રાજકોટ જિલ્લામાં શંકાસ્પદ બિયારણના 216 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા

  • May 25, 2023 03:27 PM 


જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આપેલી માહિતિ : ગમે તેવા ચમરબંધી હોય તો પણ ન છોડવા પ્રમુખ ભુપતભાઈ બોદરની સુચના


રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર નકલી બિયારણ વેચાઈ રહ્યું હોવાનો ચોકાવનારો આક્ષેપ ભાડલા બેઠકના સભ્ય મનસુખભાઈ ખાચરિયાએ કર્યો હતો. તેના જવાબમાં કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચેકિંગની અને નમૂના લેવાની સત્તા કવોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ પાસે છે. પરંતુ આમ છતાં રાજકોટ જિલ્લા પંચાયતની કૃષિ વિભાગની ટીમે બિયારણના શંકાસ્પદ ગણાતા 216 નમૂના લીધા છે અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.



જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે તમામ સભ્યોને ઉદેશીને જણાવ્યું હતું કે નકલી બિયારણ ક્યાં મળે છે તે જો કોઈ સભ્યના ધ્યાનમાં આવે તો તેવા વેપારી સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. આમાં ગમે તેવો ચમરબંધી હોય કે સગોવાલો હોય, કોઈને છોડવા ન જોઈએ.



ચર્ચામાં ઝૂકાવતા ધોરાજી ઉપલેટા મતવિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા જે ૨૫૬ નમૂના બિયારણના લીધા છે તેની તપાસ તાત્કાલિક પૂરી કરી જવાબદારો સામે પગલાં લેવાની માગણી હું સરકારમાં કરવાનો છું.



જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરીનો રાખવામાં આવ્યો હતો. ભાડલા બેઠકના સભ્ય મનસુખભાઈ ખાચરીયાએ પાંચ પ્રશ્નો પૂછ્યા હતા. તે સિવાય કોઈના એક પણ પ્રશ્ન ન હતા. મનસુખભાઈએ માવઠાથી થયેલા નુકસાનમાં પોતાના મતવિસ્તારને થયેલા અન્યાય બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી અને ઉનાળુ વાવેતરમાં એટલે કે 20 દિવસ પહેલા થયેલા વરસાદને કારણે જે નુકસાન થયું છે તેનો પણ સર્વે કરવા માગણી કરી હતી. આ બાબતે સરકારમાં સામૂહિક રજૂઆતનો નિર્ણય લેવાયો હતો.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મીલેટસને પ્રાધાન્ય આપવાના નિર્ણયમાં સહભાગી થવા માટે ભુપતભાઈ બોદરે સૌકોઈને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકારની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારને નવ વર્ષ પૂરા થતા હોવાથી આગામી તારીખ 30 ના રોજ વિવિધ કાર્યક્રમોના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application