તમે મારી સાથે વાત કરશો..?:વાતો ની વાતે..હૈયામાં હામ ભરવાની હિમા શાહની અનોખી સેવા

  • May 13, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમે વાતો કરો મને સારું લાગે.. આ દૂરનું આકાશ પણ મને પરાયું લાગે....એકલતાની અટારીએ બેઠેલા વડીલોની લાગણી


અકસ્માતમાં પથારીવશ થઈ લાચારી અને એકલતાના અનુભવ પરથી આઠ વર્ષથી રાજકોટના હિમાબેન શાહે વડીલો સાથે વાતો કરી તેમને હૂંફ આપી રહ્યા છે:દીકરાના લગ્નના દિવસે પણ સમય કાઢી પથારીવશ વડીલને સેવા આપવા પહોંચી ગયા




ગુજરાતીમાં કહેવત છે કે વા સાથે વાતો કરવા જોઈએ.. જીવનની ઢળતી સંધ્યા હોય કે એકલતાની લાચારી જો કોઈ વાતો કરવા વાળું મળી જાય તો હૈયે હૂંફ મળે છે. રાજકોટના સુખી સંપન્ન પરિવારના હિમા બેન શાહે વડીલો અને દર્દીઓ પાસે જઈ તેમની વાતો અને વ્યથા સાંભળી તેમનો કંટાળો દૂર લાવવા માટેનો એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે.વાતો ની વાતે..હૈયામાં હામ ભરવાનું અલગ જ પ્રકારનું વિશિષ્ટ કામ હિમાબેન એ શરૂ શરૂ કરતા અત્યાર સુધીમાં હજારો લોકો માટે હૂંફ બન્યા છે.



તમે વાતો કરો મને સારું લાગે.. આ દૂરનું આકાશ પણ મને પરાયું લાગે.... તેવી જ લાગણી એકલતાની અટારીએ બેઠેલા વૃદ્ધ મહિલાઓ અનુભવી રહ્યા છે. મારી સાથે વાત કરશો.? એવા આખા દિવસ દરમિયાન અનેક ફોન આવે છે જોકે હિમાબેન શરૂ કરેલી આ સેવામાં અત્યારે પોતે એકલા હોવાથી બધી જગ્યાએ પહોંચી શકતા નથી પરંતુ જ્યાં જ્યાં તેમને સમય મળે ત્યાં એક કલાકથી લઈ અડધો દિવસ સુધી લોકોને મળે છે અને તેમની સાથે વાતો કરે છે. તાજેતરમાં તેમના દીકરાના લગ્ન હોવા છતાં પણ પ્રસંગ પૂર્ણ કરીને સમય કાઢી પથારીવશ વડીલને સેવા આપવા માટે પહોંચી ગયા હતા



ઘણા લોકો મંદિર અને ધર્મસ્થાનકોમાં જય સેવા આપે છે તો ઘણા લોકો માનવી સેવા યજ્ઞ ચલાવે છે ત્યારે હિમાબેન શાહ કે જેઓ તેમના પતિ રાજુભાઇ શાહ સાથે સ્ટીલના વાસણ બનાવવાની ફેક્ટરી પણ ચલાવે છે તેમ છતાં આજની વ્યસ્ત જિંદગીમાં એકલતા અનુભવતા લોકો સાથે પોતાનો સમય આપી અનોખી માનવસેવા નિભાવી રહ્યા છે. કંઈક અલગ જ મિશન શરૂ કરવા પાછળનું કારણ તેમને જણાવ્યું કે જ્યારે આઠ વરસ પહેલા તેમનું એક્સિડન્ટ થયું હતું અને ઇજા થવાના લીધે ચાર મહિનાનો બેડરેસ્ટ આવ્યો હોવા થી બાળકો અને પતિ તેમજ સગા વહાલાઓ હોવા છતાં પણ તેઓ આ પથારીવસ જિંદગીથી કંટાળી ગયા હતા. આ સમયથી જ તેમને નક્કી કર્યું હતું કે જે વડીલો પથારીવસ હોય કે પછી ઘરની બહાર નીકળી ના શકતા હોય તેમને સમય અને સાથ આપશે ત્યારથી લઇ આજે આઠ વર્ષ થયા તેમની આ સેવા અવિરત ચાલુ થઈ છે.



અકસ્માત, બીમારી કે વૃદ્ધાવસ્થાને કારણે ઘરની બહાર નહીં નીક્ળી શક્તા દર્દીઓનાં ઘરે જઈ તેમની પાસે બેસી, તેમને ગમતી વાતો કરીને એમને ખુશ રાખવાનો અનોખો સેવા યજ્ઞ શરૂ ર્યો છે. આવું ભગીરથ કાર્ય તેઓ છેલ્લાં 8 વર્ષથી એક્લપંડે કરી રહ્યાં છે.




બસ,તેમને સાંભળ્યા જ કરું એટલે એ લોકોની અકળામણ દૂર થાય;હિમાબેન

જે વ્યક્તિ નિયમિત રીતે બહારની દુનિયા સાથે સંપર્કમાં હોય તેમને લાંબો સમય ઘર કે રૂમની ચાર દીવાલ વચ્ચે એકધારા ઘરના જ સભ્યો સાથે રહેવાથી વર્ણવી ન શકાય એવી અકળામણ થાય. આવા સમયે એમને બહારના વ્યક્તિને મળવાની ઈચ્છા પ્રબળ થતી હોય. આવા લોકોને સધિયારો આપવા, એમની સાથે બેસીને ધર્મની વાતો કરી એમનું મન અનુભવ્યું છે. પ્રફુલ્લિત કરવી એ સેવાનું કામ છે. લોકોને ટાઇમ આપવો એ અત્યારે સામાજિક પ્રશ્ન બની ગયો છે.




મારા અકસ્માત થી ઈશ્વરે મને આ સેવા માટે નિમિત્ત બનાવી

તેઓ કહે છે કે, શરૂઆતમાં અજાણ્યા દર્દીઓ પોતાના મનની વાત કરતા ખચકાય પરંતુ થોડીવાર બેસીએ એટલે મનમાં ભરેલો ઘૂઘવાટ, દુઃખ, પીડા, અણગમો શબ્દવાટે નીકળવા માંડે અને દર્દી હળવાંફૂલ થઈ જતા હોવાનું મેં અનુભવ્યું છે

હવે ખબર કાઢવાની પ્રથા જતી રહી છે. દર્દીને ઘરે કે હોસ્પિટલમાં એક્લા રહેવું પડે છે. લાંબો સમય એક્લા-લાચાર રહેવાથી દર્દી વ્યાકુળ બની જાય છે ત્યારે આ સેવા માટે તેમને ઘણા લોકો બોલાવે છે. . હિમાબેન શાહે અત્યાર સુધીમાં હજારો દર્દીને આવી સેવા પૂરી પાડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application