મુકેશ અંબાણી ના સંતાનો ડાયરેક્ટર પદે હોવા છતાં નહીં લે પગાર !

  • September 27, 2023 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આકાશ, અનંત અને ઈશાને અપાશે બોર્ડ અને કમિટીની મીટીંગ માટે ફી

હોલ્ડર્સને હોદ્દાની નિમણુક અંગે મંજુરી માટે મોકલાયો લેટર


આકાશ ટેલિકોમ બિઝનેસ જિયોના ડાયરેક્ટર, અનંત રિલાયન્સના એનર્જી અને રિન્યુએબલ એનર્જી બિઝનેસના હેડ અને ઈશા સંભાળે છે રિલાયન્સ રિટેલ બિઝનેસ



દેશની નામાંકિત કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ત્રણેય સંતાનોને તાજેતરમાં કંપની બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે અંબાણી પરિવારના ત્રણેય વારસદારો કોઈ પગાર લેશે નહીં અને તેમને માત્ર બોર્ડ અને કમિટીની મીટીંગ માટે જ ફી ચૂકવવામાં આવશે. કંપનીએ તેમની નિમણૂક પર શેર હોલ્ડર્સની  મંજૂરી લેવા માટે મૂકવામાં આવેલા પ્રસ્તાવમાં આ માહિતી આપી છે. મુકેશ અંબાણી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ થી કોઈ પગાર નથી લઈ રહ્યા. તેમના સંતાનો આકાશ, અનંત અને ઈશાને કંપનીના બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત ઓગસ્ટમાં યોજાયેલી એજીએમમાં ​​કરવામાં આવી હતી.


રિલાયન્સે હવે તેના શેરહોલ્ડર્સને પોસ્ટ દ્વારા પત્ર મોકલ્યો છે, જેમાં આ ત્રણ નિમણૂકો પર તેમની મંજૂરી માંગવામાં આવી છે. આ નોટિસ જણાવે છે કે નવા ડિરેક્ટર્સને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા કમિટીની બેઠકોમાં હાજરી આપવા માટે ફી ચૂકવવામાં આવશે. તે ડિરેક્ટર તરીકે કંપનીમાંથી કોઈ પગાર લેશે નહીં. ઈશા અંબાણી કંપનીનો રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલ સંભાળી રહી છે. આકાશ અંબાણી ટેલિકોમ બિઝનેસ જિયોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના ભાઈ અનંત અંબાણી રિલાયન્સના એનર્જી અને રિન્યુએબલ એનર્જી બિઝનેસના માલિક છે.


ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમની ઉત્તરાધિકારી યોજનાના ભાગરૂપે તેમના તમામ બાળકોને વિવિધ વ્યવસાયોની જવાબદારી સોંપી છે. જો કે તેઓ આગામી પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન પદ પર રહેશે. આકાશ, અનંત અને ઈશાનું કંપનસેશન સ્ટ્રક્ચર તેમની માતા નીતા અંબાણીના જેવું જ છે, જેઓ ૨૦૧૪માં કંપનીના બોર્ડમાં જોડાયા હતા. કંપનીના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, નીતા અંબાણીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૬ લાખ રૂપિયાની મીટીંગ ફી અને ૨ કરોડનું કમિશન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application