કેકેવી બ્રિજ: મ્યુનિ.ઇજનેરોએ ભાંગરો વાટયો

  • July 12, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુનિ.ઇજનેરોને ખબર નથી શહેરમાં કયો રસ્તો કઇ તરફ આવે, જોડણી ભૂલ વિના મહાનગરપાલિકા શબ્દ લખતા પણ આવડતું નથી !!

કાલાવડ રોડ ઉપર પ્રિન્સેસ સ્કૂલ પાસે બ્રિજના છેડે મુકેલા તોતિંગ સાઇન બોર્ડમાં માધાપર ચોકડીને બિગ બજાર તરફ દર્શાવતો એરો મુક્યો: બ્રિજ ઉપર રંગરોગાન, બ્રિજના રોડ ઉપર થર્મોપ્લાસ્ટ બેલ્ટનું પેઇન્ટિંગ, કેટ આઇ રીફલેક્ટરનું ફિટિંગ હજુ ચાલુ છે છતાં કામ પૂર્ણ થયાનું જાહેર કર્યું !




રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના કાલાવડ રોડ ઉપરની ટ્રાફિક સમસ્યા હલ કરવા કેકેવી ચોકમાં રૂ.૧૨૯ કરોડના ખર્ચે નિર્મિત મલ્ટી લેવલ ફ્લાય ઓવર બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયાનું જાહેર કરાયું છે પરંતુ હજુ રંગરોગાન ચાલુ હોવાનું ત્યાંથી પસાર થતા લાખો વાહનચાલકો દરરોજ નજરે નિહાળે છે. બ્રિજ ઉપર થમોપ્લાસ્ટ બેલ્ટ તેમજ કેટ આઇ રીફલેક્ટર મુકવાની કામગીરી પણ હજુ ચાલી રહી છે. દરમિયાન તાજેતરમાં બ્રિજના છેડે મુકેલા ગેન્ટ્રી બોર્ડ જેવા સાઇન બોર્ડમાં રસ્તા અંગેના દિશા નિર્દેશ ખોટા આપીને મહાપાલિકાના ઇજનેરોએ વધુ એક ભાંગરો વાટયો છે.





દરમિયાન આજે કેકેવી બ્રિજનું લોકાર્પણ ક્યારે થશે તે અંગે મ્યુનિ.કમિશનરનો રૂબરૂ સંપર્ક કરવા પ્રયાસ કરતા તેઓ કમિશનર બ્રાન્ચના કોન્ફરન્સ રૂમમાં ઇજનરો સાથે મિટિંગમાં વ્યસ્ત હતા અને મિટિંગ ખૂબ લાંબી ચાલી હતી.





કાલાવડ રોડ ઉપર કોટેચા ચોક તરફથી કેકેવી ચોક તરફ જતા પ્રિન્સેસ સ્કૂલ પાસેના બ્રિજના છેડે મુકેલા સાઇન બોર્ડમાં માધાપર ચોકડી બીગબજાર તરફ આવી હોવાનું દર્શાવાયું છે !! ખરેખર એ દિશામાં જવાથી ગોંડલ ચોકડી આવે છે. સાથે સાથે ન્યુ ૧૫૦ ફૂટ રિંગ રોડ અને મેટોળા જીઆઇડીસી તરફ જવાના એરો દર્શાવાયા છે પરંતુ કોઈને ૧૫૦ ફૂટ રિંગ રોડ (બીઆરટીએસ રૂટ) ઉપર જવું હોય તો ક્યાંથી જવું તે દર્શાવવામાં જ આવ્યું નથી.





અહીં સો મણનો સવાલ એ છે કે સાઇન બોર્ડમાં ખોટું દિશા સૂચન કરવાથી લાખો વાહનચાલકો ગેરમાર્ગે દોરાશે તેની જરા પણ ચિંતા કરવામાં આવી નથી. શું ખુદ મહાપાલિકાના ઇજનેરોને જ ખબર નહીં હોય કે કયો રસ્તો ક્યાં આવ્યો કે પછી સાઇનબોર્ડ બન્યા પછી કોઈ વાંચતુ જ નહીં હોય ?





મહાપાલિકામાંથી જે કોઈએ આ ભૂલ કરી હોય તેને દંડ થવો જોઈએ અને તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવવા જોઇએ તેમજ જવાબદાર વ્યક્તિના ખર્ચે આ ભૂલ સુધારણા થવી જોઈએ. સૌથી મહત્વની વાત તો એ છે કે મ્યુનિ.ઇજનેરો જે સંસ્થામાં નોકરી કરે છે અને તગડો પગાર મેળવે છે તે સંસ્થાનું નામ પણ તેમને માતૃભાષા ગુજરાતીમાં જોડણી ભૂલ વિના લખતા આવડતું નથી.



રાત્રે અનેક શહેરીજનોની બ્રિજ ઉપર અવર જવર થવા લાગી

રાજકોટવાસીઓ કેકેવી ઓવરબ્રિજ કેવો બન્યો છે તે નિહાળવા આતુર બન્યા છે આથી રાત્રીના સમયે બેરીકેડ દૂર કરી અનેક વાહનચાલકો ખાસ કરીને ટુ વહીલર ચાલકો બ્રિજ ઉપર રાઈડ લેવાની મોજ માણવા લાગ્યા છે. ધોળે દિવસે પણ બ્રિજ ઉપર બેરોકટોક વાહનો દોડી રહ્યા છે.




હવે લોકાર્પણ નહીં કરાય તો જનતા લોકાર્પણ થઈ જશે !

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જો હવે કેકેવી બ્રિજનું લોકાર્પણ કરવામાં નહીં આવે તો જનતા લોકાર્પણ થઇ જાય તેવી શકયતા નકારી શકાતી નથી કેમકે હવે રાજકોટવાસીઓની ધીરજની હદ આવી ગઈ છે.


બ્રિજ નીચેનું ડિવાઇડર બંધ કરતા હવે નીચે ટ્રાફિક જામ થવા લાગશે

કેકેવી ઓવરબ્રિજ પ્રોજેક્ટના કામે ઇજનેરોએ સેન્ટ મેરીઝ સ્કૂલ અને વોકહાર્ટ હોસ્પિટલની બરાબર વચ્ચે આવેલું ૩૦ વર્ષ જૂનું રોડ ડિવાઇડર બંધ કરી દીધું છે જેના લીધે હવે બ્રિજની નીચે હલથી જ ટ્રાફિક જામ થવા લાગ્યો છે હવે બ્રિજનું લોકાર્પણ થયા આ સમસ્યા વધુ વકરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application