2015 અને 2019ની ભૂલોનું પુનરાવર્તન નહીં થાય તો ટીમ ઈન્ડિયાના નામે થશે વર્લ્ડ કપનો તાજ

  • November 01, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વન વર્લ્ડ કપ ૨૦૨૩ : યજમાન ભારતીય ટીમ સતત છ મેચ જીતીને ટુર્નામેન્ટમાં અજેય, હાર્દિકની ઈજામાં થયો સુધારો, ટૂંક સમયમાં મેદાન પર દેખાશે સ્ટાર ક્રિકેટર


ભારતીય ટીમને નોકઆઉટનું ચક્ર તોડવાની જરૂર

૨૦૧૫ના વર્લ્ડ કપમાં ભારતે સતત ૦૭ મેચ જીતી અને સેમીફાઈનલમાં હારનો સામનો કર્યો હતો

૨૦૧૯માં ૦૭ મેચ જીતી અને ફરી સેમીફાઈનલમાં મળી હાર

ટીમ ઈન્ડિયા ૧૦ વર્ષમાં આઠ વખત આઈસીસી ટૂર્નામેન્ટના નોકઆઉટમાં પહોંચી



ભારતીય ટીમ આઈસીસી વન ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં સતત ૬ મેચ જીતીને સૌથી મજબૂત ટીમ તરીકે ઉભરી છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ૧૦૦ રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી જેટલી મેચો રમી છે તેમાં એકાના સ્ટેડિયમની વિકેટ સૌથી પડકારજનક હતી અને ટીમ માત્ર ૨૨૯ રન જ બનાવી શકી હતી. પરંતુ બોલર્સના જોર પર ભારતીય ટીમે જીત મેળવી હતી. હવે વિશ્વભરના ક્રિકેટ પંડિતો ટીમ ઈન્ડિયાને ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માની રહ્યા છે.


૨૦૧૫ અને ૨૦૧૯ના વર્લ્ડ કપમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી, તેમ છતાં ટીમ સેમિફાઇનલને પાર કરી શકી ન હતી અને તેનું ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ભારતીય ટીમ પાસે ૧૯૮૩ અને ૨૦૧૧ના સુવર્ણ ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે પરંતુ તેને નોકઆઉટના પડકારને પાર કરવો પડશે. ભારતીય ટીમ ૨ નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે વર્લ્ડ કપની સાતમી મેચ રમશે. સારા સમાચાર એ છે કે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પગની ઘૂંટીની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને મેચ પહેલા મુંબઈમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. જોકે, હાર્દિક શ્રીલંકા સામેની મેચમાં રમશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. સૂત્રો અનુસાર, હાર્દિક ઈજામાંથી સાજો થઈ ગયો છે પરંતુ તેના રમવા અંગેનો અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે. શક્ય છે કે તેને હજુ થોડા દિવસ આરામ આપવામાં આવે.



ટીમ ઈન્ડિયા ટાઈટલની રેસમાં ૩ કારણોથી સૌથી આગળ


૧. બેટ્સમેન હોય કે બોલર, દરેક ખેલાડી ફોર્મમાં


ભારતીય ટીમ કોઈ એક ખેલાડી પર નિર્ભર નથી. ટીમના તમામ ટોપ બેટ્સમેન અને બોલર્સ ફોર્મમાં છે. ઉદાહરણ તરીકે, જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વિકેટ ઝડપી ત્યારે વિરાટ કોહલી અને લોકેશ રાહુલે ઇનિંગની જવાબદારી સંભાળી હતી. ઈંગ્લેન્ડ સામે જ્યારે સ્કોર ઓછો હતો ત્યારે બોલર્સ આગળ આવ્યા અને ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ ગયા.


૨. ખેલાડીઓ તેમની ભૂમિકા જાણે છે


ટીમના તમામ ખેલાડીઓ તેમની ભૂમિકાથી સારી રીતે વાકેફ છે. તમામ ખેલાડીઓને પ્લાન એ અને બી આપવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે  કેપ્ટન રોહિત શર્મા શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ જ્યારે ઈંગ્લેન્ડ સામે બે વિકેટ વહેલી પડી ગઈ ત્યારે તેણે પ્લાન બી અપનાવ્યો અને દાવને સંભાળવાની જવાબદારી ઉપાડી.


૩. હોમગ્રાઉંડ પર રમવાનો ટીમને મળી રહ્યો છે પૂરો ફાયદો

ભારતીય ટીમનો વન ડે ક્રિકેટમાં ઘરઆંગણે તમામ ટીમો સામે શાનદાર રેકોર્ડ છે. ટીમ ઘરેલું પરિસ્થિતિથી વાકેફ છે. ઉદાહરણ તરીકે ૨૦૨૦ થી, ઘરઆંગણે કુલ ૩૦ ઓડીઆઈ મેચ રમાઈ છે અને તેઓએ ૨૪ જીતી છે જ્યારે માત્ર ૬માં હારનો સામનો કરવો પડ્યો છે. ૨૦૨૩માં, ટીમ ઈન્ડિયાએ કુલ ૨૭ ઓડીઆઈ રમી છે અને ૨૧ જીતી છે, ૦૫ હારી છે અને ૦૧ અનિર્ણિત રહી છે.



ધોનીને પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ, આ વખતે ફેન્સની આતુરતાનો આવશે અંત

૨૦૦૭ ટી-૨૦ અને ૨૦૧૧ ઓડીઆઈ વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું માનવું છે કે ભારતીય ટીમ આ વખતે આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાનો દુકાળ ખતમ કરશે. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, અમારી ટીમ ખૂબ જ મજબૂત છે અને ટીમનું સંતુલન પણ ઘણું સારું છે. તમામ ખેલાડીઓ સારું રમી રહ્યા છે અને ટીમનો ઉત્સાહ પણ એક અલગ સ્તર પર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application