે. આ ભાવમાં રૂ.૧પ૦૦થી પ૦૦૦ સુધીની વિસંગતતા જોવા મળે છે. 


ફાઈનલ પ્લોટ તેમજ સિટી સર્વેમાં જે મિલ્કતનો સમાવેશ થયો હોય અને બીન ખેતી થઈ છે તેમાં ખેતીના ભાવ કોઈપણ જાતના તર્ક વિના આપેલાં છે. ઔદ્યોગિક જમીનના ભાવો કૉમર્શિયલ ભાવ કરતાં ઓછા હોવા જોઈએ જેના બદલે ઘણી જગ્યાએ વધુ છે અને ખેતીના ૩થી ૪ ગણાં ભાવ કરીને તેનું મૂલ્યાંકન કરાય છે. પટેલ કોલોની, મેહૂલનગર એરિયા, મીગ કોલોની, શ્રીનિવાસ સોસાયટી, પાર્ક કોલોની, ખોડિયાર કોલોની જેવા વિસ્તારોમાં જમીન બાંધકામના દર અને કમ્પોઝિટ બાંધકામના દરમાં નજીવો ફેરફાર અથવા અસાધારણ તફાવત છે.


શહેરમાં જાડા સહિતના વિસ્તારમાં મિલ્કતો રોડની અંદરની મિલ્કતના ચોક્કસ લૉકેશન અને એરિયાની સ્થિતિને ધ્યાનમાં આખી એએસઆર ર૦૦૬ની જંત્રીમાં ૧૦૦, ર૦૦ અને પ૦૦ મીટર જેવી રેન્જમાં આર-૧, આર-૨, આર-૩ મુજબ કોઈ કેટેગરી હાલની જંત્રીમાં આવી નથી જે ચોક્કસ કેટેગરી ગ્રીડ ઝોનમાં નિયત કરવી જોઈએ. શહેરના અમુક વિસ્તારને મધ્યબિંદુ ગણી ત્યાંથી વર્તુળમાં જુદી-જુદી ત્રિજીયા અને ખંડોમાં વિસ્તાર દીઠ વિભાજીત કરવામાં આવે અને ચોક્કસ વિસ્તાર, ટીપી સ્કીમવાળો વિસ્તાર, મહત્તમ બિન ખેતી ધરાવતો વિસ્તાર, ભાવિ મહત્તમ બિનખેતી જેવો વિસ્તાર, ખેતીની જમીનનો વિસ્તાર અને ચોક્કસ રોડ પરનો વિસ્તાર ચોક્કસ કલર મુજબ ભાવો નક્કી કરવામાં આવે અને સમયાંતરે અમુક ટકાના દરે વધારો કરવામાં આવે જેથી સર્વાંગી જંત્રી કોઈપણ જાતની ક્ષતિ કે ચૂક વિના અસ્તિત્વમાં લાવી શકાય.


કોઈપણ સંસ્થાના સૂચનો મળે તે ઉપરાંત જાહેર હીતે જાહેર જનતા પાસેથી સ્થાનિક જવાબદાર અધિકારીઓ મારફત વાસ્તવિક ભાવો જાણી આવા જે કોઈપણ રિપોર્ટ આપવામાં આવે તેને જંત્રીના પાયા ગણવામાં આવે તેથી ગંભીરતાથી ચોક્કસ ગ્રીડ બનાવી તેને જવાબદારી સોંપવી જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application