ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્સ એસોસિએશનનો PMને પત્ર , વાયદા બજારમાં મોટો વેપાર ગોઠવી પોતાની મનમાની મુજબ કેટલાક માથાઓ બજારો ચલાવે છે : સમીર શાહ

  • February 21, 2023 10:27 PM 

પ્રતિબંધ હોવા છતાં અમુક મોટાઓ માથાઓ દ્વારા મગફળીનો વાયદાનો વેપાર શરૂ કરવા તજવીજ

ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડસ એસોસિયેશનની વડાપ્રધાનને રજૂઆત




ખાદ્યતેલ, તેલીબીયા સહિતની ચીજ વસ્તુઓના વાયદાના વેપાર પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં અમુક મોટાઓ માથાઓ એક સાથે મળીને વાયદાના સોદાઓ કરતા હોવાની ચોકાવનારી રજૂઆત ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીટ્સ એસોસિયેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ કરવામાં આવી છે.



સંગઠનના પ્રમુખ સમીરભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હવે આવા મોટા માથાઓ તેના વાયદાના વેપારમાં મગફળીનો વાયદો પણ શરૂ કરવા માટે તજવીજ કરી રહ્યા છે.



આ પ્રકારની પ્રવૃત્તિનો વિરોધ કરતા એસોસિએશનને જણાવ્યું છે કે આવા વાયદાઓ બિલકુલ તંદુરસ્ત નથી. કારણ કે તેમાં માલની લેવડદેવડ થતી નથી અને માત્ર સેબીના નોમ્સ પૂરા કરવા અંદરો અંદર કાગળ પર ડિલિવરી થઈ ગયાનું દર્શાવે છે.



ઘણી વખત તો કોઈ કોમોડિટીનો પુરા દેશનો પાક હોય તેના કરતાં અનેક ગણી વધારે વધઘટ આવા વાયદાના વેપારમાં થતી હોય છે અને તેના કારણે બજારને એક ચોક્કસ દિશામાં દોરી જવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે.



ફ્યુચર ટ્રેડના પ્લેટફોર્મ પર જો મગફળીનો વેપાર ચાલુ થશે તો તેની ગંભીર વિપરીત થશે. ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં જ મગફળીનું ઉત્પાદન થતું હોય છે. આમાં જો વાયદા બજાર શરૂ થશે તો રોજેરોજની મોટી ઉથલપાથલને કારણે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને અને ગ્રાહકોને ભોગવવાનું આવશે.



કૃષિ કોમોડિટીમા વાયદાનો વેપાર જરૂરી છે કે નહીં તે માટે સંશોધન કરવા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે એક કમિટીની રચના કરી હતી અને તેમાં તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કમિટીએ એવું તારણ વ્યક્ત કર્યું હતું કે કૃષિ વાયદાના વેપાર સદંતર બિનજરૂરી છે.


સ્ટેટ એડિબલ એસોસિએશન આ પત્રની નકલ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ને પણ મોકલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application