સંજુ સેમસન ઇજાને કારણે શ્રીલંકાની સીરીઝમાંથી બહાર : જીતેશ શર્માને સ્થાન

  • January 05, 2023 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિતેશ શર્મા 2016 અને 2017ની IPL સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો.



ભારતીય ટીમના વિકેટકીપર અને બેટ્સમેન સંજુ સેમસનને ઈજા થઈ છે. શ્રીલંકા સામેની ટી-20 સીરીઝની પહેલી મેચમાં સંજુને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ફિલ્ડિંગ દરમિયાન ઈજા થતાં સંજુ ટીમ સાથે પૂણે નહોતો પહોંચી શક્યો. હવે બાકીની બંને મેચો માટે તે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. સંજુનું સ્થાન હવે જિતેશ શર્માએ લીધું છે.




સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2015-16ની સીઝનમાં વિદર્ભના યુવા વિકેટકીપર અને બેટ્સમેન જીતેશ શર્માનું તોફાની પ્રદર્શન રહ્યું હતું. 22 વર્ષના જિતેશે 9 મેચમાં 143.51ના સ્ટ્રાઈક રેટથી 343 રન બનાવ્યા હતા. જેમાં 1 સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં તે સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન હતો આ પ્રદર્શને મુંબઈ ઈન્ડિયન્સનું ધ્યાન ખેંચ્યું. 10 લાખ રૂપિયામાં રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમે જિતેશને ખરીદ્યો હતો.




જિતેશ શર્મા 2016 અને 2017ની IPL સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો. પરંતુ તેને એકપણ મેચ રમવાની તક ના મળી. 2018માં ટીમે તેને રિલીઝ કર્યો હતો. જે બાદ કોઈપણ ટીમે તેને ખરીદવામાં રસ નહોતો દાખવ્યો. જે બાદ ચાર વર્ષ સુધી જિતેશને આઈપીએલમાં તક ના મળી.




2022ની હરાજી વખતે પંજાબ કિંગ્સે જિતેશ શર્મા પર ભરોસો કર્યો. ટીમે તેને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો. પહેલી બે મેચમાં બેન્ચ પર બેસાડી રાખ્યા બાદ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ડેબ્ચૂ કરવાની તક મળી હતી. પહેલી જ મેચમાં જિતેશે 17 બોલ પર ત્રણ છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. તેણે આ છગ્ગા મોઈન અલી, રવિન્દ્ર જાડેજા અને મુકેશ ચૌધરીના બોલ પર માર્યા હતા. બીજી મેચમાં 11 બોલમાં 23 રન બનાવ્યા અને પછી મુંબઈ સામે 14 બોલમાં 30 રન ફટકાર્યા હતા.




હવે શ્રીલંકા સામેની ટી-20 સીરીઝમાં સંજુ સેમસન ઘાયલ થતાં જિતેશ શર્માને તક મળી છે. હવે પૂણે અને રાજકોટમાં રમાનારી ટી-20 સીરીઝની બાકીની બે મેચોમાં જિતેશ રમશે.



જિતેશ શર્માની પ્રતિભાને સૌથી પહેલા માઈનલ ક્લાર્કના કોચ નીલ ડી કોસ્ટે ઓળખી હતી. જિતેશ 14 વર્ષનો હતો ત્યારે વિદર્ભ ક્રિકેટ અસોસિએશન માટે નીલ જિલ્લા-જિલ્લામાં ફરીને નવા ખેલાડી શોધી રહ્યા હતા. એ વખતે તેમણે જિતેશની પસંદગી કરી હતી. જણાવી દઈએ કે, 29 વર્ષીય જિતેશ શર્માનો જન્મ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો છે. ફેબ્રુઆરી 2014માં તેણે વિદર્ભ માટે રાજસ્થાન સામે પહેલી મેચ રમી હતી. 2015માં તેણે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ 2017 પછી તેને ફર્સ્ટ ક્લાસ મેચ રમવાની તક ના મળી. જોકે, લિસ્ટ એ અને ટી-20માં તે વિદર્ભનો મુખ્ય બેટ્સમેન રહ્યો હતો. 76 ટી-20 મેચમાં જિતેશે 148 રનની સ્ટ્રાઈક રેટથી 1787 રન માર્યા છે. A લિસ્ટની 43 ઈનિંગ્સમાં તેણે 1350 રન બનાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application