કરોડોની જમીનના બોગસ ડોકયુમેન્ટ ઉભા કરીને આચરાયું કૌભાંડ

  • June 15, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિનખેતી કરાવવાના નામે વિશ્ર્વાસ કેળવી ભેજાબાજે બોગસ સાટાખત ઉભું કયુ, નોટિસ આપી, સ્ટેમ્પ ખરીદનાર સાક્ષીઓ બનનારા સહિતના ચાર સામે ક્રાઈમ બ્રાંચમાં નોંધાયો ગુનો




શહેરના કાલાવાડ રોડ પરની હરિહર સોસાયટી ૩૨બીમાં રહેતા બિલ્ડર કુલદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (હાલ રહે.પુના)ના માતા તથા બહેનના નામની આવેલી કુચિયાદડ સર્વેની કરોડો રૂપિયાની કિંમતના બોગસ સાટાખત ડોકયુમેન્ટસ ઉભા કરી જમીન મકાન લે–વેચના ધંધાર્થી સૂત્રધાર અશોક દલસુખભાઈ જોષી સાગરીતો ફરીદ, એફ.એચ.પઠાણ તથા ભગીરથસિંહ વાળા નામના શખસોએ કૌભાંડ આચર્યાના આરોપસર ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકમાં ચારેય વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.





ફરિયાદની વિગતો મુજબ કુચિયાદડ ગામ રેવન્યુ સર્વેના ૮૦૫ પૈકીની બીનખેતી તથા ઈમારત બાંધવાની મંજૂરીવાળી ૬૩,૨૨૩ ચોરસ મીટર જમીન દૂધની ડેરીના ઉપયોગ વાણિય જૂની બીનખેતીની ઈન્દ્રજીતસિંહ રાણા પાસેથી તા.૨૬–૪–૨૦૧૦ના રોજ ફરિયાદી કુલદિપસિંહના માતા નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા તથા બહેન વૈશાલીબાના નામે દસ્તાવેજ સાથે ખરીદ કરાઈ હતી. જમીન ઔધોગિક હેતુ માટે હેતુફેર કરવાની હતી જેથી જમીન–મકાન લે–વેચનું કામ કરતા અશોક દલસુખભાઈ જોષીને વાત કરેલી અને તેણે પોતે કામ કરાવી દેશેની વાત કરી હતી.





જમીન માલિક વૈશાલીબાએ તેમના પિતા મહેન્દ્રસિંહ જાડેજાને કરી આપેલી જનરલ પાવર ઓફ એટર્ની તેમજ અન્ય ડોકયુમેન્ટસ વિશ્ર્વાસે અશોક જોષીને આપ્યા હતા. અશોક જોષી દ્રારા બીનખેતીની કામગીરી માટે ૫૦ લાખ જેવો ખર્ચ થશેની વાત કરી હતી અને જે–તે સમયે ૩૦ લાખ રૂપિયા અશોકને રોકડા ચૂકવ્યા હતા. એ વેળાએ અશોકે જણાવ્યું કે, કલેકટર કચેરીનો જે હુકમ થશે તે હુકમ મુજબના રૂપિયા તમારે (જમીનધારકે) ચૂકવવાના રહેશો નક્કી થયા મુજબ જમીન બીનખેતી થતાં સરકારમાં ૧૭,૭૦,૨૪૪ રૂપિયા ભરવાનો હુકમ થયો હતો. અશોકે કહ્યું કે ૨૦ લાખ રૂપિયા જેવો વહીવટ ખર્ચ થયો છે. જયારે ૧૦ લાખ રૂપિયા પોતાની પાસે પડયા છે જે હું તમારા (મહેન્દ્રસિંહના) બેન્ક ખાતામાં જમા કરાવી આપુ કહી બીનખેતીના હુકમ પહેલા ૧૦ લાખ રૂપિયા આરટીજીએસથી અશોકે તા.૪–૭–૧૬ના રોજ મહેન્દ્રસિંહના અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.





બીનખેતી સરકારના હુકમના ભરવાના થતાં ૧૭,૭૦,૨૪૪ રૂપિયા તા.૧૧–૭–૧૬ના રોજ મહેન્દ્રસિંહના એકાઉન્ટમાંથી ચેક મારફતે ચૂકવાયા હતા અને જમીન ઔધોગિક હેતુ માટેની બીનખેતી થઈ હતી.





બીનખેતી થયાના પાંચ માસ બાદ અશોક દ્રારા એડવોકેટ મારફતે ૨૦–૧૨–૧૭ના રોજ કરારનામા પાલન અંગેની લીગલ નોટિસ મોકલાવાઈ ત્યારે વળતી નોટિસથી કોઈ કરારનામા કરાયા નથી અને કરારનામાની નકલો મેળવાઈ હતી. જેના પરથી ખ્યાલ આવ્યો કે જમીનના અશોકે બોગસ સાટાખત કરાર ઉભા કર્યા છે.





કૌભાંડમાં નયનાબા એમ.જાડેજાન નામનો ૧૦૦ રૂપિયાનો સ્ટેમ્પ પેપર ખરીદનાર તરીકે ફરીદનું નામ હતું. આવી વ્યકિતને જાડેજા પરિવાર ઓળખતો પણ ન હતો. સાટાખત કરારમાં વેચનાર તરીકે વૈશાલીબા મહેન્દ્રસિંહ જાડેજાના ફોટા, સહી કે અંગુઠાના નિશાન નહોતા. કુલમુખત્યાર મહેન્દ્રસિંહ જાડેજા દ્રારા પણ આવો કોઈ સાટાખત કરાર કરાયો નહોતો.




સાટાખત કરારમાં એફ.એચ.પઠાણ તથા વાળા ભગીરથસિંહના નામની સાક્ષી તરીકે સહીઓ કરાઈ હતી જે વ્યકિતને પણ ફરિયાદી પરિવાર કોઈ ઓળખતો નથી. મહેન્દ્રસિંહની તથા નયનાબાની ભળતી સહીઓ કરાઈ હતી. સાટાખત કરારમાં ૩૦ લાખ રૂપિયા રોકડા મળી ગયાનો ઉલ્લેખ કરાયો હતો. કરારમાં વેચનાર તરીકે ફકત એક વ્યકિતની સહી કરાઈ હતી. સહિતના આરોપો ફરિયાદમાં મુકાયા છે. તપાસ એરપોર્ટ પોલીસે હાથ ધરી છે. અશોક જોષી અગાઉ પણ વિવાદમાં આવી ચૂકયાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application