મહિલા રોબોટ વ્યોમિત્રને અવકાશયાન દ્વારા સ્પેસમાં મોકલવાની તૈયારી

  • December 14, 2023 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કરી જાહેરાત, ભારતનું અવકાશ ક્ષેત્ર ઝડપી વિકાસના માર્ગ પર, આગામી વર્ષોમાં સ્પેસ ઈકોનોમી ૪૦ બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ



ચંદ્રયાન-૩ મિશનની અપાર સફળતા બાદ ભારતીય અવકાશ એજન્સી સતત નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં વ્યસ્ત છે. સૌપ્રથમ ઈસરોએ સૂર્ય મિશન માટે આદિત્ય એલ-૧ લોન્ચ કર્યું હતું. હવે ઈસરોનું ધ્યાન માનવ મિશન ગગનયાન પર છે. આ મિશન હેઠળ, અવકાશયાન સ્પેસમાં મોકલવામાં આવશે, તે ભારતના પ્રથમ માનવ મિશન માટે રિહર્સલ તરીકે મોકલવામાં આવી રહ્યું છે. ગગનયાન મિશનની તૈયારી માટે ઈસરો લાંબા સમયથી કામ કરી રહ્યું છે.


આ સીરીઝમાં મહિલા રોબોટ વ્યોમિત્રને અવકાશમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે બુધવારે જણાવ્યું હતું કે ભારત માનવ મિશન પહેલાં મહિલા રોબોટિક અવકાશયાત્રી વ્યોમિત્રાને અવકાશમાં મોકલશે. ઈસરોનું મહત્વાકાંક્ષી ગગનયાન મિશન માનવ અવકાશ ઉડાનમાં ભારતની ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે તૈયાર છે. માનવસહિત મિશન પહેલા, ઈસરોએ આવતા વર્ષ માટે મહિલા રોબોટ અવકાશયાત્રી 'વ્યોમિત્ર'ને લઈ જતી પરીક્ષણ ફ્લાઇટનું આયોજન કર્યું છે. અંતરિક્ષ તેમજ સમુદ્રમાં ભારતની તાકાત વધારવા માટે ઈસરોએ ડીપ સી મિશન માટે તૈયારી કરી છે, જે આગામી ત્રણ-ચાર વર્ષમાં પૂર્ણ થશે. આ મિશન દ્વારા ઈસરો ઊંડા સમુદ્રના સંસાધનોની શોધ કરશે. જેથી ભારતની શક્તિ માત્ર બાહ્ય અવકાશમાં જ નહીં પરંતુ સમુદ્રના ઊંડાણમાં પણ જોવા મળશે.


ડૉ. સિંઘે જાહેર કર્યું કે ભારતનું અવકાશ ક્ષેત્ર ઝડપી વિકાસના માર્ગ પર છે અને કહ્યું કે દેશનું અવકાશ અર્થતંત્ર, જેનું મૂલ્ય હાલમાં ૮ બિલિયન ડોલર છે, તે ૨૦૪૦ સુધીમાં ૪૦ બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. તેમણે સ્પેસ સ્ટાર્ટઅપ્સમાં ખાનગી રોકાણને આકર્ષવામાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર ભાર મૂક્યો છે, જેણે આ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સામૂહિક રીતે રૂ. ૧૦૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે. મંત્રીએ ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ઝડપી વૃદ્ધિનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. તેમના મુજબ પીએમ મોદીના સુધારાના કારણે ૨૦૧૪માં માત્ર એક સ્ટાર્ટઅપથી દેશમાં હવે ૧૯૦ સ્પેસ સ્ટાર્ટઅપ્સ છે. ઈસરો, ભારતની અગ્રણી અવકાશ એજન્સી, ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા વિદેશી આવક કમાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. હાલ સુધીમાં ઈસરોએ ૪૩૦ થી વધુ વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application