રાત્રિના વંડી ટપી, ઘરમાં ઘૂસી સગીરાનું બાવડું પકડી અડપલાં

  • July 22, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સગીરાએ દેકારો કરતા તેનો ભાઈ અને પિતા દોડી આવ્યા: નરાધમને ઝડપી પોલીસના હવાલે કર્યો, રાજકોટ તાલુકાના વડાળી ગામનો બનાવ


રાજકોટ તાલુકાના વડાળી ગામ રાત્રિના સગીરા સાથે છેડતીનો બનાવ બન્યો છે.અહીં વડાળી ગામમાં રહેતા એક શખસે મકાનની વંડી ટપી સગીરાના ઘરમાં ઘૂસી તેણીનું બાવડું પકડી અડપલાં કર્યા હતા. દરમિયાન તેણીએ દેકારો કરતા તેનો ભાઈ અને પિતા દોડી આવ્યા હતા. તેમણે આ નરાધમને ઝડપી લઇ પોલીસના હવાલે કર્યો હતો.આ મામલે પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે છેડતી પોકસો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.




બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ તાલુકાના વડાળી ગામે રહેતા યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં વડાળીમાં જ રહેતા રોહિત સુખાભાઈ કોળીનું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 452, 354(ક) પોકસો અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.




ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ, ફરિયાદીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે જેમાં સગીરવયની પુત્રી વચેટ છે રાત્રીના 11:00 વાગ્યાના અરસામાં આરોપી રોહીત કોળી જે અહીં વડાળી ગામમાં જ રહેતો હોય તે વંડી ટપી ફરિયાદીના ઘરમાં ઘૂસ્યો હતો. બાદમાં તેણે દરવાજો ખખડાવતા રૂમમાં એકલી સુતેલી સગીરાએ પોતાનો ભાઈ કે પિતા હશે તેવું માની દરવાજો ખોલ્યો હતો. પરંતુ સામે રોહિતને જોતા તે ચોંકી ઉઠી હતી. દરમિયાન આ શખસે ઘરમાં પ્રવેશ કરી સગીરા કંઈ સમજે કંઈ બોલે તે પૂર્વે તેનું બાવડું પકડી લીધું હતું. બાદમાં તેની સાથે બીભત્સ અડપલા કર્યા હતા જેથી સગીરાએ દેકારો કરતા બાજુના રૂમમાં સૂતેલો તેનો ભાઈ અને તેના પિતા દોડી આવ્યા હતા. જેથી આરોપી રોહિત ભાગવાની કોશિશ કરી હતી પરંતુ તેમાં તે સફળ રહ્યો ન હતો પિતા પુત્ર એ તેને ઝડપી લઇ બાદમાં પોલીસને જાણ કરી હતી.



બનાવને લઈ આજીડેમ પોલીસનો સ્ટાફ ટાકીદે અહીં દોડી આવ્યો હતો અને તેઓએ સગીરાની છેડતી કરનાર આરોપી રોહિત કોળીની અટક કરી જરૂરી કાર્યવાહી કરી હતી. આ મામલે સગીરાના પિતાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ એ.સી.પી વી.એમ.રબારી ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application