જૂનાગઢ: કોર્ટના ડ્રાઈવરમાંથી ડીવાયએસપી બનેલા વિનીત દવેના લેપટોપ, સીપીયુની વિશેષ તપાસ

  • December 20, 2023 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ફેમિલી કોર્ટના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને નકલી ડીવાયએસપી તરીકે રોફ જમાવનાર વિનીત દવેને પોલીસે ઝડપ્યા બાદ ૧૭ ઇસમોને નોકરી અપાવવાના બહાને ૨.૧૧ કરોડની રકમ ગપચાવી લીધા ઉપરાંત કોલ લેટર, જજનું આઈ કાર્ડ, ડીવાયએસપી નું કાર્ડ સહિતની ચીજો મળતા મામલાને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા છ દિવસના રિમાન્ડ પ્રાપ્ત કરતા ઊંડાણપૂર્વકની પૂછપરછમાં જૂનાગઢના યુવકને કોર્ટમાં પટાવાળા, પાટણના બે પૈકી એક યુવકને પોલીસમાં નોકરી આપી ડ્રાઇવર તરીકે અને અન્ય યુવકને કમાન્ડોમાં સાથે રાખતા હોવાની કબુલાત કરી હતી. રિમાન્ડ પૂર્ણ થતા નકલી ડીવાયએસપી જેલ હવાલે કરવામાં આવ્યો છે પરંતુ પોલીસ દ્વારા તેના ઘરેથી મળી આવેલી વિવિધ વસ્તુઓ અંગે તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે.



વિનીત દવેને જૂનાગઢના એમ.જી રોડ ફરસાણ ની દુકાન પાસેથી ઝડપી લીધા બાદ એસપી હર્ષદ મહેતાના આદેશ અને ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ રિમાન્ડ અંતર્ગત કાર્યવાહીમાં વિનીત દવેને સાથે રાખી તેના છ દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વડોદરા માંજલપુર ખાતે ૮,૦૦૦માં ભાડાની દુકાન હોવાની કબુલાત કરી હતી. અને તેના નિવાસ્થાનેથી ૨૦.૯૮ લાખની રોકડ પણ પોલીસે કબજે કરી હતી .વિનીત દવેએ જૂનાગઢના નવા નાગરવાડા વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફી નો વ્યવસાય કરતા મનીષ જગદીશભાઈ વાજાને ફેમિલી કોર્ટમાં પટાવાળા તરીકે એક અઠવાડિયું નાઈટ શિફ્ટમાં નોકરી કરાવેલ, આ ઉપરાંત સિધ્ધપુર પાટણના કુડેર ગામના કનકસિંહ સોલંકીને પોલીસમાં નોકરી આપી પોતાના ડ્રાઇવર તરીકે નોકરી કરાવતો હતો અને ગણેશ વિસર્જનમાં વડોદરા ખાતે બંદોબસ્ત પણ કરાવ્યો હતો. સિધ્ધપુર પાટણના પાર્થ રેસીડેન્સી માં રહેતા અજીતસિંહ ચૌહાણ નામના યુવકને પોલીસ તરીકે નોકરી આપી વિનીત દવે પોતાના કમાન્ડોમાં રાખી અલગ અલગ સ્થળોએ કમાન્ડો તરીકે લઈ જતો હોવાની કબુલાત કરતા ત્રણ યુવકો પણ સાતિર નકલી ડીવાયએસપીના સકંજામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું.



નકલી ડીવાયએસપીને સાથે રાખી પોલીસ દ્વારા કરાયેલ તપાસમાં તેના નિવાસ્થાનેથી રોકડ રકમ ઉપરાંત જુનાગઢ પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજના હોદ્દાનો અસલ સ્ટેમ્પ સિક્કો, ખાખી કવર, કોરાજરી રજીસ્ટર, કર્મચારીની સર્વિસ સીટ, લેપટોપ તથા કોમ્પ્યુટર, ઇન્ડિયન રેલવેના લાલ કલર અને બ્લુ કલરના લોગો વાળા સ્ટીકરની સીટો, રાજકોટ કલેકટર ઓફિસના સિક્કા વાળા સ્ટીકરની ત્રણ સીટો, બે જોડી પોલીસ યુનિફોર્મ અને આઈ કાર્ડ, પોલીસના ખોટા આઇ કાર્ડ બનાવવા ઉપયોગમાં લીધેલ  સીપીયુ, પગાર સ્લીપ તથા બદલી ઓર્ડર અને નિમણૂક ઓર્ડર તથા એપોઇન્ટમેન્ટ લેટર ટાઈપ કરાવેલ તે સીપીયુ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 


નકલી એપોઇન્ટમેન્ટ લેટર અને આઈ કાર્ડ ઉપરાંત કોમ્પ્યુટર અને લેપટોપ કબજે થતા પોલીસ દ્વારા લેપટોપની પણ તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત મળી આવેલ સિક્કાઓ ઉપરાંત પગાર સ્લીપ વિવિધ સ્થળોએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application