સૌ.યુનિ.ના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણ વય મર્યાદાના કારણે દૂર

  • February 14, 2023 07:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવે માત્ર છ રહ્યા: તેમાં પણ ત્રણ તો સરકારની નિયુક્ત:50% જેટલા સભ્યોની જગ્યા ખાલી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય મહેશભાઈ ચૌહાણ વય મર્યાદાના કારણે દૂર થયા છે. યુનિવર્સિટીમાં 62 વર્ષથી વધુ વયના સિન્ડિકેટ સભ્ય તરીકે રહી શકતા નથી તેવી જોગવાઈ છે. આ જોગવાઈના ભાગરૂપે ગઈકાલ સાંજથી મહેશભાઈ ચૌહાણનું સિન્ડિકેટ સભ્યપદ સમાપ્ત થયું છે.



મહેશભાઈ ચૌહાણની નિમણૂક હજુ માત્ર દોઢ વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યોની ટર્મ ત્રણ વર્ષની હોય છે. તે મુજબ હજુ દોઢ વર્ષ બાકી હતું.



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 14 સિન્ડિકેટ સભ્યોનું સંખ્યાબળ માન્ય કરવામાં આવ્યું છે. પરંતુ તેમાંથી અત્યારે 50% કરતાં પણ ઓછા સિન્ડિકેટ સભ્યો રહ્યા છે. કુલપતિ ગીરીશભાઈ ભીમાણી સિન્ડિકેટ સભ્ય પણ છે. આ ઉપરાંત ધરમભાઈ કાંબલીયા રાજેશભાઈ કાલરીયા અનિરુદ્ધસિંહ પઢિયાર પાર્થિવ જોશી અને વિમલ પરમાર સિન્ડિકેટ સભ્ય તરીકે કાર્યરત છે. આ સિન્ડિકેટ સભ્યોમાં વિમલભાઈ પરમાર પાર્થિવ જોશી અને અનિરુદ્ધસિંહ પઢિયાર સરકાર નિયુક્ત છે. હાયર એજ્યુકેશન અને ટેકનીકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક એક અધિકારીઓ હોદ્દાની રૂએ સિન્ડિકેટ સભ્યપદ મેળવતા હોય છે. તેવી જ રીતે આરોગ્ય વિભાગના પણ એક પ્રતિનિધિનો સમાવેશ સિન્ડિકેટની બેઠકમાં કરવામાં આવતો હોય છે. પરંતુ આમાંથી કોઈ અધિકારી ભાગ્યે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને સિન્ડિકેટની બેઠકમાં જોવા મળતા હોય છે.


નેહલ શુક્લ, ભરત રામાનુજ, મેહુલ રૂપાણી, ભાવિન કોઠારી સહિત સાત સિન્ડિકેટ સભ્યો સેનેટની ચૂંટણી ન થવાના કારણે સિન્ડિકેટનું સભ્યપદ ગયા મે મહિનાથી ગુમાવી ચૂક્યા છે. એકેડેમીક કાઉન્સિલમાંથી સિન્ડિકેટમાં સ્થાન મેળવનાર કલાધર આર્યને થોડા સમય પહેલા જ સિન્ડિકેટ સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application