PMOના નકલી અધિકારી બની રોફ જમાવતો કિરણ પટેલ કાશ્મીરમાંથી ઝડપાયો

  • March 17, 2023 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લીધી હતી



જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં એક મોટી કાર્યવાહી કરી એક હાઈપ્રોફાઈલ કેસમાં ગુજરાતના કિરણ પટેલની ધરપકડ કરી છે. માહિતી મુજબ ધરપકડ કરાયેલ કિરણ પટેલ નામના વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો.


જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. શ્રીનગરની એક સ્થાનિક કોર્ટે કિરણને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. આ વ્યક્તિ પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તેઓ પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતા હતા.


રિપોર્ટ્સ અનુસાર કિરણ પટેલ હોટલ લલિતના રૂમ નંબર 1107માં રહેતો હતો. તેમણે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં સ્થિત દૂધપથરી સહિત કાશ્મીરના ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પટેલની સાથે એસડીએમ રેન્કના અધિકારી પણ હતા. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ જગદીશ પટેલના પુત્ર કિરણ પટેલ તરીકે થઈ હતી. વર્ષ 2023ની FIR નંબર 19 નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, 02-03-2023ના રોજ પોલીસ સ્ટેશન નિશાતને મળેલી વિશ્વસનીય બાતમી પરથી જાણવા મળ્યું છે કે, છેતરપિંડી કરનાર ગુજરાતનો કિરણભાઈ પટેલ છે.


કિરણ ભાઈ પટેલ પર આરોપ છે કે, તેણે છેતરપિંડીનો આશરો લઈને લોકોને છેતર્યા છે. તે જોતા કિરણ વિરુદ્ધ આઈપીસીની કલમ 419, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.


કિરણ પટેલ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયા હતા. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.



નોંધનીય છે કે, ઠગે પોતાના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે, તેણે પીએચડી કર્યું છે. જોકે પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરની પ્રથમ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગ પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીર પ્રવાસના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેમની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે.



અહેવાલ મુજબ કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાના માર્ગો પર અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. તેમણે દૂધપથરીને પ્રવાસન સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. આ પછી જ તેના પર કડક નજર રાખવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી.


જમ્મૂ કશ્મીર પોલીસે PMOના અધિકારી તરીકેની ઓળખ આપનાર ગુજરાતી કિરણ પટેલની 3 માર્ચના રોજ ધરપકડ કરી હતી. જે બાદમાં પોલીસે IPC કલમ 419/420/468/471 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે, આજે કિરણ પટેલની પોલીસ કસ્ટડી થઈ પૂર્ણ રહીં છે. નોંધનીય છે કે, જમ્મૂ કશ્મીરની CID વિંગે જમ્મૂ કશ્મીર પોલીસને ઈનપુટ આપ્યા હતા. જે બાદમાં કિરણ પટેલની ધરપકડ કરાયા બાદ હવે કિરણ પટેલને 17 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયો છે.


હાઈપ્રોફાઈલ કેસમાં અનેક વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. કિરણ પટેલે પુલવામા, બારામુલ્લા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. મ્હાતવનું છે કે, કિરણ પટેલને Z+ સુરક્ષા, બુલેટપ્રુફ SUV સહિતની સવલતો અપાઈ હતી. ઠગ કિરણ પટેલે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી જમ્મૂ કશ્મીરમાં સવલતોનો લાભ ઉઠાવ્યો હતો. આ તરફ સૂત્રો મુજબ કિરણ પટેલ સેનાની કમાન પોસ્ટ સુધી ગયો હોવાની પણ માહિતી સામે આવી છે. આ સાથે હવે ઠગ કિરણ પટેલના મામલામાં 2 અધિકારીઓ પર કાર્યવાહી થઈ શકે છે. સમગ્ર મામલે પુલવામાં ડે.કમિશનર બસીર ઉલ હક્ક અને પોલીસ સુપ્રિટેન્ડન્ટ ઝુલ્ફકાર આઝાદની પણ પૂછપરછ થઈ રહી છે. આ તરફ હવે ગુજરાત પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application