ના હોય...પગાર માત્ર 30 હજાર પણ સંપત્તિ અધધ 10 કરોડ !

  • May 12, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પાડવામાં આવેલા દરોડામાં કોન્ટ્રાક્ટની નોકરી કરતી મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયર હેમા મીના કરોડો રૂપિયાની સંપત્તિની માલિક હોવાનું બહાર આવ્યું છે. 13 વર્ષની નોકરીમાં તેમને જેટલો પગાર મળ્યો નથી, તેનાથી ત્રણસો ગણી વધુ મિલકત તેમની પાસે છે.


લોકાયુક્ત ભોપાલના ડીએસપી સંજય શુક્લાએ જણાવ્યું કે મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં તૈનાત સહાયક ઈજનેર હેમા મીનાના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. સવારે 6 વાગ્યાથી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હેમા મીનાના ઘરે દેશી અને વિદેશી જાતિના 150 થી વધુ કૂતરા જોવા મળતાં લોકાયુક્તની ટીમ ચોંકી ઉઠી હતી. આ શ્વાનને રાખવા માટે 50 થી વધુ રૂમ બનાવવામાં આવ્યા હતા.


તે જ સમયે, કૂતરા માટે રોટલી બનાવવા માટે 2.50 લાખની કિંમતનું મશીન ખરીદવામાં આવ્યું હતું. હેમાના ઘરમાંથી 1.50 લાખ રૂપિયાનું ઘી પણ મળી આવ્યું છે. આ ઘી કૂતરાઓને ખવડાવવામાં આવતું હતું.

30 હજારનો પગાર મેળવનાર હેમા મીના લક્ઝરી સુવિધાઓની ટેવ ધરાવે છે. તેના ઘરે દરોડા દરમિયાન લોકાયુક્ત ટીમને 30 લાખની કિંમતનું ટીવી મળી આવ્યું હતું. તેના ઠાઠમાઠ અને દેખાવને જોઈને અધિકારીઓ ચોંકી ગયા છે. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે તેણે આટલા પૈસા ક્યાંથી કમાયા હતા.


લક્ઝરી લાઈફની શોખીન હેમા મીનાના ઘરેથી 20 લક્ઝરી કાર અને મોંઘી દારૂની બોટલો પણ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાને IPS કહેતી હતી. તેના બંગલામાં એક ડઝનથી વધુ કર્મચારીઓ તૈનાત છે. તેણી તેમની સાથે વાત કરવા માટે વોકી-ટોકીનો ઉપયોગ કરે છે.

વર્ષ 2011માં કોન્ટ્રાક્ટ જોબ પર આવેલી હેમા મીનાનો પગાર 30 હજાર રૂપિયા છે. તેણે માત્ર 12 વર્ષમાં તેની આવક કરતાં ઘણી  વધુ સંપત્તિ બનાવી છે. પતિથી છૂટાછેડા લીધેલ હેમા મીના પાસે લગભગ 10 કરોડ રૂપિયાની સંપત્તિ છે. હેમા મીનાએ ભોપાલના બિલખીરિયામાં પિતાના નામે 20,000 ચોરસ ફૂટ જમીન ખરીદી છે.


હેમા મીનાએ પોતાના પિતાના નામે જે જમીન ખરીદી છે. તેના પર એક કરોડના ખર્ચે આલીશાન બંગલો બનાવવામાં આવ્યો છે. ભોપાલ, રાયસેન અને વિદિશાના ઘણા ગામોમાં જમીન ખરીદીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.


સાથે જ ખેતીમાં વપરાતા હાર્વેસ્ટર, ડાંગર વાવણી મશીન, ટ્રેક્ટર અને સાધનોની ખરીદી માટેના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તેના બંગલામાંથી સરકારી બાંધકામમાં વપરાયેલ સિમેન્ટ, ટેબલ અને ખુરશી પણ મળી આવી છે. 2020માં મીના સામે અપ્રમાણસર સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી. તપાસ ટીમનું કહેવું છે કે હેમા મીનાને માત્ર પ્યાદા તરીકે જ જોવામાં આવે છે. સંભવતઃ અન્ય કોઇ અધિકારીઓ સાથે તેની ભાગીદારીનો પણ પર્દાફાશ થઇ શકે છે. કાર્યવાહીમાં વધુ નામો સામે આવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application