મોરારી બાપુએ ઋષિકેશથી શરૂ કરી બાર જ્યોતિર્લિંગની રામ કથા ટ્રેન યાત્રા

  • July 24, 2023 12:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

આધ્યાત્મિક ગુરુ અને રામકથાના મર્મજ્ઞ મોરારી બાપુએ રવિવારે ઋષિકેશથી જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાનો પ્રારંભ કર્યો છે. શ્રાવણના પાવન અધિકમાસમાં આયોજીત આ અદ્વિતીય યાત્રા દેશના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરો સુધી પહોંચશે. આ કથા યાત્રાની બે ટ્રેનોનું નામ કૈલાશ અને ચિત્રકૂટ રાખવામાં આવ્યું છે. આ ટ્રેન યાત્રાને ઉત્તરાખંડના નાણા મંત્રી પ્રેમચંદ અગ્રવાલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઋષિકેશના મેયર શ્રી અનિતા મામગૈન દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.


આ આધ્યાત્મિક ટ્રેનોને દૂરથી ઓળખી શકાશે કેમ કે, ટ્રેનના કોચનો બહારનો ભાગ ૧૨ જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય ધામો જગન્નાથપુરી, દ્વારકા, તિરુપતિ બાલાજી મંદિર અને બાપુના ગામના દ્રશ્યો થકી શણગારવામાં આવ્યા છે.


આ ટ્રેન ૧૨૦૦૦ કિલોમીટરની સફર કરીને ૧૦૦૮ યાત્રીઓને જ્યોતિર્લિંગો ઉપરાંત જગન્નાથ પુરી અને દ્વારકા તેમજ તિરુપતિ બાલાજી પણ લઈ જશે. ૧૮ દિવસ સુધી ચાલનારી આ કથાયાત્રા ૮ રાજ્યોમાંથી પસાર થઈને 8 ઓગસ્ટે બાપુના ગામ તલગાજરડા ખાતે સમાપન થશે. નાગેશ્વર જ્યોતિર્લિંગને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે જગ્યાઓ પર માન્યતા આપવામાં આવી છે, આ બંને જગ્યાએ બાપુ કથા કરશે. આ યાત્રા શરૂ થતા પહેલા શનિવારે કેદારનાથ ધામમાં ભીમશિલા પ્રાંગણમાં પ્રથમ દિવસની કથા સંભળાવી હતી. બાપુએ આ કથાને માનસ-૯૦૦ નામ આપ્યું છે.


શૈવ અને વૈષ્ણવોની વચ્ચે સમન્વયની આ અસાધારણ યાત્રા દરમિયાન મોરારી બાપુએ કેદારનાથમાં કથારસ કહેવાનો સિલસિલો શરૂ કર્યો છે, જેને આ યાત્રામાં દુનિયાભરમાંથી ભાગ લઈ રહેલા શ્રોતાઓ સમક્ષ મૂકશે. દરેક જ્યોતિર્લિંગના આંગણે બાપુ તેમના કથાત્મક સંવાદ દ્વારા ભગવાન રામ અને શિવની એકબીજા પ્રત્યેની વફાદારી અને પ્રેમ સંબંધની વાત કરશે.


ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમ ચંદ અગ્રવાલે જ્યોતિર્લિંગ રામ કથા ટ્રેનની યાત્રા વિશે પોતાની ખુશી વ્યક્ત કરતાં  જણાવ્યું હતું કે,' હું આ મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક આયોજનનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. જે અમારી સંસ્કૃતિની સમૃદ્ધ વિરાસતને યાત્રા સુવિધાની સાથે જોડવા જઈ રહી છે. આ યાત્રા ભક્તોને એક અદ્વિતીય અવસર પ્રદાન કરશે, જ્યાં તે ભારતની પવિત્ર ભૂમિની દિવ્યતાનો અનુભવ કરી શકશે.


આ પ્રસંગે ઋષિકેશ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અનિતા મામગાઈને જણાવ્યું હતું કે, "આ યાત્રાની શરૂઆત ઉત્તરાખંડ માટે ગર્વની ક્ષણ છે. અમને ગર્વ છે કે અમે બાપુની યજમાની કરી શક્યા અને જ્યોતિર્લિંગ રામ કથા ટ્રેન યાત્રાના માધ્યમથી  આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વિરાસતના સંગમના સાક્ષી બની શક્યા. આ તીર્થયાત્રા આપણાં આધ્યાત્મિક ભાવોને એક સુંદર અહેસાસ કરાવશે અને ઉતરાખંડને એક સુંદર પ્રવાસન રાજ્યના રૂપમાં  પ્રમોટ કરવામાં પણ મદદ કરશે.


જ્યોતિર્લિંગ રામ કથા યાત્રા અંગે મોરારી બાપુએ જણાવ્યું હતું કે, 'આ પવિત્ર યાત્રાના માધ્યમથી અમે ભારતને બે અલગ અલગ ધર્મ સંપ્રદાયોને એક જૂથ કરવા અને સનાતન ધર્મની સામૂહિક સમજને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીશું


આ કાર્યક્રમના મનોરથી બાપુના એક શ્રોતા અને રામકથા શ્રોતા ઇન્દોરના રૂપેશ વ્યાસ છે. તેમના આદેશ ટ્રસ્ટના સૌજન્યથી આ ટ્રેનને દૂરથી પણ ઓળખી શકાશે. કેમ કે આ ટ્રેન પર ૧૨ જ્યોતિર્લિંગ, તીન ધામ, તિરુપતિ બાલાજી, બાપુના પૈતૃક ગામની તસવીરો હશે. આ યાત્રા એવા સમયે શરૂ થઈ છે જ્યારે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. એટલા માટે ' આઝાદી કા અમૃત મહોત્સવ 'અને દેશના અનેક રાજ્યોની સંસ્કૃતિને જોડી રહી છે અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અભિયાનનો પણ એક ભાગ પણ બની ગઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application