પાલિતાણામાં જમીનના મામલે મહિલા સહિત ૮ પર લોહિયાળ હૂમલો

  • February 03, 2023 08:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગેરકાયદે કરેલા કબ્જા અંગે વર્ષોથી બે પક્ષ વચ્ચે ચાલી રહેલી તકરાર લોહિયાળ બની: ઈજાગ્રસ્ત તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા


ભાવનગર જિલ્લાના પાલિતાણા તળેટી વિસ્તારમાં સોની પરિવારની આ જ ગામ ખાતે આવેલી ૯ વિઘા જમીન બાબતે આજ વિસ્તાર ખાતે રહેતા શખ્સો સાથે બોલાચાલી, માથાકૂટ થઈ હતી. દરમિયાનમાં આ માથાભારે શખ્સો વિ‚દ્ધ પરિવાર દ્વારા પોલીસ તંત્રને અરજી પણ આપવામાં આવી હતી. પરંતુ પોલીસ તંત્ર દ્વારા આ અરજી પર કોઈ કાર્યવાહી ન કરાતા આ મામલો બિચક્યો હતો અને માથાભારે શખ્સો ગત મોડી રાત્રીના સમયે હથિયાર સાથે ધસી આવ્યા હતા. અને જમીનના કબ્જા માટે પરીવાર પર તૂટી પડ્યા હતા. જ્યારે પરિવારના ૮ જેટલા સભ્યોને મરણતોલ ઈજા થતા ભાવનગરની સર ટી હોેસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ પાલીતાણા તળેટી વિસ્તારમાં રહેતા જિજ્ઞેશભાઈ જયસુખભાઈ સોની (ઉં.વ.૪૦)ની પાલિતાણા વિસ્તારમાં સર્વે નં. ૩૩૪/૧થી ૨/૧/૧ અને ૩૩૧/૧ની જમીન આવેલી છે આ જમીનનો કબ્જો કરવા માટે આ જ વિસ્તાર ખાતે રહેતા ભુપેશ હરગોવીંદભાઈ ધકાણા સહિતના શખ્સો વારંવાર જિજ્ઞેશભાઈના પરિવાર પર ત્રાસ ગુજારતા હોય દરમિયાનમાં જિજ્ઞેશભાઈ જયસુખભાઈ સોનીએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં આ શખ્સો વિ‚દ્ધ ત્રાસમાંથી મુક્ત કરાવવા અરજી પણ આપી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તેવામાં માથાભારે શખ્સો બેફામ બન્યા હતા. બેફામ બનેલા ભુપેશ હરગોવિંદભાઈ ધકાણા, બાબુભાઈ લલ્લુભાઈ સોની, કાળુભાઈ બાથાભાઈ મેર અને તેમના બંન્ને પુત્રો લાલો પરમાર, મેહુલ ઉર્ફે ખબરી, મેહુલ મેર, ગોપાલ મેર સહિતના અન્ય શખ્સો ગત મોડી રાત્રીના સમયે તિક્ષ્ણ હથિયારો ધારણ કરી જિગ્નેશભાઈની જમીન પર ધસી આવ્યા હતા. 


હથિયારો વતી જમીન માલીક જીગ્નેશભાઈ જયસુખભાઈ સોની (ઉં.વ.૪૦), જયસુખભાઈ શાંતિભાઈ (ઉં.વ. ૬૫), સુર્યાબેન જયસુખભાઈ સતીકુંવર (ઉં.વ.૬૦), હાર્દિક જયસુખભાઈ સતીકુંવર (ઉં.વ.૩૮), ભાવિકભાઈ જયસુખભાઈ સતીકુંવર (ઉં.વ. ૩૬), સુર્યકાંતભાઈ શાંતિભાઈ સતીકુંવર (ઉં.વ.૫૪), દક્ષાબેન કલ્પેશભાઈ લુહાર (ઉં.વ.૫૨)ને ગંભીર ઈજા થતા સારવાર માટે મોડી રાત્રીના સમયે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પાલિતાણા પોલીસ મથકનાં પીએસઆઈ જાડેજાના નિવેદનો લઈ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.


માથાભારે શખ્સોથી મુક્ત કરાવવા પોલીસમાં અરજી આપી હતી


પાલિતાણા ખાતે રહેતા જયસુખલાલ શાંતિલાલ સતીકુંવરે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં તા.૧૭-૧-૨૩નાં રોજ ભુપેશ હરગોવિંદભાઈ ધકાણા, કાળુભાઈ બાથાભાઈ મેર અને અન્ય સાગરીતો વિ‚દ્ધ અરજી આપી હતી કે, પોતાના કબ્જાની જમીન પર દાદાગીરીથી કબ્જો લેવા માગતા હોય આ ત્રાસમાંથી મુક્ત કરાવવાની અરજ પોલીસ તંત્રને કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application