પેલેસ રોડ-રેલનગરમાં રૂ.૩૩ કરોડની જમીન ખુલી કરાઇ

  • April 20, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ ચાર્જ સંભાળ્યા પછીનું પહેલું ડિમોલિશન

રેલનગરમાં ટીપી સ્કિમ નં.૧૯ અને ૨૩ના કોમર્શિયલ સહિતના રિઝર્વ હેતુના પ્લોટ્સમાં થયેલા ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળ્યું; ૬૬૫૬ ચોરસ મીટર જમીન દબાણમુક્ત: પેલેસ રોડ ઉપર સિટી સેન્ટર બિલ્ડીંગના માર્જિનમાં કરાયેલું દબાણ તોડી પડાયું


રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે આનંદ બી. પટેલએ ચાર્જ સંભળ્યા પછી આજે તેમના કાર્યકાળનું સૌપ્રથમ ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પેલેસ રોડ અને રેલનગર વિસ્તારમાંથી દબાણો દૂર કરીને કુલ રૂ.૩૩ કરોડની જમીન ખુલી કરાવવામાં આવી હતી.




વિશેષમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સૂચના તથા મ્યુનિ.ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ



મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.૨૩ (રાજકોટ), એફ.પી.નં. ૪/એ (એસઇડબ્લ્યુએસ હેતુ) તથા ટી.પી. સ્કીમ નં.૧૯ (રાજકોટ), એફ.પી.નં. ૨૧/બી (વાણીજ્ય વેચાણ હેતુ)ના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરી અંદાજે રૂ.૩૩ કરોડની કિંમતની ૬૬૫૬ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીપી સ્કિમોના રિઝર્વ હેતુના પ્લોટસનું સમયાંતરે ચેકિંગ કરાતું હોય છે જે દરમિયાન રેલનગરના ઉપરોક્ત પ્લોટ્સમાં દબાણો થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું.




સૂત્રોએ ઉમેર્યું હતું કે તદ્દઉપરાંત વોર્ડ નં.૭ માં પેલેસ રોડ પર સીટી સેન્ટર બિલ્ડીંગમાં આસામી વત્સલભાઈ રજનીકાંત ધાણક દ્વારા માર્જીનની જગ્યામાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવ્યુ હતું, અહીં કોમ્પ્લેક્સના માર્જિનમાં ગેરકાયદેસર રીતે યુરિનલ બનાવવામાં આવી હતી જેના લીધે સ્થાનિકોને મુશ્કેલી થતી હોવાની ફરિયાદના અનુસંધાને કાર્યવાહી કરાઇ હતી.




આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, જગ્યા રોકાણ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ પોલીસ બ્રાન્ચના જવાનો સ્થળ ઉપર બંદોબસ્તમાં તૈનાત રહ્યા હતા.




અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશન હાથ ધરીને દબાણોનો સફાયો બોલાવવા માટેનું પ્લાનિંગ તૈયાર થઈ રહ્યું છે.




હાલમાં ઇમ્પેક્ટ ફીની સ્કિમ અંતર્ગત વિવિધ અનિયમિત બાંધકામો નિયમિત કરવા માટેની અરજીઓ આવી રહી છે તે સાથે જ શહેરમાં નવા ગેરકાયદે બાંધકામો ન થઈ જાય તેના ઉપર વોચ રાખવામાં આવી રહી હોવાનું ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું.



મહત્વપૂર્ણ છે કે અગાઉ એકાદ બે વખત વેંચાણ હેતુના પ્લોટસની જાહેર હરરાજીની તારીખો જાહેર કરાયા બાદ હરરાજી રદ કરવામાં આવી હતી, દરમિયાન હવે ચાલુ વર્ષમાં જ્યાં સુધી અત્યંત જરૂરી ન જણાતું હોય ત્યાં સુધી જમીન વેંચાણ નહીં કરવા પણ આંતરિક નિર્ણય લેવાયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે. જ્યારે ડિમોલિશનમાં વેંચાણ પાત્ર હેતુના પ્લોટસમાં થયેલા દબાણોને ટોપ પ્રયોરિટીમાં દૂર કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application