મહુવાના કળસારમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ૫૫૧ ખેડૂતો દંપત્તિ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

  • October 11, 2023 12:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રાસાયણિક કૃષિ પેદાશથી જમીન, પાણી અને હવા દુષિત બને છે, લોકોના આરોગ્યને જોખમ - રાજ્યપાલ


મહુવા તાલુકાના કળસારમાં પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી ત્રિવેણી કલ્યાણ કાઉન્ડેશન, ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ દક્ષિણામૂર્તિ  દ્વારા આયોજિત  ૫૫૧ ખેડૂત દંપત્તિઓ સાથે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. 


પ્રાકૃતિક ખેતીને પ્રકૃતિ સાથે જોડતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું હતું કે, જંગલની અંદર ઉછરતા ઝાડ -પાન,  ફળ-ફૂલને કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી અને કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શક્તી હોય તો આપણા ખેતરમાં આ કેમ થઈ ના શકે ? 


ખેડૂતો હજુ પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળતા અચકાતા હોવાનું મુખ્ય કારણ કૃષિ પેદાશમાં ઘટાડા અંગે ચિંતા અને ડર હોવાનું રાજ્યપાલ એ જણાવતાં કહ્યું હતું કે, રાસાયણિક ખેતીમાં યુરિયા, ડી.એ.પી., જંતુનાશક દવાઓનો મોટા પાયે વપરાશ કરવો પડે છે. જે ખર્ચાળ છે અને જમીનને નુકસાન પણ કરે  છે, જયારે પ્રાકૃતિક ખેતીમાં માત્ર ગાયના ગોબર અને મૂત્ર દ્વારા ઓછા ખર્ચે વધુ કૃષિ પાક લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થતો જશે તેમ રાજ્યપાલએ જણાવ્યું હતું.


જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવી રાજ્યપાલએ સ્વયં પોતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી તેના ત્રણ વર્ષની અંદર જમીનનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતાં તેમાં ઓર્ગેનિક કાર્બન ૧.૭ ઉપર આવી ગયો છે, જે પ્રાકૃતિક ખેતીની સફળતા દર્શાવે છે.


દેશમાં જ્યારે અન્નની મોટા પાયે જરૂરિયાત હતી ત્યારે હરિત ક્રાંતિ થકી આપણે કૃષિ ઉત્પાદન વધારવા રાસાયણિક ખેતી અપનાવી, યુરિયા, ડી.એ.પી. જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કર્યો, જેનાથી જમીનની કાર્યક્ષમતા ઘટી અને જમીન ઉજ્જડ અને બિનઉપજાઉ બની. રાસાયણિક ખેતીને લીધે દેશભરમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૫  થી નીચે આવી ગયું હોઈ જમીનને પુનઃ કાર્યક્ષમ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું રાજ્યપાલએ જણાવ્યું હતું.


વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત એક દેશી ગાયના એક દિવસના ગોબર અને મૂત્રથી જ તૈયાર થઈ જશે, આ જીવામૃતના છંટકાવ થકી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયાઓ ઓર્ગેનિક કાર્બન વધારવાનું કામ કરે છે,  તેનાથી જમીન ફળદ્રુપ બને છે અને નિંદામણની જરૂર પડતી નથી, તેમને ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે, યોગ્ય રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે તો એક વર્ષની અંદર રાસાયણિક ખેતીની લગોલગ કૃષિ પેદાશ થઈ જશે અને દર વર્ષે ઉત્પાદનમાં સતત વધારો થતો રહેશે.


પ્રાકૃતિક ખેતીના મિશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારના સક્રિય સહયોગની સરાહના કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યુ હતું કે પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિના મહત્વના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. તેમના વતન હરિયાણા ખાતેના ખેતરમાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યના કલેકટર તેમજ ઉચ્ચ અધિકારીઓએ સ્વયં મુલાકાત લઈ આ અંગે રાજ્યમાં ખેડૂતો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવી રહ્યા  છે. 


પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત દંપત્તિઓનું સન્માન રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ આ તકે પ્રાકૃતિક કૃષિ પેદાશના પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેમજ ખેતરમાં હળ ચલાવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રીનું  પોલીસ બેન્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં ૫૫૧ ખેડૂત યુગલો જોડાયા હતા. રાજ્યપાલ દ્વારા અંતે ગૌશાળામાં ગૌ પૂજન કરીને વૃક્ષારોપણ કર્યું હતું.


આ કાર્યક્રમમાં ખેડૂતો, કૃષિ તજજ્ઞો, પર્યાવરણીય તજજ્ઞો અને સ્થાનિક મહાનુભાવો સહિત અંદાજે 2,000 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પરિસંવાદ ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ દક્ષિણામૂર્તિ ફાઉન્ડેશનની અને ખેડૂતોના સહિયારા પ્રયાસથી આયોજન કરવામાં આવેલ હતું.


આ કાર્યક્રમમાં કલેકટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધીક્ષક ડો. હર્ષદ પટેલ, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીના  સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો. પંકજ કુમાર શુક્લા, પ્રફુલભાઇ સેંજલિયા, લોકભારતી સણોસરા યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી અરૂણ ભાઈ દવે, દાદુભાઈ પીઠાભાઈ ભમ્મર ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application