૩ જૂન વિશ્વ સાયકલ દિવસ: સોમનાથ-પાટણમાં સાયકલનો પણ દબદબો હતો

  • June 03, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ૩ જૂન સમગ્ર વિશ્ર્વ સાયકલ દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે સોમનાથદાદાની નગરી પ્રભાસપાટણમાં સાયકલનો દબદબો હતો બલ્કે કહો કે રજવાડું હતું.
કામ-કાજ અર્થે કે ફરવા કલાકના ભાડા લેખે સાયકલ ભાડે અપાતી, જેનું કલાકનું ભાડુ બે આના ચાર આના લેખે ભાડે મળતી. જેમાં લઇ જનારનું નામ દુકાનદાર નામ અને સમય રજિસ્ટરમાં લખતા. આજે જેમ ઘરે-ઘરે બાઇક કે સ્કુટી છે તેમ ઘરે-ઘરે સાયકલ રહેતી જે મોટેભાગે શ્રમિકો કે સંપત્તિવાનોનું હાથવગું વાહન હતું. સાયકલ સાથે હવા ભરવાનો પંપ, લુછવાના કપડા અને ઓઇલીંગ ડબ્બી રહેતી.


બાળકોને મોજથી સહેલ કરાવવા સાયકલ આગળ લોખંડના સળિયાનું ઘણા બેબી સીટ પણ નખાવતા તાજે તાજા વેવિશાળ થયેલા યુવાનો તે સમયે સાસરે ઝડપથી પેંડલ મારી જતા અને પરણેતરનું ઘર આવતાં જ સાયકલની ટ્રીન..ટ્રીન..ટ્રીન..ઘંટડી રણકાવતાં જ ઘરના સૌ દોડી આવતાં કે જમાઇરાજ આવતા.
સાયકલ માટે નગરપાલિકામાંથી આજે જેમ આરટીઓમાંથી નંબર લેવા પડે છે તેમ નંબર લેવો પડતો. પ્રભાસપાટમાં મનુભાઇ સાયકલવાળા, મહેશભાઇ સાયકલવાળા, વેરાવળમાં આઝાદ સાયકલ સ્ટોર, કોહીનુર સાયકલ સ્ટોર સાયકલ ખરીદવા માટેના જાણીતા સ્થળો હતાં.
પ્રભાસમાં ૬૧ વરસથી ત્રણ પેઢીથી નગરપાલિકા કચેરી સામે સાયકલની દુકાન ધરાવતા મહેશ સાયકલ સ્ટોરના પ્રદીપ જોશી કહે છે હવે અમે સાયકલ ભાડે નથી આપતા માત્ર રીપેરિંગ જ કરીએ છીએ.
​​​​​​​
૪૩ વર્ષથી જેની બીજી પેઢી સાયકલનો સ્ટોર ધરાવે છે તેવા સફર સાયકલના સબીર મહમદ ગોહેલે પણ આવી જ વાત કરી. પાટણ શિવ પોલીસ ચોકી પાસેના ન્યુ સફર સાયકલ સ્ટોરના ઇસાભાઇ પણ આવી જ વાત કહે છે. તે જમાનામાં રાત્રે સાયકલ ઉપર દીવો ન હોય તો પોલીસ કેસ પણ થતો.
સોમનાથના સમુદ્રી વોક-વે ઉપર આનંદ લેવા આજે ય પણ સાયકલ કલાકના ભાડા પેટે અપાય છે. વેરાવળના ડાભોર રોડ ઉપર જય અંબે સાયકલ સ્ટોરના સુરેશભાઇ જૂના વ્યવસાયી છે. સાસરિયામાં જયારે જમાઇરાજ સાઇકલ લઇને જાય ત્યારે જમાઇરાજ જાણે હેલીકોપ્ટરમાં આવ્યા હોય તેવો ઓચ્છવ થતો.
સિનેમાના પરદા ઉપર પણ સાયકલની ગુંજ રહેતી અને તેવા ફિલ્મ ગીતો શેરીમાં ગુંજતા બન કે પછીં ગાયે, પ્યાર કા તરાના, સવારે ચલોને આયે દિન બહાર કે, માના જનાબને પુકારા નહીં અને સૌથી ભાતીગળ ગીત સાયકલ મારી સરરર જાય, ટ્રીન-ટ્રીન ટોકરી બજાવતી જાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application