વેરાવળના સુપાસી ગામે દોઢ લાખના ૩ વર્ષ હપ્તા ભર્યા બાદ વ્યાજખોરે ૩.૫૦ લાખનો ચેક લખાવી રિટર્નની ફરિયાદ નોંધાવી

  • January 20, 2023 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળના સુપાસી ગામના ખેડુતને માતાની સારવાર માટે નાણાંની જરૂરીયાત ઉભી થતા ગામમાં જ રહેતા પરિચિત શખ્સ પાસેથી રૂ.૧.૫૦ લાખની રકમ ૧૦ ટકા વ્યાજે લીધેલ હતી. જેનું ત્રણેક વર્ષ સુધી વ્યાજ અને પેનલ્ટી ચુકવી રહેલ હતા. ત્યારબાદ નિયમિત વ્યાજ ચુકવવા માટે ખેડુતએ બીજા પરિચીત શખ્સ પાસેથી રૂ.૨૮ હજાર ૧૦ ટકા લેખે લીધેલ હતા. બાદમાં ઘણા સમય સુધી વ્યાજ, પેનલ્ટીની રકમ ચુકવી રહેલ હોવા છતાં બંન્ને વ્યાજખોર શખ્સો ખેડુતની મજબુરીનો લાભ લઇ આપેલ મુળ રકમનુ મોટી ટકાવારીએ વધુ રૂ.૩.૫૦ લાખની રકમ વસુલાત કરવા કોરા ચેકોમાં સહી કરાવડાવી લઈ બાઉન્સ કરાવડાવીને કોર્ટ કાર્યવાહી કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ ગુજારી રહ્યા હતા. આ મામલે ખેડુતની ફરીયાદના આધારે સુપાસી ગામના બંન્ને વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


રાજ્યમાં વ્યાજખોરો સામે શરૂ થયેલ ઝુંબેશને લઈ લોકો ફરીયાદ કરવા સામે આવી રહ્યા છે. જેમાં વેરાવળ પંથકનો ખેડુત બે વ્યાજખોરોના ચંગુલમાંથી છુટવા માટે પોલીસના શરણે પહોંચ્યો છે. જેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળના સુપાસી ગામે રહેતા અને ખેતીકામ કરતા હરસુખ જાદવભાઈ સોલંકીને પાંચેક વર્ષ પૂર્વે બીમાર માતાની સારવાર માટે નાણાંની જરૂરીયાત ઉભી થતા પોતાના ગામના જ પરિચીત જગમાલ હીરાભાઈ જોટવા પાસેથી રૂ.૧.૫૦.લાખની રકમ ૧૦ ટકા વ્યાજ આપવાનું અને તે ન આપી શકે તો પેનલ્ટી આપવાનું નકકી કરેલ હતુ. જે મુજબ ત્રણેક વર્ષ સુધીમાં જગમાલભાઈને વ્યાજ-પેનલ્ટીના આશરે રૂ.૧.૫૦ લાખ જેવી રકમ ચૂકવી હતી.


જેના કારણે હરસુખભાઈની આર્થીક પરિસ્થિતિ કથળી ગઈ હતી. એવા સમયે જગમાલભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ અને પેનલ્ટીના વધુ રૂ.૨.૫૦ લાખ આપવા ઉઘરાણી કરી ધમકીઓ આપતા હતા. જેનાથી છુટકારો મેળવવા માટે હરસુખભાઈએ સુપાસીમાં રહેતા બીજા પરિચીત સંજયગીરી ઝવેરગીરી પાસેથી રૂ.૨૮ હજાર ૧૦ ટકા લેખે લીધા હતા. આ રકમ વ્યાજના હપ્તા પેટે જગમાલને આપી હતી. બાદમાં ખેતીની આવકમાંથી ઘરખર્ચ, સારવાર ખર્ચ અને બંન્ને શખ્સોને વ્યાજ-પેનલ્ટી રૂપે રૂ.૧-૧ લાખની રકમ ચુકવી દીધી હતી. તેમ છતાં પેનલ્ટી સાથે વધુ વ્યાજના જગમાલએ રૂ.૨.૫૦ લાખ તથા સંજયગીરીએ રૂ.૧ લાખની માંગણી કરી પરેશાન કરતા હતા.
​​​​​​​
દરમ્યાન ત્રણેક માસ પહેલા જગમાલભાઈએ ચાર કોરા ચેકોમાં હસમુખભાઈ પાસેથી સહીઓ કરાવી લઈ જઈ ધમકી આપેલ કે, આ ચેકો બેંકમાં વટાવીશ જો બાઉન્સ થશે તો કોર્ટ કાર્યવાહી કરી તારી પાસેથી વ્યાજના રૂપિયા મેળવીશ અને વ્યાજના રૂપિયા તો આપવા જ પડશે તેવી ધમકી આપી હતી. આવી જ રીતે ધમકી આપતા સંજયગીરીને સહી કરેલા ત્રણ કોરા ચેક આપેલ તે પૈકીનો એક ચેક બેંકમાં વટાવતા બાઉન્સ થયેલ હતો. આમ, જગમાલ જોટવા અને સંજયગીરી ઝવેરગીરી કોઇપણ પ્રકારનું નાણાધીરાણનું લાયસન્સ કે પરવાનો ન ધરાવતા હોવા છતા હરસુખભાઈની મજબુરીનો લાભ લઈ આપેલ મુળ રકમનું મોટી ટકાવારીએ વ્યાજની વસુલાત કરેલ અને હજુ પણ દબાણ કરીને પેનલ્ટી તથા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધુ નાણાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પરેશાન કરતા હતા. આ વિગતો સાથે ખેડુત હરસુખભાઈ સોલંકીએ બંન્ને વ્યાજખોરો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application