અનિતા શિયોરાનને માત આપી ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ પદે સંજય સિંહ ચૂંટાયા

  • December 21, 2023 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના મનાતા સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. સંજય સિંહ કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા અનિતા શિયોરાન સામે હરીફાઈમાં હતા. મહત્વનું છે કે, અનિતા શિયોરાનને વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનો ટેકો હતો. આપને જણાવી દઈએ કે, બ્રિજભૂષણ શરણ સિંહે દાવો કર્યો હતો કે, સંજય સિંહ કુસ્તી સંઘના પ્રમુખ બનશે. બ્રિજભૂષણ શરણ સિંહનો આ દાવો હાલ સાચો પડ્યો છે.

સંજય સિંહ 2008માં વારાણસી રેસલિંગ એસોસિએશનના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. 2009માં જ્યારે ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનની રચના કરવામાં આવી ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહ પ્રદેશ પ્રમુખ અને સંજય સિંહ ઉપપ્રમુખ બન્યા હતા.

રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાની ચૂંટણી જીત્યા બાદ સંજય સિંહે કહ્યું કે, હવે રાષ્ટ્રીય શિબિરો (કુસ્તી માટે)નું આયોજન કરવામાં આવશે. જે પહેલવાન રાજનીતિ કરવા ઇચ્છે છે. તે રાજનીતિ કરી શકે છે. અને જે કુસ્તી કરવા ઈચ્છે છે તે કુસ્તી કરશે.
 

સંજય સિંહની જીત પર બ્રિજભૂષણ શરણ સિંહના ઘરે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે જ સંજય સિંહની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા બ્રિજ ભૂષણ સિંહે કહ્યું હતું કે, 11 મહિના પછી ચૂંટણી થઈ રહી છે. જ્યાં સુધી સંજયનો સવાલ છે, તેઓ જૂના ફેડરેશનના પ્રતિનિધિ ગણી શકાય. ચૂંટણીમાં સંજય સિંહની જીત હોવાનો વિશ્વાસ તેમણે પહેલેથી જ નિશ્ચિત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ઘણો વિવાદ થયો હતો. ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક, વિનેશ ફોગટ સહિત ઘણા ટોચના કુસ્તીબાજોએ જંતર-મંતર પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે, વિરોધ કરી રહેલા ખેલાડીઓ કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને પણ મળ્યા હતા અને ત્યારબાદ દિલ્હી પોલીસે આ મામલે FIR પણ દાખલ કરી હતી.
 

મહત્વનું છે કે, WFI માં ચૂંટણીની પ્રક્રિયા જુલાઈમાં જ શરૂ કરવામાં આવી હતી, પરંતુ મામલો કોર્ટમાં જવાને કારણે વિલંબ થયો હતો, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવેલા ચૂંટણી પરના પ્રતિબંધને ફગાવી દીધો હતો, આ સાથે જ ચૂંટણી થવાનો માર્ગ મોકળો થયો.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application