નૂહ, મેવાત અને ગુરુગ્રામ... હરિયાણામાં ફાટી નીકળેલી હિંસા સાથે મોનુ માનેસર સાથે સંબંધ ?

  • August 01, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હરિયાણાના મેવાત અને નૂહમાં બે સમુદાયો વચ્ચે હંગામો થયા બાદ હવે હિંસા થઇ રહી છે. બંને સમુદાયોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. મેવાતમાં ભગવા યાત્રા દરમિયાન હંગામો થયો હતો અને હંગામો એટલો વધી ગયો હતો કે પથ્થરબાજીની સાથે ગોળીબારી પણ થઇ હતી, આ પથ્થરમારામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. નૂહ હિંસામાં બે હોમગાર્ડ અને એક નાગરિક માર્યા ગયા હતા. 10થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હિંસા હવે ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ છે. સોહનામાં પણ આગચંપી થઈ છે.


હરિયાણાના નુહના મેવાતમાં આ હંગામો ચાલી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ અહીં ભગવા યાત્રા કાઢી રહ્યા હતા. યાત્રા નૂહ ઝંડા પાર્કમાં પહોંચી કે તરત જ પથ્થરમારો શરૂ થઈ ગયો. અહીં માત્ર વાહનો પર જ પથ્થરમારો જ નહીં પરંતુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મુસ્લિમ પક્ષના લોકોએ આ પથ્થરમારો અને ફાયરિંગ કર્યું છે. પથ્થરમારો બાદ હિન્દુ પક્ષના લોકો પણ ઉશ્કેરાયા હતા.


આ વિસ્તાર દેશની રાજધાનીથી માત્ર દોઢ કલાકના અંતરે છે. મેવાત જેવા વિસ્તારોમાં ધાર્મિક યાત્રા પર પથ્થરમારો થતાં તણાવ વધ્યો હતો. મંદિરને ઘેરીને હુમલાનો દાવો કરવામાં આવ્યો હતો. મંદિરે દાવો કર્યો હતો કે સેંકડો લોકો ફસાયા હતા, જેમને બાદમાં બચાવી લેવામાં આવ્યા હતા.


હિંદુ પક્ષનો આરોપ છે કે તેઓએ પ્રશાસનને યાત્રા વિશે 6 મહિના પહેલા જાણ કરી દીધી હતી, યાત્રાની સાથે હરિયાણા પોલીસના કેટલાક કર્મચારીઓ પણ હતા, પરંતુ હંગામો થતાં જ પોલીસકર્મીઓ ભાગી ગયા હતા. વીએચપીના એક કાર્યકર્તાએ કહ્યું કે ભલે અમે મરી જઈએ પણ અમે અહીંથી નહીં જઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક બાજુ ઘણા દિવસોથી આ ભગવા યાત્રાનો વિરોધ કરી રહ્યો હતો અને અંતે યાત્રામાં હંગામો થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાલમાં મેવાતમાં સ્થિતિ સંવેદનશીલ છે.


નૂહના ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારનું કહેવું છે કે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ઈન્ટરનેટ સેવાઓ 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કર્ફ્યુના આદેશ આપવામાં આવ્યા છે. અમે બધાને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ. ફસાયેલા તમામ લોકોને બચાવી લેવાયા છે. એક જાનહાનિના અહેવાલ છે. સ્થિતિ હવે સામાન્ય છે. જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. બીજી તરફ ગુરુગ્રામના પોલીસ કમિશનરે કહ્યું કે, સોહનામાં સ્થિતિ તંગ છે. વાતાવરણમાં શાંતિ જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


હવે આ હિંસાની જ્વાળા ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ છે. હિંસક દેખાવો દરમિયાન પથ્થરમારો, સૂત્રોચ્ચાર અને આગચંપીનાં અહેવાલોને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. ગુરુગ્રામના સોહના રોડ પાસે બે સમુદાયના પ્રદર્શનકારીઓ એકબીજા સાથે અથડામણ કરી. હાઇવે પર ત્રણ વાહનોને નુકસાન થયું હતું. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ગુડગાંવ જિલ્લાના સોહનામાં ટોળાએ ચાર વાહનો અને એક દુકાનને આગ ચાંપી દીધી હતી. દેખાવકારોએ કલાકો સુધી રસ્તો બ્લોક પણ કર્યો હતો. ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનર નિશાંત કુમાર યાદવે સોશિયલ મીડિયા પર કોઈપણ વાંધાજનક પોસ્ટ માટે કડક કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે.


પોલીસના જણાવ્યા અનુસાર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ગાડીઓને આગ લગાડી. ઘટના બાદ નૂહમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. સાવચેતીના પગલા તરીકે જિલ્લામાં 2 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.


હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પથ્થરમારાની ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે વિશ્વ હિંદુ પરિષદના સભ્યોએ પોલીસની પરવાનગી મળ્યા બાદ મેવાતમાં યાત્રા કાઢી હતી. જોકે, જ્યારે યાત્રા નાંદ ગામમાં પહોંચી ત્યારે અન્ય સમાજના લોકોએ યાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. મેવાતમાં નજીકના જિલ્લાઓની પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા તે સ્થાનો પર મોકલવામાં આવી રહ્યા છે જ્યાં રસ્તાઓ બ્લોક છે. વિજે લોકોને રાજ્યમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી.


સમગ્ર ઘટના :

વિશ્વ હિન્દુ પરિષદે સોમવારે બ્રિજ મંડળ જલાભિષેક યાત્રાનું આયોજન કર્યું હતું, જેનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા અધ્યક્ષ ગાર્ગી કક્કરે ગુરુગ્રામની સિવિલ લાઈન્સથી ફ્લેગ ઓફ કર્યું. યાત્રાની સાથે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે નુહમાં ખેડલા મોર પાસે લોકોના એક જૂથ દ્વારા સરઘસને અટકાવવામાં આવ્યું હતું અને સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. થોડા સમય બાદ કારોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. અહેવાલો અનુસાર, બલ્લભગઢમાં બજરંગ દળના કાર્યકર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વાંધાજનક વીડિયોને કારણે અથડામણ શરૂ થઈ હતી.


અગાઉ એવા અહેવાલો હતા કે મોનુ માનેસરની યાત્રામાં ભાગ લેવાની અફવા ફેલાતાં હિંસા ફાટી નીકળી હતી. મોનુ પર બે મુસ્લિમ પુરુષોની હત્યા માટે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમના સળગેલા મૃતદેહો ફેબ્રુઆરીમાં ભિવાની જિલ્લામાંથી મળી આવ્યા હતા. જોકે, મોનુ માનેસરે દાવો કર્યો હતો કે તેમણે વીએચપીની સલાહ પર યાત્રામાં ભાગ લીધો ન હતો. કારણ કે તેમની હાજરીમાં તણાવ સર્જાવાની શક્યતા છે.


હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ગુરુગ્રામ અને નૂહમાં સીઆરપીસીની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા હતા. હરિયાણા સરકારે કહ્યું કે, નૂહ જિલ્લામાં બુધવાર, 2 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું રાજ્ય સરકારે પડોશી જિલ્લાઓમાંથી વધારાની ફોર્સ નૂહમાં મોકલી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application