જામજોધપુર-લાલપુરના ૧૨૦ ગામડાની મુલાકાત લઇ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવતા ધારાસભ્ય હેમંત ખવા

  • January 17, 2023 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૮૦-જામજોધપુર/લાલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ ખુબજ ટુંકા ગાળામાં સરપંચો, ગામના આગેવાનો, પદાધિકારીઓ અનેખાસ યુવાનો સાથે મીટીંગો યોજી ગામના પ્રશ્ર્નોની રજુઆત ઘ્યાને લઇ તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા રજુઆતો કરેલ છે, નવયુવાન ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ દરેક પ્રશ્ર્નો સબંધે જુદા જુદા અધિકારીઓ તથા કચેરીમાં મીટીંગો યોજી વહેલામાં વહેલી તકે પ્રશ્ર્નોનું નિરાકરણ થાય તે માટે વિભાગીય વડાઓને પણ પત્ર લખી જાણ કરેલ છે.


જામજોધપુર લાલપુરના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર હોય આ મુદે ધારાસભ્યએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી મત વિસ્તારના ખરાબ રસ્તાઓ બાબતે તાત્કાલીક યોગ્ય નિરાકરણ લઇ આવવા અને પાછલા ત્રણ-ચાર વર્ષો દરમ્યાન જામજોધપુર લાલપુર વિસ્તારને નવા રોડ-રસ્તા બનાવવામાં થયેલ અન્યાય બાબતે પણ રજુઆત કરી અને તાત્કાલીક ધોરણે નવા રોડ રસ્તા મુદે રજુઆત કરી.


પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના કાર્યાલયમાં મુલાકાત યોજી મત વિસ્તારના પાણી તથા સિંચાઇના પ્રશ્ર્નોની રજૂઆત કરી વહેલામાં વહલી તકે સોની યોજનાનું પાણી છોડવા બાબતે સુજલામ, સુફલામ યોજના અંતર્ગત વહેલામાં વહેલી તકે ખેડૂતોને માટી ઉપાડવાની છૂટ મળે એ સંદર્ભે રજૂઆત કરી.


લાલપુર સીએચસીની રૂબરૂ મુલાકાત લઇ ડોકટરો સાથે ખુટતી પાયાની સુવિધાઓ બાબતે ચર્ચા કરી ડીઝીટલ એક્સરે મશીન, ડાયાલીસીસ મશીનો તથા ઓક્સીઝન પ્લાન્ટનો લોડ ઉપાડી શકે તેવું મોટું જનરેટર તાત્કાલિક ફાળવવા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઇ પટેલને લેખિત તથા ટેલીફોનીક રજૂઆત કરી.


જામજોધપુર લાલપુર વિસ્તારની એસ.ટી. બસના રૂટ ચાલુ કરાવવા બાબતે નિયામક સાથે મીટીંગ યોજી વિદ્યાર્થીઓને તથા નાના ધંધાર્થીઓને સમયસર અપડાઉન કરી શકે તેવા સમય પત્રક સાથે નવા રૂટો ચાલુ કરવા તેમજ અમુક રૂટોના ટાઇમ ટેબલમાં ફેરફાર કરવા જરૂરી રજૂઆતો કરી, આભાર વિધિના કાર્યક્રમ સાથે સાથે નવ જેટલી પ્રાથમિક શાળાઓની મુલાકાત લઇ શિક્ષકો તથા વાલીઓ સાથે ચર્ચાઓ કરી શાળામાં ઘટતા ઓરડાઓ તથા શિક્ષકોની ઘટ બાબતે યોગ્ય કક્ષાએ રજૂઆતો કરી. છેલ્લા ઘણાં વર્ષોથી લાલપુરને ટ્રેનોના સ્ટોપ બાબતે જે રજૂઆત હતી તે બાબતે ડીવીઝનલ રેલ્વે મેનેજર ભાવનગરને રજૂઆત કરી અને જો આગામી ૧પ દિવસમાં ટ્રેનનો સ્ટોપ આપવામાં ના આવે તો ગાંધી ચીંઘ્યા માર્ગે આંદોલન કરીને પણ યોગ્ય કરાવવા તજવીજ કરી.


જામજોધપુર લાલપુર વિસ્તારના દર્દીઓને જી.જી. હોસ્પિટલ ખાતે સહાય માટે એક સહાયકની નિમણુંક કરી આ વિસ્તારના લોકોને સમયસર સારવાર તથા બ્લડ મળી રહે તે હેતુથી સહાયકનો મોબાઇલ નંબર દરેક ગ્રામજનોને આપેલ.


આમ નવનિયુક્ત ધારાસભ્યએ વહેલામાં વહેલી તકે જામજોધપુર લાલપુર વિસ્તારમાં લોકોની સુખાકારીના પ્રશ્ર્નોને યોગ્ય સ્તરે રજૂઆત કરી હલ કરવા કટીબઘ્ધ થયા છે. દર સોમવારે જામજોધપુર કાર્યાલય ખાતે અને દર ગુરૂવારે લાલપુર ખાતે તેમના કાર્યાલયે લોકોના પ્રશ્ર્નોની રજૂઆત સાંભળવા સવારે ૧૦ બપોરે ૩ વાગ્યા સુધી પોતે હાજર રહીને લોકોના પ્રશ્ર્નોને યોગ્ય નિરાકરણ કરવા પ્રયાસો કરી રહ્યા છે. એવું તેમની લાલપુર કાર્યાલયની યાદી જણાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application