ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઝંપલાવી શકે છે લેબનોન, સીરિયા અને ઈરાન

  • October 12, 2023 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સીરિયાથી પણ હુમલાની શરૂઆત, ઈરાન અને લેબનોનનું હમાસને ખુલ્લું સમર્થન
​​​​​​​ઇઝરાયલના પક્ષમાં સાથે ઉભા યુરોપ અને એશિયાના મોટા દેશ



હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. ઈઝરાયલની મદદ માટે આગળ આવતા અમેરિકાએ ખતરનાક હથિયારો અને દારૂગોળાથી સજ્જ વિમાન ઈઝરાયલને મોકલ્યા છે. અહેવાલ અનુસાર, અમેરિકન સશસ્ત્ર વિમાને મંગળવારે ત્યાંથી ઉડાન ભરી હતી અને મોડી રાત્રે ઇઝરાયેલના નેબાટીમ એર બેઝ પર પહોંચ્યું હતું. આ સાથે જ લેબનોન-સીરિયા તરફથી ઈઝરાયેલ પર રોકેટ હુમલા અને ઈરાક-યમન તરફથી હમાસ સાથે યુદ્ધમાં સામેલ થવાની ધમકીઓના કારણે વિશ્વભરમાં તણાવ છે. એક રિપોર્ટ અનુસાર યુએઇએ સીરિયાને ચેતવણી આપી છે કે તે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સામેલ ન થાય. પણ ઇઝરાયેલની સેના આઈડીએફએ પણ કહ્યું છે કે ઇઝરાયેલના વિસ્તારમાં છોડવામાં આવેલા કેટલાક રોકેટની ઓળખ સીરિયન રોકેટ તરીકે કરવામાં આવી છે. આ ઉપરાંત લેબનોને ઇઝરાયેલના પ્રદેશ એવિવિમ નજીક એક સૈન્ય વાહન તરફ એન્ટિ-ટેન્ક મિસાઇલ છોડ્યું છે.


હમાસે શનિવારે ઈઝરાયેલના વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી અને ૨૦ મિનિટની અંદર પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની સ્થિતિ જાહેર કરી દીધી છે. ઇઝરાયેલની સેના ગાઝા પટ્ટી અને હમાસના સ્થાનો પર ભારે બોમ્બમારો કરી રહી છે. ઈઝરાયેલે પણ ત્રણ લાખથી વધુ રિઝર્વ સૈનિકોને પાછા બોલાવ્યા છે.



ઈઝરાયેલના દુશ્મનો સાથે મળીને કરી રહ્યા છે હુમલો

આ પહેલા પણ લેબનોન અને સીરિયા સમયાંતરે હમાસને મદદ કરતા રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આતંકી સંગઠન હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. મે ૨૦૨૧ માં થયેલા સંઘર્ષમાં, ઇઝરાયેલ પર લેબનોન, સીરિયા અને ઇરાક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં પણ લેબનોને ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. જો કે, અત્યાર સુધી ઈઝરાયેલના ઉત્તરીય ક્ષેત્રમાં નાના-મોટા હુમલાઓ થઈ રહ્યા છે. પરંતુ વર્તમાન સંઘર્ષ પણ ૨૦૦૬માં થયેલા યુદ્ધ જેવો છે. જે ફરી એકવાર મધ્ય પૂર્વને યુદ્ધમાં ધકેલી શકે છે.


ઈરાને ખુલ્લેઆમ હમાસને પોતાનું સમર્થન જાહેર કરી રહ્યું છે. આ સિવાય યમનમાં રહેતા ઈરાન સમર્થિત હુથી જૂથે પણ ચેતવણી આપી છે કે તે પણ ઈઝરાયેલ વિરુદ્ધ આ યુદ્ધમાં સામેલ થઈ શકે છે. અહેવાલ અનુસાર, યમનના હુતી નેતા અબ્દેલ-મલેક અલ-હુથીએ મંગળવારે કહ્યું કે જો અમેરિકા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હસ્તક્ષેપ કરશે તો હુતી પણ ડ્રોન અને મિસાઈલથી જવાબ આપશે.


આ ઉપરાંત ઈરાકના ઈરાન સમર્થિત બદર સંગઠને પણ ઈઝરાયેલને ધમકી આપી છે. બદર ગ્રુપ વતી હાદી અલ-અમીરીએ કહ્યું છે કે જો અમેરિકા પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હસ્તક્ષેપ કરશે તો અમે પણ હસ્તક્ષેપ કરીશું. આ પહેલા પણ આતંકી સંગઠન અસૈબ અહલ અલ-હકે ઈઝરાયેલને ધમકી આપી હતી.




અમેરિકાએ હથિયારોથી સજ્જ વિમાન મોકલ્યું, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાનું પણ ઇઝરાયલને સમર્થન


ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના જણાવ્યા અનુસાર અમેરિકન હથિયારોથી સજ્જ વિમાન મંગળવારે મોડી રાત્રે ઇઝરાયેલના નેબાટીમ એર બેઝ પર પહોંચ્યું હતું. અમેરિકનો દ્વારા મોકલવામાં આવેલા શસ્ત્રો. તેમાં નેવીનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ, સપોર્ટ એરક્રાફ્ટની ૮સ્ક્વોડ્રન અને ટિકોન્ડેરોગા ક્લાસ ગાઇડેડ મિસાઇલ ક્રુઝર યુએસએસ નોર્મેન્ડી (સીજી ૬૦), મિસાઇલ ડિસ્ટ્રોયર યુએસએસ થોમસ હડનર (ડીડીજી ૧૧૬), યુએસએસ રામેજ (ડીડીજી ૬૧), યુએસએસ કાર્ને (ડીડીજી ૬૪), અને યુએસએસ રૂઝવેલ્ટનો પણ સમાવેશ થાય છે. અમેરિકાની જેમ બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ ઈઝરાયેલને જોરદાર સમર્થન આપી રહ્યા છે. યુરોપના શક્તિશાળી દેશોએ પણ કહ્યું છે કે તેઓ ઇઝરાયલના સ્વરક્ષણના અધિકાર પર ભાર મૂકતા તેની સાથે ઉભા રહેશે.


આવી સ્થિતિમાં આ ડર વધી ગયો છે કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ મોટા યુદ્ધનું રૂપ લઈ શકે છે અને પહેલાથી જ રશિયા-યુક્રેન યુદ્ધનો માર સહન કરી રહેલી દુનિયાની સમસ્યાઓ વધુ વધી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application