સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ સાથે 70,500ને પાર, વૈશ્વિક બજારોમાં ડોલર નબળો પડતાં ભારતીય ચલણને મળી મજબૂતી

  • December 14, 2023 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શેરમાર્કેટ હાઇ : નિફ્ટી પ્રથમ વખત ૨૧,૨૦૫ના સ્તરે, સોનાના ભાવમાં ૨.૨૧% અને ચાંદીના ભાવમાં ૪.૫૪%નો બમ્પર ઉછાળો



આજે સેન્સેક્સ-નિફ્ટી નવા શિખરોને સ્પર્શી ગયા છે ત્યારે સોના-ચાંદીમાં બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. કરન્સી માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો પણ ઉછળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં રૂપિયો ૧૩ પૈસા વધીને ૮૩.૨૭ પ્રતિ ડોલર થયો હતો. આગામી વર્ષે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાનાં સંકેતો વચ્ચે વૈશ્વિક બજારોમાં ડોલર નબળો પડતાં ભારતીય ચલણને મજબૂતી મળી હતી. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર સ્થિર રાખવાના નિર્ણયને કારણે ગઈકાલે યુએસ માર્કેટમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. તેની અસર ભારતીય શેરબજારો પર પણ જોવા મળી રહી છે. બજારમાં અપટ્રેન્ડના લીલા સંકેતો જોવા મળી રહ્યા છે અને સેન્સેક્સ-નિફ્ટીની સાથે બેન્ક નિફ્ટી અને મિડકેપ પોઈન્ટ્સ પણ ઐતિહાસિક રીતે ઊંચા સ્તરે ખુલ્યા હતા.


આજે સેન્સેક્સે ૭૦,૫૦૦ને પાર કરીને વધુ એક નવો ઈતિહાસ રચ્યો છે. આજે તેણે ૭૦,૫૭૩.૮૩ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. આ સમયગાળા દરમિયાન તેમાં ૧૦૦૦ થી વધુ પોઈન્ટનો વધારો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી પ્રથમ વખત ૨૧,૨૦૫ના સ્તરે પહોંચ્યો હતો. બપોરે ૧:૨૬ વાગ્યાની આસપાસ નિફ્ટી ૨૭૨ પોઈન્ટના બમ્પર જમ્પ સાથે ૨૧,૧૯૮ના સ્તરે હતો જ્યારે સેન્સેક્સ ૯૭૩ પોઈન્ટના જંગી ઉછાળા સાથે ૭૦,૫૫૮ પર ટ્રેડ કરી રહ્યો હતો.


આજે એમસીએકસ પર સોનાના ભાવમાં ૨.૨૧ ટકા અને ચાંદીના ભાવમાં ૪.૫૪ ટકાનો બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ માટે સોનાની વાયદાની કિંમત આજે ૬૨,૫૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગઈ છે. ૫ માર્ચ, ૨૦૨૪ માટે ચાંદીની ભાવિ કિંમત ૭૪,૭૭૭ રૂપિયા છે.


બીજી તરફ આજે લગ્નસરાની સિઝન પૂરી થઈ રહી છે ત્યારે બુલિયન માર્કેટમાં આજે સોના-ચાંદીની ચમક વધી છે. એક જ દિવસમાં ૧૨૫૩ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ચાંદી પણ ૨૭૯૬ રૂપિયા મોંઘી થઈ છે. બુલિયન માર્કેટમાં આજે સોનું ૬૨,૪૫૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના દરે ખુલ્યું છે. જ્યારે આજે ચાંદી ૭૩,૬૯૪ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલી છે.


ડૉલર સામે રૂપિયો થયો મજબૂત

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૮૩.૩૦ પર ખુલ્યો હતો. આ પછી તે ડોલર દીઠ ૮૩.૨૭ પર પહોંચી ગયો, જે અગાઉના બંધ ભાવ કરતાં ૧૩ પૈસાનો વધારો છે. ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ચાર પૈસા ગગડીને બુધવારે ૮૩.૪૦ ના સર્વકાલીન નીચા સ્તરે બંધ થયો હતો. વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડૉલરની સ્થિતિ દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ ૦.૩૩ ટકા ઘટીને ૧૦૨.૫૩ થયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application