PMJAY યોજનામાં હવે મળશે 10 લાખ સુધીની સહાય, આયુષ્માન કાર્ડ અંતર્ગત આ જટિલ ઓપરેશન પણ બન્યા મફત  

  • July 11, 2023 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજે સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચની સહાય હવે રૂ. ૧૦ લાખ થઇ છે.

આજે બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, કમિશ્નર શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. ૧૦ લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.

રૂ. ૧૦ લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.  અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.

રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭  સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮  કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ એમ્પેનલ છે. આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application