NIAની વોન્ટેડ લિસ્ટમાં સામેલ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા

  • June 19, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ગુરુદ્વારાની બહાર તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ટાર્ગેટ શૂટિંગમાં ખાલિસ્તાની સમર્થક નિજ્જરને ઘણી વખત ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતું. હરદીપ સિંહ નિજ્જર ભારતીય એજન્સીઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ હતો. ભારતમાં હિંસા અને અપરાધના ઘણા મામલામાં તેનું નામ સામે આવ્યું હતું, ત્યારબાદ તેને વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં મૂકવામાં આવ્યો હતો.


ભારત સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી યાદીમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું, જેમાં અન્ય 40 આતંકવાદીઓના નામ પણ સામેલ હતા. નિજ્જર પર ગયા વર્ષે એટલે કે 2022માં પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આ હત્યાકાંડ બાદ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)એ આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપ્યો હતો. નિજ્જર આ સંસ્થાનો વડા હતો.


નિજ્જર પર ભારતમાં અન્ય વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો પણ આરોપ હતો. NIA તેની સામે આતંકવાદી ગતિવિધિઓ માટે પણ તપાસ કરી રહી હતી. જોકે હવે તે ગોળીબારમાં માર્યો ગયો છે. આ હત્યા કોણે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. કેનેડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.


ભારતીય એજન્સીઓ ખાલિસ્તાની ચળવળ પર સતત કામ કરી રહી છે, તાજેતરમાં વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ અને તેના તમામ સમર્થકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કેનેડા અને અન્ય દેશોમાંથી કામ કરી રહેલા ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં જ અમૃતપાલના નજીકના સાથી અને ખાલિસ્તાન સમર્થક અવતાર સિંહ ખાંડાનું પણ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, ખંડાનો પણ NIAની વોન્ટેડ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application