દંતેવાડા બ્લાસ્ટમાં નક્સલવાદીઓએ આટલો IEDનો કર્યો હતો ઉપયોગ કે વાહનના પાર્ટ્સ પણ ગાયબ

  • April 26, 2023 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસકર્મીઓને નિશાન બનાવતા હુમલામાં નક્સલવાદીઓએ 50 કિલોથી વધુ IED વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે વિસ્ફોટ બાદ જે પીકઅપ વાહનમાં સૈનિકો આવી રહ્યા હતા તેના પાર્ટ્સ ગાયબ થઈ ગયા હતા.આ હુમલામાં 10 પોલીસકર્મીઓ અને એક ડ્રાઈવરનું મોત થયું છે. રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાંથી પરત ફરી રહી હતી ત્યારે અરનપુર પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. આ વિસ્તાર રાજ્યની રાજધાની રાયપુરથી લગભગ 450 કિમી દૂર સ્થિત છે. નક્સલવાદીઓએ કાર્ગો મીની વાનને ઉડાવી દીધી હતી જેમાં સુરક્ષા જવાનો મુસાફરી કરી રહ્યા હતા.


આ હુમલામાં શહીદ થયેલા જવાનોમાં ત્રણ હેડ કોન્સ્ટેબલ રેન્કના જ્યારે ચાર કોન્સ્ટેબલ અને ત્રણ જવાનો છે. આ સાથે એક ડ્રાઈવરે પણ જીવ ગુમાવ્યો છે. શહીદ થયેલા જવાનોના નામ હેડ કોન્સ્ટેબલ જોગા સોઢી, હેડ કોન્સ્ટેબલ મુન્ના રામ કડતી, હેડ કોન્સ્ટેબલ સંતોષ તમો, કોન્સ્ટેબલ દુલ્ગો માંડવી, કોન્સ્ટેબલ લખમુ મરકમ, કોન્સ્ટેબલ જોગા કવાસી, કોન્સ્ટેબલ હરિરામ માંડવી, સૈનિક રામ કરતમ, સૈનિક જયરામ કાડ્વા, સૈનિક જયરામ કાદવાસી છે. જ્યારે ખાનગી ડ્રાઈવર ધનીરામ યાદવ જણાવવામાં આવી રહ્યો છે.


બીજી તરફ, આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે વાત કરી અને દંતેવાડામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં 10 પોલીસકર્મીઓ શહીદ થયાની ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.


અમિત શાહે મુખ્યમંત્રીને પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ શક્ય મદદની ખાતરી પણ આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગૃહમંત્રીએ બઘેલ સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે મુખ્યમંત્રીને એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને શક્ય તમામ મદદ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application