સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રારંભ: રાજનાથના હસ્તે ઉદ્ઘાટન

  • April 17, 2023 02:20 PM 

ઉજવણી સદીઓના સંબંધની’ શીર્ષક અંતર્ગત આજથી સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રારંભ થયો છે. આગામી તારીખ ૩૦ સુધી તે ચાલશે. આજે સવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.


સોમનાથ મંદિર નજીકના સમુદ્ર દર્શન પથ પાસેના મેદાનમાં આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ, આરોગ્ય વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, જુનાગઢના સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, અધિકારીઓમાં રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, પ્રવાસન વિભાગના સચિવ હારિત શુકલા, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર હર્ષદકુમાર પટેલ, ટુરિઝમ ડિપાર્ટમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સૌરભ પારધી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.


તામિલનાડુથી ખાસ વિમાનમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ (મદુરાઈ)ના પ્રતિનિધિઓ ગઈકાલે સાંજે પ્લેનમાં રાજકોટ આવી પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ પર મેયર પ્રદીપભાઈ ડવ સહિતનાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. બીજો એક કાફલો ટ્રેન મારફત આવી પહોંચ્યો હતો અને ગઈકાલે રાજકોટ ખાતે જ્યારે આ ટ્રેન પહોંચી ત્યારે મેયર ઉપરાંત ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી વગેરેએ તેમનું ઢોલ નગારા અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું.


તામિલનાડુથી આવેલા આ લોકોને ભાષાના કે તેવા કોઈ પ્રશ્ન ન ઉભા થાય તે માટે દુભાષિયાઓની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમિલ સંગમ કાર્યક્રમમાં આવેલા મૂળ સૌરાષ્ટ્રના અને હાલ તામિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને પોરબંદર દ્વારકા રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ લઈ જવામાં આવશે.તમિલ સંગમ કાર્યક્રમમાં કલા, સંસ્કૃતિ, યુવા, શિક્ષણ, વાણિજ્ય અને ઉદ્યોગ વગેરેના જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


કાલથી તારીખ ૨૫ સુધી ૧૭ મંત્રીઓ આવશે: પ્રવાસ કાર્યક્રમ જાહેર
આજથી શરૂ થયેલા તમિલ સંગમ કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આવતીકાલથી તારીખ ૨૫ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના ૧૭ મંત્રીઓનો પ્રવાસ કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે કેન્દ્રીય મંત્રી હરદીપસિંગ પુરી અને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, તારીખ ૧૯ ના ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડીંડોર, તારીખ ૨૦ ના કેન્દ્રીય મંત્રી ડોક્ટર ભારતી પ્રવિણ પવાર અને ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્મા, તારીખ ૨૧ ના કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ અને જી. કિશન રેડી ઉપરાંત ગુજરાતના મંત્રીઓ બળવંતસિંહ રાજપુત અને મુળુભાઈ બેરાનો પ્રવાસ કાર્યક્રમ નક્કી કરાયો છે. તારીખ ૨૨ ના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઝુબીન ઈરાની અને ગુજરાતના મંત્રી ભાનુબેન બાબરીયા, તારીખ ૨૩ ના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ગુજરાતના મંત્રી પ્રફુલ પાનસેરીયા, તારીખ ૨૪ ના કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવશે. તારીખ ૨૫ ના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને ગુજરાતના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો પ્રવાસ કાર્યક્રમ ફાઈનલ કરવામાં આવ્યો છે.

રેત શિલ્પ કલાકારોએ કરી જમાવટ...
સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે કાર્યક્રમના ભાગરૂપે સોમનાથ ચોપાટી પર રેતી શિલ્પ દ્વારા દ્વારકાના કલાકારોએ વડાપ્રધાન મોદીનું શિલ્પ રેતીમાં કંડારીને સમગ્ર કાર્યક્રમનું આયોજન અને તેની સફળતા માટે નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો છે. દ્વારકાના આ બંને રેત શિલ્પ કલાકારો મુકબધીર છે.તેમ છતાં તેમણે તેની કલાના માધ્યમથી શિલ્પ સ્થાપત્યમાં આબેહૂબ કલાકારીનો નમુનો પૂરો પાડ્યો છે. પાછલા બે દિવસથી સમગ્ર રાજ્યના ૧૫ જેટલા કલાકારો રેત શિલ્પ બનાવવાને લઈને ખૂબ જ મહેનત કરી રહ્યા છે.સોમનાથને આંગણે મહાદેવની હાજરીમાં અને એક હજાર વર્ષ પછી જ્યારે બે સંસ્કૃતિના પુન:મિલનની જે ઘડી જોવા મળે છે. તેમાં રેત શિલ્પ કલાકાર તરીકે પ્રથમ વખત મહિલા કલાકારોને પણ સામેલ કરાયા છે.બીજી બાજુ ૯૦ જેટલા ચિત્રકારોએ ભીતિ ચિત્રો બનાવીને સૌરાષ્ટ્ર અને તામિલની સંસ્કૃતિને ઉજાગર કરી છે.

સમાપનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજર રહેશે
અગાઉ આ કાર્યક્રમનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના હતા પરંતુ વિદેશી મહેમાનો આવવાના કારણે આ કાર્યક્રમ કેટલી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો. હવે તેઓ સમાપન સમારોહમાં હાજરી આપશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા તામિલનાડુથી સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયના લોકો ટ્રેન મારફ્ત ગુજરાત આવી રહ્યા છે. પહેલી ટ્રેન રવિવારે ગુજરાત આવી પહોંચી હતી. હવે રોજેરોજ અંદાજે ૨૫૦ થી ૩૦૦ વ્યક્તિની બેચ સાથે એક વિશેષ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવવા રવાના થશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application