આર્થિક અનામત અંગેના ચુકાદા અંગે પુનર્વિચાર નહી થાય : સુપ્રિમ કોર્ટની કેન્દ્રને રાહત

  • May 17, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




30 થી વધુ અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અગાઉના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.


આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને આપવામાં આવેલ 10 ટકા અનામતને યોગ્ય ઠેરવતા નિર્ણય પર પુન:ર્વિચાર કરવામાં આવશે નહીં. આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગયા વર્ષે 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે EWS અનામતને બંધારણીય ગણાવ્યું હતું. 9 મેના રોજ પાંચ જજોની બેન્ચે તેની સામે દાખલ કરાયેલી પુનઃવિચાર અરજીઓ પર વિચાર કર્યો હતો.



7 નવેમ્બર 2022ના રોજ આપવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયમાં 5 જજોની બંધારણીય બેંચે બંધારણના 103મા સુધારાને 3:2ની બહુમતીથી સમર્થન આપ્યું હતું. આ સુધારા દ્વારા આર્થિક આધાર પર અનામત આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે આ પ્રકારનું અનામત બંધારણીય છે અને તેનાથી અન્ય કોઈ વર્ગના અધિકારોનું ઉલ્લંઘન થતું નથી.



જાન્યુઆરી 2019માં બંધારણમાં 103મા સુધારા દ્વારા કલમ 15(6) અને 16(6) ઉમેરવામાં આવી હતી. આ દ્વારા સરકારને આર્થિક રીતે નબળા વર્ગના ઉત્થાન માટે વિશેષ વ્યવસ્થા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ પછી સરકારે સામાન્ય વર્ગના ગરીબોને નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની સિસ્ટમ બનાવી હતી. જેને 30 થી વધુ અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.




ગયા વર્ષે તત્કાલિન ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. તેમના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશો - જસ્ટિસ દિનેશ માહેશ્વરી, બેલા એમ ત્રિવેદી અને જમશેદ પારડીવાલાએ EWS અનામતને યોગ્ય ઠેરવ્યું હતું. આ ન્યાયાધીશોનું માનવું હતું કે બંધારણે તમામ નબળા વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરવાની સરકારની ફરજ છે. આવી સ્થિતિમાં ગરીબીને કારણે પાછળ રહી ગયેલા સામાન્ય વર્ગના લોકોને અનામત આપવાની વ્યવસ્થા બનાવવામાં કોઈ બંધારણીય ભૂલ નથી.




ત્રણેય ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પહેલાથી જ અનામત મેળવતા એસસી, એસટી અને ઓબીસી માટે 50 ટકા અનામતની મર્યાદા નક્કી કરી છે. જનરલ કેટેગરીને નવી 10 ટકા અનામત આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તેને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ કહી શકાય નહીં. ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે આ 10 ટકા અનામતમાં SC, ST અને OBC માટે ક્વોટા નક્કી કરવાની જરૂર નથી, કારણ કે આ વર્ગ પહેલાથી જ અનામતનો લાભ લઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application