ક્રિકેટ રસીકોમાં આનંદો: જામનગરના ખેલાડીઓને મળશે બે નવા મેદાન

  • February 10, 2023 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર એક ક્રિકેટના ખેલાડીઓ માટે ખૂબ જ જાણીતું છે, ભૂતકાળમાં રાજવી પરિવારના ખેલાડીઓ તેમજ ઓલરાઉન્ડર સલીમ દુરાની, વિનુ માંકડ, રવિન્દ્ર જાડેજા તથા રણજી ટ્રોફીના ખ્યાતનામ ખેલાડીઓ જામનગરના ક્રિકેટ બંગલામાં રમી ચૂક્યા છે, હવે તો મહિલા આઇપીએલમાં નગરની બે મહિલા ખેલાડીઓ પોતાનું કૌવત દાખવે તેવી શક્યતા છે, ત્યારે જામનગરમાં કોઇ સારા મેદાન ન હોવાના કારણે લોકોમાં પણ મહાનગરપાલિકા સામે ઉગ્ર રોષ પણ હતો, આ અંગે અવારનવાર રજૂઆતો પણ થતી રહેતી હતી, પરંતુ આ વર્ષના ર૦ર૩-૨૪ ના અંદાજપત્રમાં જામ્યુકોના સત્તાધીશોએ શહેરમાં બે જગ્યાએ મેદાનો વિકાસાવવામાં માટે એક મહત્વનો સારો નિર્ણય કર્યો છે, જેથી આગામી દિવસોમાં આ મેદાનમાં રમતવીરો પોતાનું કૌવત દાખવી શકશે.



સ્ટે. કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ બજેટમાં આ વર્ષે જામનગરમાં બે નવા અત્યાધુનિક મેદાન બનાવવા નિર્ણય કર્યો છે અને બજેટમાં પણ તેનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જો કે ઘણા વખતથી સમર્પણ હોસ્પિટલની પાછળ બે લાખ ફૂટ જગ્યામાં ક્રિકેટના મેદાન માટે ક્રિકેટની પીચ તૈયાર કરવામાં આવી છે અને ખેલાડીઓ તેનો ધીમે ધીમે લાભ લઇ રહ્યા છે, આ મેદાનમાં પુરેપુ‚ં સમતળ બનાવી દેવામાં આવશે, એટલું જ નહીં જામનગર શહેરમાં મોટી મોટી ટુર્નામેન્ટો રમાય તે માટે આ મેદાન ખૂબ જ મહત્વનું બની રહેશે.



હાલમાં પ્રદર્શન મેદાન અને ધન્વતરી મેદાન એ બે જ મેદાનમાં ટુર્નામેન્ટો રમાતી હોય છે, મેહુલ સિનેમાની સામે કિલુભાઇની વાડી તરીકે ઓળખાતી જગ્યામાં પણ કોઇ ટુર્નામેન્ટો રમાઇ છે, પરંતુ જામનગરને જેવા સારા ગ્રાઉન્ડો મળવા જોઇએ તેવા મળતા નથી, ભૂતકાળમાં વાત લઇએ તો અજીતસિંહજી પેવેલીયનમાં રમાયેલી એક મહત્વની મેચમાં સ્ટાર ક્રિકેટરોએ બોલીંગ માર્ક સમતોલ નથી, એમ કહીને આક્રોશ ઠાલવ્યો હતો, ત્યારબાદ ભારે વિવાદ થયો હતો, શા માટે મેદાન સમતોલ બનાવ્યું નથી ?, જામનગરમાંથી અનેક ક્રિકેટરો દેશ વિદેશમાં રમ્યા છે, ખુદ જામનગર રણજીતસિંહજીના નામે રણજી ટ્રોફી અને જામદુલિપસિંહજીના નામે દુલિપ ટ્રોફી પણ દેશમાં રમાડવામાં આવે છે, પરંતુ જામનગરના ક્રિકેટના મેદાનની હાલત હજુ સુધી સુધરી નથી, ક્રિકેટ પેવેલીયન બનાવ્યું છે, પરંતુ જોઇએ તેટલી સગવડતા ન હોવાના કારણે રણજી ટ્રોફી, ઇરાની ટ્રોફી અને કોઇ મહત્વની મેચો જામનગરને ઘણાં વર્ષોથી મળી નથી એ પણ હકીકત છે, ઉપરાંત નાઘેડી બાજુની જગ્યામાં એક વિશાળ સ્ટેડીયમ બનાવવામાં આવશે તેવી હીલચાલ કરવામાં આવી હતી, પરંતુ આ પ્રોજેકટ લટકતો રહ્યો હતો.



જામનગર મહાપાલિકાના સતાધીશોને આ વખતે સારૂ સ્વપ્ન આવ્યું કે જામનગરમાં મેદાન જોઇએ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, ચેરમેન મનીષ કટારીયા, ડે. મેયર તપન પરમાર સહિતના અગ્રણીઓએ પણ થોડી જહેમત ઉઠાવી અને આખરે વર્ષ ર૦ર૩-૨૪ ના વિકાસલક્ષી બજેટમાં જામનગરમાં સમર્પણ ખાતે બે લાખ ફૂટ જગ્યામાં અને હાપા ખાતે તમામ રમતો રમી શકાય તેવું સવા લાખ ફૂટની જગ્યામાં વિશાળ સ્ટેડીયમ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેની ચોમેર પ્રશંસા થઇ રહી છે.



જામનગરના ક્રિકેટ રસીકો ઇચ્છી રહ્યા છે કે જેમ બને તેમ ઝડપથી શહેરને બે નવા મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ અને હજુ એક બે ફાજલ જગ્યા ટીપી સ્કીમમાંથી નીકળે તે તો પણ મેદાન માટે રીઝર્વ રાખવામાં આવે તો જામનગરની ભાવિ પેઢી ક્રિકેટ સહિતની અન્ય રમતો રમીને પોતાનું કૌશલ્ય દાખવી શકે.



જામનગરમાં મહિલાઓ પણ ક્રિકેટમાં પાછળ નથી, જામનગરની નેહા ચાવડા ચારેકોમ ફટકાબાજી કરે છે અને જયશ્રી જાડેજા પણ એક સારા ક્રિકેટર છે, આ બન્ને મહિલાઓની આઇપીએલમાં પસંદગી પણ થઇ ચૂકી છે, દિન-પ્રતિદિન મહિલાઓ પણ ક્રિકેટમાં રૂ ચી દાખવતી થઇ ગઇ છે, આ પ્રકારના મોટા મેદાનો હોય તો જામનગરના અનેક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ સુધી પહોંચી ગયા છે. રવિન્દ્ર જાડેજાએ કરી બતાવ્યું છે કે તેમની ફીરકીથી તે ભલભલા વિશ્ર્વના બેટધોરને આંગળીના ટેરવે નચાવી શકે છે, ક્રિકેટમાં ઇન્જર્ડ થયા બાદ હજુ ફીટ થઇને આવી બાદ ગઇકાલે ઓસ્ટ્રેલીયાની પાંચ વિકેટ ઝડપી છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જામનગરમાં ક્રિકેટના પાઠ શીખીને ખેલાડીઓ સમગ્ર વિશ્ર્વમાં જામનગરમાં નામ રોશન કરે છે.



ડીએમસી ભાવેશ જાનીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, જામનગરમાં સમર્પણ હોસ્પિટલની પાછળ અને હાપા વિસ્તારમાં થઇને કુલ બે ક્રિકેટ મેદાન તૈયાર કરવાના છે, તેમાં લગભગ રૂ . એક કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે, જો કે આ પ્રાથમિક અંદાજ છે, હજુ એસ્ટીમેન્ટ તૈયાર થયું નથી, પરંતુ જામનગરવાસીઓ માટે એક સારા સમાચાર છે કે શહેરના રમતપ્રેમી ખેલાડીઓ માટે બે બે મેદાન મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application