દ્વારકાધીશ મંદિરે સોમવારે હોળી પ્રગટાવાશે

  • March 02, 2023 06:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અવારનવાર તિથિમાં ફેરફાર થતાં લોકો ભારે મુંઝવણમાં મૂકાઇ જાય છે, ભગવાન દ્વારકાધીશના મંદિર, ચોટીલા ચામુંડાના મંદિર પાસે સોમવારે હોળી પ્રગટાવવામાં આવશે તેમ જાણવા મળેલ છે, સૌરાષ્ટ્રમાં હોળીનું ખૂબ જ મહત્વ છે ત્યારે અનેક સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવે છે, પરંતુ હવે ચોટીલા, જુનાગઢના ગિરનાર, અંબાજી માતાજીનું મંદિર, નાથદ્વારા મંદિર, દ્વારકાધીશના મંદિર પાસે તા. ૬ ના રોજ હોળી પ્રગટાવવામાં આવશે અને તા. ૭ ના રોજ ધોકો રહેશે, તા. ૮ ના રોજ દ્વારકામાં ફૂલડોલ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે તેમ જાણવા મળે છે. જામનગરમાં પણ શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં અને કેટલાક સ્થળોએ એટલે કે તા.૬ના રોજ સોમવારે હોલીકા દહન થશે તેમ જાણવા મળ્યું છે. 


સૂત્રોના જણાવ્યા અનુસાર દ્વારકાના જગવિખ્યાત એવા દ્વારકાધીશ મંદિરમાં કાળીયા ઠાકોરને શીશ ઝુકાવવા એક લાખથી વધુ લોકો દ્વારકા આવે છે ત્યારે સોમવારે હોળીકા દહન થયા બાદ મંગળવારના બદલે તા. ૮ ના રોજ ફૂલડોલ મહોત્સવ રંગેચંગે ઉજવાશે, ખરી રીતે તા. ૭ ના રોજ હોળી ઉજવવાની હોય છે, પરંતુ ધોકો હોવાથી તા. ૭ ના રોજ હોળી મહોત્સવ નહીં યોજાય. સરકારી અન્ય ઓફિસોમાં તા. ૮ રોજ બુધવારે રજા જાહેર કરવામાં આવી છે. 


દિવાળીમાં પણ અવારનવાર વચ્ચે ધોકો આવતો હોય, નવરાત્રિની તિથિમાં પણ મુશ્કેલી સર્જાતી હોય છે, ખરી રીતે વિખ્યાત શાસ્ત્રીઓ અને પંડિતોએ નક્કી કરીને એક જ દિવસે હોળી ઉજવાય તેવા પ્રયાસ કરવા જોઇએ, છેલ્લા અઠવાડીયાથી દ્વારકા જવાના રસ્તા પર પદયાત્રીનો મોટો કાફલો જોવા મળે છે, ઠેર ઠેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ચા, નાસ્તો, જમવાનું, નાસ્તો અને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. ગુજરાત પોલીસ દ્વારા વિવિધ ટેકનોલોજીથી ડ્રોન કેમેરા, બોડી વોન કેમેરા, વિશ્ર્વાસ પ્રોજેકટના કેમેરા વિગેરેથી ર૪ કલાક લાઇવ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, પોલીસ દ્વારા પણ એક અલગ કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં લોકોને કલરફૂલ જાકીટ વિનામૂલ્યે આપવામાં આવ્યું છે.


હવે દ્વારકામાં તા. ૬ ના રોજ હોળી પ્રગટાવાશે ત્યારે સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં પણ તા. ૬ ના રોજ હોળી પ્રગટાવાય તેવી શક્યતા છે, એક દિવસ ધોકો રહેશે અને તા. ૯ ના રોજ સમગ્ર સૌરાષ્ટ્રમાં ધૂળેટીનો તહેવાર રંગેચંગે ઉજવાશે, ભગવાન દ્વારકાધીશના શરણોમાં અત્યારે જ પ૦ હજારથી વધુ લોકો આવી ચૂક્યા છે, દ્વારકામાં હોટલો, ધર્મશાળાઓ, ખાનગી મકાનો અત્યારથી જ બુક થઇ ગયા છે, ખાસ કરીને રાજસ્થાન અને અન્ય પ્રદેશોમાંથી કૃષ્ણભક્તો કાળીયાઠાકરને શીશ નમાવવા આવી રાહ્યા છે ત્યારે પોલીસની વ્યવસ્થા પણ વધી ગઇ છે.


દ્વારકાધીશ મંદિરના પરિસરમાં ભાવિકો માટે મંડપ અને બેરીકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, કીર્તીસ્થંભથી પ્રવેશ કરીને પ૬ પગથિયાથી જગત મંદિરમાં દર્શન કરવા જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વ્યવસ્થાના આખરી ઓપ અપાઇ રહ્યો છે, ઢીલના કારણે કોઇપણ પ્રકારની ધક્કામુક્કી ન થાય તે માટે જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, એસ.ટી. બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને મહત્વના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને ૧પ૦૦ થી વધુ જવાનો સતત સુરક્ષા વ્યવસ્થા રાખી રહ્યા છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application