કોહલી-ડુપ્લેસિસે ઉડાવ્યા MI બોલર્સના હોશ, RCBએ મુંબઈને 8 વિકેટે હરાવ્યું

  • April 03, 2023 12:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની 5મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.


આ મેચમાં RCBની ટીમને 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 148 રનની ભાગીદારી કરી હતી. આરસીબીની ટીમે આ લક્ષ્યાંક 16.2 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાંસલ કર્યો હતો, જેમાં કોહલીએ અણનમ 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

172 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની ઇનિંગ્સ શરૂ કરવાની જવાબદારી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ સંભાળી હતી. બંનેએ સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં ટીમનો સ્કોર 53 રન સુધી પહોંચાડ્યો હતો. આ પછી ડુ પ્લેસિસ અને કોહલીએ પોતાની આક્રમક શૈલી ચાલુ રાખતા ઝડપી ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું.

કોહલી અને ડુ પ્લેસિસની જોડીએ 11મી ઓવરમાં જ ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો. ફાફ ડુ પ્લેસિસે આ મેચમાં માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, જ્યારે કોહલીએ પણ અડધી સદીની ઇનિંગ સાથે સિઝનની શરૂઆત કરી હતી અને 38 બોલમાં 50 રનનો આંકડો પૂરો કર્યો હતો. 

આ મેચમાં RCB ટીમને 148 રનના સ્કોર પર પહેલો ફટકો ફાફ ડુ પ્લેસિસના રૂપમાં લાગ્યો હતો, જે 43 બોલમાં 73 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા હતા.


આ મેચમાં આરસીબીની ટીમે 2 વિકેટના નુકસાને 16.2 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ આ મેચમાં વાપસી કરીને 49 બોલમાં 82 રનની શાનદાર અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. મુંબઈ તરફથી બોલિંગમાં અરશદ ખાન અને કેમરન ગ્રીને 1-1 વિકેટ લીધી હતી.


આ મેચમાં RCBની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે માત્ર 20ના સ્કોર સુધી પોતાની 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી યુવા ડાબોડી બેટ્સમેન તિલક વર્માએ ઇનિંગ્સ સંભાળી રનની ગતિ જાળવી રાખીને ટીમને ફાઇટીંગ સ્કોર સુધી લઇ જવાનું કામ કર્યું. તિલક વર્માના બેટમાં 46 બોલમાં 84 રનની શાનદાર અણનમ ઇનિંગ જોવા મળી હતી, જેના કારણે મુંબઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. આરસીબી તરફથી બોલિંગમાં કર્ણ શર્માએ 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application