આરડીસી બેંકના કેશિયર સાથે માણાવદરના ડેવલોપર્સની રૂપિયા ૧૨ લાખની છેતરપિંડી

  • May 03, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં રહેતા અને ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલી આરડીસીની બેંકની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવનાર પ્રૌઢે માણાવદરમાં રહેતા વિનાયક ડેવલોપર્સના સંચાલક સામે રૂ.૧૨ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે સંબંધી હોવાના નાતે આરોપીને જરૂરત સમયે રૂ.૧૨ લાખ લોન લઇ આપ્યા હોય જે છ માસમાં પરત કરવાનો વાયદો કર્યા બાદ નાણાં પરત ન આપતા આ ફરિયાદ નોંધાવી હતી.


છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ધોરાજીમાં બગીચા પાસે રહેતા મનોજભાઇ મોહનભાઇ ડઢાણીયા(ઉ.વ ૫૩) દ્વારા ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હનીકુમાર પોપટભાઇ જશાણી(રહે. સરદારનગર સોસાયટી, ગરબી ચોક,માણાવદર) નું નામ આપ્યું છે.પ્રૌઢ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલી આરડીસી બેંકની શાખમાં કેશિયર કમ કલાર્ક તરીકે ફરજ બજાવે છે.જયારે આરોપી હનીકુમાર વિનાયક ડેવલોપર્સ નામની પેઢી ધરાવે છે.


ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી મનોજભાઇ ગત તા. ૧/૩/૨૦૨૧ ના રોજ પોતાની નોકરી પર હતા ત્યારે તેમની પાસે તેના ફઇના જમાઇ હનીકુમાર જસાણી આવ્યો હતો અને તેણે વાત કરી હતી કે,મારે માણાવદરમાં વિનાયક ડેવલોપર્સ નામની પેઢી આવેલી છે અને હરિદર્શન એપાર્ટમેન્ટ બનાવવાનું કામ ચાલુ છે.જેમાં મારે પૈસાની જરૂર હોય તમે મને મદદ કરો કાં ફલેટ બુક કરવો અથવા મને ઉછીના પૈસા લઇ આપો હું તમને છ માસમાં પરત આપી દઇશ તેવી વાત કરી હતી.જેથી ફરિયાદીએ પ્રથમ તો પોતાની પાસે પૈસા ન હોવાની વાત કરતા લોન લઇ આપવાનું આરોપીએ કહ્યુ હતું જેથી તેના પર વિશ્ર્વાસ કરી ફરિયાદીએ પોતાની પોતાની બેન્ક કર્મચારી મંડળીમાંથી રૂ.૧૧ લાખ અને સ્ટાફ ઓવર ડ્રાફટમાંથી રૂ.૧ મળી કુલ રૂ.૧૨ લાખ આરોપીને આરટીજીએસથી મોકલ્યા હતાં.
ફરિયાદીએ લીધેલી લોનનો માસિક હપ્તો રૂ.૧૮ હજાર આવતો હોય જે તેમના પગારમાંથી કટ થઇ જતો હોય આગાઉથી નક્કી થયું હોવાછતાં આરોપીએ પ્રથમ ચાર હપ્તા ભર્યા બાદ હપ્તો ભરવાનું બંધ કરી દીધું હતું.બાદમાં ફરિયાદીએ તેને રૂબરૂ મળી તમે છ માસમાં પૈસા પરત આપવાની વાત કહી હતી મારા પૈસા પરત આપો તેમ કહેતા આરોપીએ બહાના આપ્યા હતાં.તા.૭/૧૨/૨૦૨૨ ના ફરિયાદીના પુત્રના લગ્ન હોય જેથી તે પહેલા પૈસા આપ દેવાનું કહેતા માર એપાર્ટમેન્ટના રૂપિયા ટૂંક સમયમાં આવવાના છે તેમ કહ્યું હતું.
​​​​​​​
ફરિયાદીના દીકરાના લગ્ન થઇ ગયા બાદ પણ આરોપીએ પૈસા પરત આપ્યા ન હતા અને બેંકનો હપ્તો પણ ભરતો ન હોય ખોટા વાયદાઓ અને બહાના આપી આજદીન સુધી પૈસા પરત ન કરતા અંતે કેશિયર મનોજભાઇ ડઢાણીયાએ ભાયાવદર હોસ્પિટલમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ કે.પી.મેતા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application