બજેટમાં કોઇપણ નવા કરવેરા નથી તેથી લોકોને રાહત: ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા

  • February 26, 2023 12:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં સતત બીજીવાર રજુ કરેલા બજેટને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આવકારતા જણાવ્યું હતું કે કોઇપણ નવા કરવેરા વિનાના પ્રજાલક્ષી બજેટ છે, કેપિટલ એક્સપેન્ડીચરની જોગવાઇમાં ગયા વર્ષની તુલનાએ ૯૧ ટકાનો વધારો રાજ્યની વિકાસ યાત્રામાં સિમાચિન્હરૂપ બનશે, તેમણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારા આ બજેટને રાજ્યના અત્યાર સુધીના સૌથી મોટા બજેટ તરીકે બિરદાવ્યું હતું. ગત વર્ષના બજેટ કરતાં ર૨૩ ટકાનો વધારો આ બજેટમાં કર્યો છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈને કરવેરા વગરના અને વિકાસલક્ષી, પ્રજાલક્ષી બજેટ રજુ કરવા બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) એમ. જાડેજા અભિનંદન આપ્યા હતાં.


શહેરી ક્ષેત્રોમાં માળખાકીય સગવડો માટે ૩૭ ટકાનો વધારો કરવા સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ૨૦૨૪ સુધીમાં લંબાવીને ૮,૦૮૬ કરોડની જોગવાઇ કરી છે.જેનાથી શહેરી વિકાસના કામોને વેગ મળશે, રાજ્યના રોડ, રસ્તા, હાઇવેઝ વગેરેને વધુ સુદ્રઢ કરવા વિવિધ કામો માટે ૨૦,૬૪૨ કરોડની જોગવાઇ આ બજેટમાં કરી છે. રૂ. ૧૫૦૦ કરોડના ખર્ચે રાજ્યમાં પાંચ હાઇસ્પિડ કોરિડોર વિકસાવવા સાથે ત્રણ વર્ષમાં સિમાવર્તિ વિસ્તારના ગામોને જોડતી અને ૧૦૦ ટકા કનેક્ટિવિટી માટેની પરિક્રમા પથ યોજના શરૂ કરાશે. સાથોસાથ આરોગ્ય, શિક્ષણ, આદિજાતિ વિકાસ, કૃષિ અને ગ્રામીણ વિકાસ સાથે સાથે ઉભરતા ક્ષેત્ર સાયન્સ ટેકનોલોજીને પણ વેગવાન બનાવવા રૂ. ૨૧૯૩ કરોડનું પ્રાવધાન કર્યું છે, જે ગયા વર્ષ કરતાં ૨૨૭ ટકા વધુ છે તેમ તેમણે જણાવ્યું હતું.


પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે રૂ. ર૦૦ કરોડ ફાળવ્યા છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ઇન્ડેક્ષ્ટ-એ ની સ્થાપના કરવામાં આવશે. ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૮,૨૭૮ કરોડની જોગવાઇ કરી છે. સાથે સાથે ડ્રીપ ઇરિગેશનને પ્રોત્સાહન આપવા ખેડૂતો માટે ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા રૂ. ૧૫૦૦ કરોડની જોગવાઇ કરી છે તેને આવકારી હતી. ગુજરાતમાં આવનારા પાંચ વર્ષમાં ગ્રીન ગ્રોથ માટે બે લાખ કરોડ ખર્ચ કરવાના ગુજરાતનું આજે રજુ થયેલું ૨૦૨૩-૨૪નું બજેટ સર્વસમાવેશી, સર્વપોષી, સર્વગ્રાહી અને સર્વતોમુખી વિકાસનું પથ પ્રદર્શક બજેટ પૂર્વમંત્રી અને ૭૮-જામનગર (ઉત્તર)ના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) એમ. જાડેજાએ ગણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application