ખંભાળિયા પાલિકાની સામાન્ય સભા: ચાલીસ જેટલા તોતિંગ ઠરાવ પર મંજૂરીની મહોર

  • October 10, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયા નગરપાલિકાના નવા વરાયેલા હોદ્દેદારો સાથેની પ્રથમ જનરલ બોર્ડ ગઈકાલે સોમવારે સાંજે પાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી આ સામાન્ય સભામાં ભાજપના ૨૬ પૈકી ચાર સભ્યો સોનલબેન વાનરિયા, હીનાબેન આચાર્ય, રશ્મિબેન ગોકાણી તેમજ મહેશ રાડિયા ઉપરાંત કોંગ્રેસના લાખીબેન પતાણી તેમજ બ.સ.પા.ના ઝાહીરાબેન પરિયાણી ગેરહાજર રહ્યા હતા.



નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અમિતકુમાર પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ જનરલ બોર્ડમાં એજન્ડામાં દર્શાવવામાં આવેલા ઠરાવ જેવા કે  નગરપાલિકા વિસ્તારમાં આવેલી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલા ઈસમો પાસેથી હાઉસ ટેક્સ વસૂલ કરવા, ઘી નદી પર રિવરફ્રન્ટ બનાવવા, ખંભાળિયા નગરપાલિકા વિસ્તારને લગત આવેલી ગ્રામ પંચાયતોને નગરપાલિકામાં ભેળવવા, હાઇડ્રોલિક ટાવર લોડર અને જનરેટર સેટ વાહન ખરીદવા, નાણાપંચની ગ્રાન્ટમાંથી જેસીબી ખરીદવા, અવસાન પામેલા કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા, પાલિકા સંચાલિત શેઠ દા.સુ. ગર્લ્સ સ્કૂલના નવા ટ્રસ્ટી મંડળની નિમણુક કરવા, આ શાળાને ભાડામાંથી મુક્તિ અપાવવા, ઘી નદીમાં આવેલી ગાંડી વેલ દૂર કરવા, સીસીટીવી કેમેરા તેમજ સી.સી. ટીવી તેમજ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા, સહીતના ૪૦ જેટલા ઠરાવો મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


આ બેઠકમાં શહેર ભા.જ.પ. પ્રમુખ અનિલભાઈ તન્ના સાથે શહેર પ્રભારી ગીતાબા જાડેજા, શહેર મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પીયુષભાઈ કણઝારીયા ખાસ ઉપસ્થિત રહેલ હતા. પાલિકાના કારોબારી ચેરમેન તરીકે રેખાબેન જટાશંકર ખેતીયાની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી.ભાજપના સભ્યોની સ્પષ્ટ બહુમતી ધરાવતી નગરપાલિકામાં અગાઉથી જ સંકલન થઈ ગયું હોવાથી વધુ એક વખત રાબેતા મુજબ જનરલ બોર્ડની બેઠક કોઈ પ્રકારના વાદ વિવાદ વગર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ મીટીંગનું સંચાલન રાજુભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application