સમુદ્રની ગરમી, ઠંડી હવાનો ખેલ અને આફત બન્યું બિપોરજોય

  • June 14, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




બિપોરજોય વાવાઝોડાને લઈને વિવિધ પ્રકારની આશંકા વ્યક્ત : વાવાઝોડાના કારણે ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ


એક વિનાશકારી વાવાઝોડું આપણા દરિયા કિનારે ટકરાવવા માટે આતુર છે. તેનો વેગ પ્રલયકારી છે. તેની અસર અત્યારથી જોવા મળી રહી છે પરંતુ તેનું રૌદ્રરૂપ હજી પણ અરબ સાગરના તટથી ઘણું દૂર છે. હવમાન વિભાગનું કહેવું છે કે 15 જૂને બપોરની આસપાસ આ વાવાઝોડુ ગુજરાતના જખૌ પોર્ટથી ટકરાશે.. મોચાએ એક મહિના અગાઉ બંગાળની ખાડીમાં તારાજી સર્જી હતી તો હવે બિપોરજોય તેનાથી એકદમ વિપરીત એટલે કે અરબ સાગરમાં મોજાને ઊંચા કરી રહ્યું છે. આ વાવાઝોડાને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે.


અંગ્રેજીમાં Biparjoy, બાંગ્લા નામ બાંગ્લાદેશે આપ્યું છે કેમ કે વારો તેનો હતોઅને તમને તે પણ જણાવી દઈએ કે દક્ષિણ એશિયામાં દરિયાના મોજાથી આવનારી આગામી તબાહીનું નામ હશે તેજ. આ નામ આપણા દેશે આપ્યું છે.


આ વાવાઝોડાનું ફોરમેશન અરબ સાગરના મધ્ય-પૂર્વ ભાગમાં બન્યું છે. સમુદ્ર ઉપર ભારે દબાણનું ક્ષેત્ર બન્યું અને આ ડિપ્રેશન સાઈક્લોનિક સ્ટોર્મનું સ્વરૂપ લેતો ગયો. આપણા હવામાન વિભાગના સેટેલાઈટ્સેછ જૂને તેનો સંકેત આપ્યો હતો. પરંતુ તેના પહેલા ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ અને યુરોપિયન સેન્ટર ઓફર મીડિયમ રેન્જ વધર ફોરકાસ્ટે પણ તેની ચેતવણી આપી હતી.


આ વાવાઝોડુ પૂર્વોત્તર તરફ આગળ વધવાનું શરૂ થયું. જો નકશા પર જોઈએ તો આ ગુજરાત અને કરાચી બંનેને હિટ કરશે. અનુમાન છે કે 14 જૂનથી 15 જૂન વચ્ચે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે જે ભયાનક વિનાશ સર્જી શકે છે. પવન સાથે વરસાદના કારણે કાચા મકાનોમાં રહેતા લોકોને વધારે ખતરો છે. જેના કારણે બે લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે. કચ્છ પર સૌથી વધારે ખતરો છે. અહીં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા છે. આ વાવાઝોડાનો રૂટ ડાયવર્ટ કરવા માટે દરિયા કિનારે પૂજા કરવા પહોંચ્યા હતા. 1998માં આવેલા ભયાનક તોફાનના એક મહિના બાદ જ બીજું તોફાન ગુજરાત તરફ આવી રહ્યું હતું પરંતુ અંતિમ સમયે તેની દિશા બદલાઈ ગઈ હતી.



આપણે કેટલા સજ્જ છીએ

આપણો દેશ અદ્દભુત છે. ક્યાંક દુકાળ છે તો ક્યાંક આપણે પૂર જોઈએ છીએ. લગભગ આઠ ટકા વિસ્તાર વાવાઝોડાને પણ સહન કરે છે. કુદરતી આફતથી આપણા જીડીપીને બે ટકા નુકસાન થાય છે. તેમ છતાં આપણી સજ્જતા પૂરી છે. અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે મીટિંગ કરી ચૂક્યા છે. આપણો નેશનલ ડિઝાસ્ટર પ્લાન તૈયાર છે. એનડીઆરએફ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.


ક્યારે-ક્યારે આવ્યા વાવાઝોડા

ગુજરાતમાં 1801 બાદ ફક્ત પાંચ વાવાઝોડા એવા આવ્યા છે જ્યારે પવનની ગતિ 89થી 117 કિમી પ્રતિ કલાક હતી. 1920, 1961, 1964, 1996 અને 1998. જો સમગ્ર દેશની વાત કરીએ તો પ્રત્યેક વર્ષે નાના-મોટા ચાર-પાંચ વાવાઝોડા આવતા રહે છે. પરંતુ 1970 બાદ આવેલા કેટલાક વિનાશકારી વાવાઝોડાની ચર્ચા આપણે કરીએ.

1. ભોલા (1970)- આનાથી બંગાળમાં ભારે તારાજી સર્જાઈ હતી. ત્યારનું ઈસ્ટ પાકિસ્તાન પણ તબાહ થઈ ગયું. લગભગ ત્રણથી પાંચ લાખ લોકો માર્યા ગયા હતા.

2. BOB 01 (1990)- 9 મેના રોજ આંધ્ર પ્રદેશના કાંઠાના વિસ્તારો પર ટકરાયું હતું. તેમાં 967 લોકો માર્યા ગયા હતા.

3. ઓડિશા સાયક્લોન (1999) - આ વાવાઝોડાની યાદો પણ આંખો ભીની કરી દે છે. 29 ઓક્ટોબરે આ વાવાઝોડાએ ઓડિશાના કિનારાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો હતો. લગભગ 10,000 લોકો માર્યા ગયા હતા. વાવાઝોડા બાદ ડાયેરિયા અને અન્ય બીમારીઓથી પણ હજારો લોકો મર્યા હતા.

4. નિષા (2008) - આ વાવાઝોડાએ તામિલનાડુ અને શ્રીલંકા બંનેને પોતાના ઝપાટામાં લીધા હતા. લગભગ 200 લોકો માર્યા ગયા હતા.

5. ફાલિન (2013) - ઓડિશામાં ફરીથી વિનાશકારી વાવાઝોડુ ત્રાટક્યું હતું. જોકે, નવીન પટનાયકે પહેલાથી જ તૈયારીઓ કરી લીધી હતી. જેના કારણે મૃત્યુઆંક ફક્ત 45નો રહ્યો હતો.

6. હુદહુદ (2014)- આંધ્ર પ્રદેશ વધુ એક વખત વાવાઝોડાનો ભોગ બન્યું હતું. 124 લોકો માર્યા ગયા હતા.

7. ઓખી (2017)- આ વાવાઝોડાએ કેરળ, તામિલનાડુ અને ગુજરાતના ત્રણ રાજ્યોમાં તારાજી સર્જી હતી. લગભગ 245 લોકો માર્યા ગયા હતા.




બોક્સ


કેવી રીતે બને છે વાવાઝોડુ

1. બિપોરજોય એક ટ્રોપિકલ સ્ટોર્મ છે એટલે કે ઉષ્ણકટિબંધીય તોફાન. તેની શરૂઆત જબરદસ્ત હ્યુમિડિટી એટલે કે ભેજના કારણે થાય છે. જ્યારે દરિયાનું તાપમાન 26 ડિગ્રીથી વધારે થાય છે તો પાણી વરાળ બનીને ઉપર જાય છે અને ઠંડી હવાના સંપર્કમાં આવીને મોટા વાદળ બનવા લાગ છે. દરિયાની સપાટીથી તેની ઊંચાઈ પાંચ કિલોમીટર ઉપર સુધી હોઈ શકે છે.

2. જેવી રીતે તમે નીચે આપેલી ઈમેજમાં જોઈ શકો છે કે આ ફોરમેશનના કેન્દ્રમાં અત્યંત ઓછા પ્રેશરનું ક્ષેત્ર બને છે. આ કોલમની ચારેય તરફ હવા ચાલવા લાગી છે.

3. જેમ-જેમ સેન્ટ્રલ કોલમમાં દબાણ ઘટે છે, હવાઈની સ્પીડ વધવા લાગે છે.

4. ટ્રોપિકલ સ્ટોર્મ દરિયાની ઉપર બને છે અને કિનારાના વિસ્તારોની તરફ ઝડપથી આગળ વધે છે. ઉત્તરીય ગોળાર્ધમાં તોફાન દરમિયાન હવા ઘડિયાળના કાંટાથી વિપરીત દિશામાં ચાલે છે. દક્ષિણ ગોળાર્ધમાં કાંટાની દિશામાં જ ફરે છે.


વાવાઝોડા તારા કેટલા નામ

દરિયામાંથી ઊભા થઈને ધરતી પર વિનાશ વેરતા વાવાઝોડાના ચાર નામ છે. આ નામ વિસ્તારો પર આધાર રાખે છે.

1. હિંદ મહાસાગરમાં સાયક્લોન

2. એટલાન્ટિક મહાસાગરરમાં હરિકેન

3. પ્રશાંત મહાસાગરમાં ટાયફૂન

4. ઓસ્ટ્રેલિયામાં વિલી વિલીઝ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application