પંજાબમાં નવાજૂની થવાના એંધાણ : કેન્દ્રીય દળોની ૫૦ કંપની તૈનાત કરાશે

  • March 03, 2023 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



૬ થી ૧૬ માર્ચ સુધી પંજાબમાં રહેશે સેના : પંજાબ સરકારે વધુ સશસ્ત્ર દળોની કરી છે માંગણી


ગૃહ મંત્રાલય હવે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 50 કંપનીઓ પંજાબ મોકલવા જઈ રહ્યું છે. પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી છે તેનાથી રાજ્યની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પંજાબમાં કંઈક મોટું થવાનું છે. આર્મ્ડ પોલીસ ફોર્સની આ કંપનીઓને 'હોલા મોહલ્લા' પહેલા તૈનાત કરવામાં આવશે.


અહેવાલો અનુસાર, સશસ્ત્ર પોલીસ દળની એક કંપનીમાં લગભગ 120 સુરક્ષા કર્મચારીઓ હોય છે. સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલી કેન્દ્રીય દળની આ કંપનીઓ 6 થી 16 માર્ચ સુધી પંજાબમાં રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 50 કંપનીઓમાંથી સીઆરપીએફની 10, રેપિડ એક્શન ફોર્સની 8, બોર્ડર સિક્યુરિટી ફોર્સની 12, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની 10 અને સશસ્ત્ર સીમા બળની 10 કંપનીઓ મોકલવાની તૈયારી ચાલી રહી છે.


ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે 23 ફેબ્રુઆરીએ અજનાલામાં અને 8 ફેબ્રુઆરીએ મોહાલીમાં કેટલાક કટ્ટરપંથીઓ અને પોલીસ વચ્ચે હિંસા પછી 28 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. પત્રમાં માન સરકારે કેન્દ્રીય દળોની 120 કંપનીઓ પંજાબ મોકલવાની વિનંતી કરી હતી. ગુરુવારે સીએમ માન દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા.


વાસ્તવમાં 23 ફેબ્રુઆરીએ પંજાબની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. તસ્વીરમાં કટ્ટરપંથી શીખ સંગઠન 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહ તેના સેંકડો સમર્થકો સાથે હથિયારોથી સજ્જ થઈને અજનલા પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. સમર્થકો અને પોલીસકર્મીઓ વચ્ચેની અથડામણમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ જ પંજાબની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application