સેલ્સમેનની હત્યા એક કરોડના ઘરેણા લૂંટ કેસમાં આજે ચૂકાદાની સંભાવના

  • March 23, 2023 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સોની ધંધાર્થીએ નાણાની ભીંસ હોવાથી પરિચીત સેલ્સમેનને ટાર્ગેટ કર્યેા હતો: કારમાં બેશુધ્ધ બનાવી હત્યા કરી લાશ આજીડેમ પાસે ફેંકી દીધી હતી, આરોપીની કારમાંથી કેમિકલ, ઘરમાંથી સોનું મળી આવ્યું હતું, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર થયો, પુરાવાઓ ધ્યાને લેવા પીપી એસ.કે.વોરાની રજૂઆત




સોની વેપારીના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા વસંતભાઈ ઝીંઝુવાડિયાની પાંચ વર્ષ પૂર્વે થયેલી હત્યા અને એક કરોડના સોનાના ઘરેણાની લૂંટના ચકચારી બનાવમાં કેસ અદાલતમાં ચાલી જતાં અદાલત સજા સંભવતપણે આજે બપોર બાદ સંભળાવે તેવું જાણવા મળે છે.





સમગ્ર ઘટનાની આધારભૂત સૂત્રોની વિગતો મુજબ નિલયભાઈ શાહના જવેલર્સ શોરૂમમાં વસંતભાઈ નામના આધેડ સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા. અલગ અલગ ડિઝાઈનના ઘરેણા બેગમાં લઈને અન્ય સોની વેપારીઓને બતાવવા, ઓર્ડર લેવાનું કામકાજ કરતા હતા. પાંચ વર્ષ પહેલા ૨૦૧૮માં વસંતભાઈ રાબેતા મુજબ ઘરેણા ભરેલી બેગ લઈને નીકળ્યા હતા. સમય થવા છતાં પરત ન આવ્યા અને મોબાઈલ ફોન પર સંપર્ક પણ થતો ન હોવાથી સોની વેપારી તેમજ વસંતભાઈના પરિવારજનો ચિંતિત બન્યા હતા. પોલીસને જાણ કરાઈ હતી.





દરમિયાનમાં વસંતભાઈનો મૃતદેહ આજીડેમ પાસેથી મળી આવ્યો હતો. એક કરોડના ઘરેણા ભરેલી બેગ અને મોબાઈલ ફોન ગુમ હતા. મૃતકના ગળાના ભાગે ફાંસો ખાઈને મૃત્યુ નીપજાવ્યું હોવાના નિશાન હતા. પી.એમ. રિપોર્ટમાં હત્યા હોવાનું ખુલતા પોલીસે જે તે સમયે લૂંટના ઈરાદે હત્યા થયાના આરોપસર અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.





સેલ્સમેન વસંતભાઈ એક કરોડના ઘરેણા લઈને નીકળ્યા ત્યાંથી જયાં–જયાં ગયા તે રૂટના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. એ દરમિયાન પોલીસને એવી પણ માહિતી મળી હતી કે મૃતક વસંતભાઈના શેઠ નિલયભાઈ શાહે વસંતભાઈને પ્રહલાદ પ્લોટમાં રહેતા સોની ધંધાર્થી ભરત હસમુખભાઈ લાઠિયા સાથે કારમાં જતાં સીસીટીવીમાં જોયા હતા. પોલીસે એ સીસીટીવી કબજે લીધા હતા. કડીના આધારે આરોપી ભરતને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરાતા આરોપીએ વસંતભાઈ ઝીંઝુવાડિયાની લંૂટના ઈરાદે હત્યા કર્યાની અને ઘરેણા લૂંટી લીધાની કેફિયત આપી હતી.





નાણાકીય ભીડમાં આવી જતાં વસંતભાઈ રોજિંદા ક્રમ પ્રમાણે કિંમતે ઘરેણા લઈને નીકળતા હોવાથી અને વસંતભાઈ પરિચિત હોવાથી સરળતાથી કામ થઈ જશે તેવો વિચાર કરી વસંતભાઈને ટાર્ગેટ કર્યા હતા. બનાવના દિવસે વસંતભાઈ એકાદ કરોડની કિંમતના ઘરેણા લઈને નીકળ્યા હતા. ભરતે પીછો કરી પરિચિત હોવાથી વસંતભાઈને કારમાં બેસાડયા હતા. અગાઉથી પ્રિ–પ્લાન મુજબ ચાંદી સાફ કરવાનું કેમિકલ સાથે રાખ્યું હતું અને વસંતભાઈ પર કેમિકલ છાંટીને બેશુધ્ધ બનાવી દીધા હતા. ઘરેણા લૂંટી લીધા પરંતુ વસંતભાઈ પરિચિત હોવાથી ભાંડો ફટી જશે તેવું માનીને કારમાં જ દોરી વડે ફાંસો દઈને હત્યા નિપજાવી હતી.





હત્યા કર્યા બાદ કારમાં જ લાશને લઈ જઈને આજીડેમ પાસે ફેંકી દીધી હતી. પોલીસે જે–તે સમયે મૃતક વસંતભાઈના પુત્ર ભાવિનની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં આરોપી ભરતની ધરપકડ કરી હતી કાર કબજે લેવાઈ હતી. કારના શીટ કવર પરથી કેમિકલની હાજરી મળી આવી હતી. હત્યા કરી ફેંકી દીધાનો મોબાઈલ ફોન આરોપી ભરતે જયાં ફેંકયો તે જગ્યાએથી શોધી આપ્યો હતો. લંૂટેલા એક કરોડથી વધુની કિંમતના ઘરેણા બાનવતા એક દિવસ ઘરે રાખ્યા અને બીજા દિવસે વેચી નાખ્યા હતા. જે–તે સમયે પોલીસે સીસીટીવીથી લઈ હત્યા સંબંધી અન્ય પુરાવાઓ પણ એકત્રિત કર્યા હતા.





કેસ રાજકોટની અદાલતમાં ચાલી જતાં મૃતકના પુત્ર ફરિયાદી ભાવિને જુબાની દરમિયાન સીસીટીવી ફટેજમાં પિતા અને આરોપી ભરતને સાથે જતાં જોયા હોવાનો ઈનકાર કર્યેા હતો. કાયદાની જોગવાઈ મુજબ સીસીટીવી ફટેજ ખરા હોવાના પ્રમાણપત્ર હોવા જરૂરી સહિતના મુદે સરકાર પક્ષે રોકાયેલા જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે.વોરા દ્રારા દલીલ વખતે જણાવ્યું કે, ફરિયાદી ભાવિનની ઉલટ તપાસ વખતે આરોપીના વકિલ સીસીટીવી ફટેજની ખરાઈ અંગે કોઈ શંકા વ્યકત કરી નથી. તપાસનીય પોલીસ અધિકારીની ઉલટ તપાસમાં પણ આવો કોઈ મુદ્દો ઉઠયો નથી જેથી સીસીટીવી ખરાઈ અંગેના પ્રમાણપત્રની જરૂર ન હોવાનું કહ્યું હતું.




અન્ય પુરાવાઓમાં આરોપીની કારમાંથી કેમિકલની હાજરી જે નક્કર પુરાવો છે, ફેંકી દીધેલો મોબાઈલ પણ આરોપીએ તે જગ્યાએથી શોધી આપ્યો હતો. ઘરેણા પણ કયાં આપ્યા તે બતાવ્યું હતું આ બધા સજડ પુરાવાઓ ધ્યાને લઈ ફરિયાદી હોસ્ટાઈલ જાહેર થયો હોવા છતાં સેસન્સ કોર્ટ દ્રારા સરકારપક્ષે પીપી એસ.કે.વોરા દ્રારા કરાયેલી ધારદાર દલીલો, પુરાવાઓ આધારે આજે આરોપી ભરત હસમુખભાઈ લાઠીગરા સામે ચુકાદો સંભળાવામાં આવે તેવી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application