હિટલર ગાંધી : સંઘના મુખપત્રમાં ઈન્દિરા ગાંધીની હિટલર સાથે સરખામણી

  • June 26, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દુત્વવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના હિન્દી મુખપત્ર પંચજન્યએ ઈમરજન્સીની વર્ષગાંઠના દિવસે દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તુલના જર્મનીના સરમુખત્યાર હિટલર સાથે કરી છે. મેગેઝીનના આવનારા સપ્તાહિક અંકના કવર પેજ પર હિટલર અને ઈન્દિરા ગાંધીની તસવીર સામસામે મૂકવામાં આવી છે. જેનું ટાઈટલ ‘હિટલર ગાંધી’ રાખવામાં આવ્યું છે.




આ મેગેઝિનના પેજ પર લખવામાં આવ્યું છે કે, “યુરોપમાં ઘણી જગ્યાએ હિટલરના જઘન્ય અપરાધોને નકારવા અથવા ભુલાવી દેવા પર કાયદાકીય પ્રતિબંધ છે. આ તેમના માટે અસ્તિત્વની રક્ષાનો સવાલ છે. ભારતમાં ઈન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સીની આ સ્થિતિ છે, જેને ભૂલી જવું લોકશાહીના અસ્તિત્વ માટે ખતરનાક બની શકે છે. 25 જૂન, 1975ની કાળી રાતે શરૂ થયેલી વાર્તાને યાદ કરીએ…”




આની સાથે મેગેઝીનમાં જયપ્રકાશ નારાયણનો હાથકડી પહેરેલ ફોટો પણ છે. જેનું શીર્ષક ‘એ ભયાનક વાર્તા’ આપવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે, “જો યુરોપ નાઝીવાદ અને ફાસીવાદના સત્યને ભૂલી જશે, તો ત્યાં ફરીથી તે જ ઘટનાને ટાળવી શક્ય નથી. ભારતની પણ એવી જ સ્થિતિ છે. જો આપણે ઈમરજન્સીને ભૂલી જઈએ તો આપણા માટે લોકશાહીને બચાવવી અઘરી બની જશે.”




તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, “કટોકટીની ભયાનક કહાની લાખો લોકોને જેલમાં રાખીને, લોકશાહી, કાયદો, બંધારણ, મર્યાદા, દરેક પ્રકારની સંસ્થા અને ન્યાયતંત્રનું ગળું દબાવીને પોતાને સત્તામાં રાખવાની તાનાશાહીની ઘેલછાના પરિણામની કહાની છે.”




આગળ લખ્યું છે, “આ બાબતોને ભૂતકાળ તરીકે છોડી દેવી એ નાઝી પક્ષને યુરોપમાં ફરી ખીલવા દેવા જેવું હશે. આ ન તો વિચારધારાનો પ્રશ્ન છે કે ન તો રાજકારણનો. આ ભારતની લોકશાહીના રક્ષણનો પ્રશ્ન છે.” આ ઉપરાંત ‘તનાશાહ ઈન્દિરા’ સહિત અન્ય કેટલાક લેખોમાં ઈમરજન્સીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application