NDA : મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ, ગૃહમંત્રીને મળવા પહોંચ્યા એમએનએસના વડા રાજ ઠાકરે 

  • March 19, 2024 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવારે ખાનગી હોટલમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સાથે પણ થઇ મુલાકાત : ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાલ દિલ્હીમાં હાજાર 


લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થવાના એંધાણ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત આજે સવારે તેઓ એક ખાનગી હોટલમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને પણ મળ્યા હતા. આ બેઠક પૂરી થયા બાદ જ એમએનએસ પ્રમુખ, વિનોદ તાવડે સાથે ગૃહ મંત્રી અમિત શાહ નિવાસસ્થાને જવા રવાના થયા હતા. 

લોકસભા ચૂંટણી પહેલા રાજ ઠાકરે એનડીએમાં સામેલ થઈ શકે છે તેવી ચર્ચા હાલ રાજકીય વર્તુળોમાં છે કેમ કે, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ નવી દિલ્હીમાં હાજર છે. દિલ્હી પહોંચ્યા બાદ રાજ ઠાકરેએ ગતરાત્રે મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું, "મને હજુ સુધી ખબર નથી કે મારું શેડ્યુલ શું છે. મને હમણાં જ દિલ્હી આવવાનું કહેવામાં આવ્યું અને હું દિલ્હી આવ્યો." મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે જો કોઈ નિર્ણય લેવામાં આવશે તો તમને જાણ કરવામાં આવશે. 


માનવામાં આવે છે કે રાજ ઠાકરેની એમએનએસ એનડીએ માં પ્રવેશ કરી શકે છે. બીજેપી તેમને શિંદેના શિવસેના કોટામાંથી સીટ ઓફર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ ઠાકરે એનડીએ પાસે બે સીટોની માંગ કરી રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને આ વખતે મહારાષ્ટ્રમાં 48માંથી 45થી વધુ લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રમાં, એનડીએ 400 થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખે છે અને ભાજપ એકલા 370 થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખે છે.


રાજ ઠાકરે માટે પણ આ તક મહત્વપૂર્ણ 
​​​​​​​

ઉદ્ધવ ઠાકરે સાથેના મતભેદોને કારણે રાજ ઠાકરેએ 2006માં પોતાની નવી પાર્ટી બનાવી હતી. એમએનએસએ 2009ની ચૂંટણીમાં 13 બેઠકો જીતીને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે, 2014ની ચૂંટણીમાં એમએનએસ માત્ર એક સીટ જીતી શકી હતી. 2019માં પણ પાર્ટીને ચૂંટણીમાં વધુ સફળતા મળી ન હતી. છેલ્લા એક દાયકામાં, રાજ ઠાકરેએ મીડિયામાં વારંવાર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને રાજકીય પ્રસિદ્ધિમાં રહેવા માટે સંઘર્ષ કર્યો છે. તેમણે એકનાથ શિંદે પ્રત્યે પણ હૂંફ દર્શાવી છે અને બંને નેતાઓ અનેક પ્રસંગોએ મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application